હિંમતનગર નગરપાલિકામાં પાંચ વર્ષ અગાઉ ચુંટાયેલા પદાધિકારીઓની ગત તા.૧૬ માર્ચના રોજ પૂર્ણ થતાં નગરપાલિકામાં વહીવટદારનું શાસન આવી ગયું છે ત્યારે મોટાભાગના વોર્ડમાંથી ચુંટાયેલા કોર્પોરેટરોએ સોશ્યલ મીડીયાના માધ્યમથી મુકેલી આભારની વિગતો હાસ્યાસ્પદ બની છે. દરમ્યાન વોર્ડ નં.૭માં આવેલ રામજી મંદિર નજીક છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોની સમસ્યાનો નિવેડો આવ્યો ન હોવાને કારણે સ્થાનિક રહીશો નર્કાગારમાં જીવી રહયા હોય તેવું લાગે છે.
હિંમતનગર પાલિકાના વોર્ડ નં.૭માં આવેલ રામજી મંદિર નજીકની ગટર છેલ્લા ગણા સમયથી ચોકઅપ થઈ ગઈ હોવાને કારણે ગંદુ પાણી રસ્તા પર વહી રહયું છે જેના લીધે આ વિસ્તારમાં કાયમી બદબુ ફેંલાય છે જોકે અગાઉ પણ રહીશોએ નગરપાલિકામાં રજુઆતો કરી હોવા છતાં અધિકારીઓ અને પદાધિકારીઓને જાણે કે કંઈ પડી નથી તેવું માને છે જયારે રહીશો રજુઆત કરવા જાય ત્યારે કેટલાક પદાધિકારીઓ અમારી મુદત પૂર્ણ થઈ ગઈ છે. તેમ કહીને રજુઆત કરનારાઓને સાંભળવાને બદલે નગરપાલિકામાં જવાનો આડકતરો ઈશારો કરી દે છે.
દરમ્યાન આગામી સમયમાં યોજાનાર નગરપાલિકાની ચુંટણીમાં વોર્ડ નં.૭ના મતદારો પણ ઉમેદવાર જયારે મત માંગવા માટે આવશે ત્યારે તેમની પાસેથી કામના હિસાબો માંગવાનું નક્કી કરી દીધુ છે. હાલ તો ગટર ઉભરાવવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશો તંત્ર દ્વારા ઝડપથી સમસ્યાનું નિવારણ થાય તેમ ઈચ્છી રહયા છે.
રાજય સરકાર દ્વારા થોડાક સમય અગાઉ હિંમતનગરમાંથી હુડા રદ કરવાનો નિર્ણય લેવાયા બાદ તાજેતરમાં ગમે તે કારણસર રાજય સરકાર દ્વારા હુડામાં સમાવિષ્ટ નવ ગામની જમીનમાં બાંધકામ કરવા માટે મંજુરી અપાઈ છે ત્યારે હવે પછી હુડામાં સમાવિષ્ટ ગામના લોકોને બાંધકામની રજાચીઠ્ઠી મેળવવા માટે કલેકટર કચેરીમાં જવું પડશે જેના લીધે બાંધકામ કરવા માંગતા મિલ્કત ધારકોને રજાચીઠ્ઠી મેળવવા માટેની કામગીરી વિલંબીત બને તેવા સંજોગો ઉભા થયા છે.
આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ થોડાક મહિના અગાઉ હિંમતનગરમાં સમાવિષ્ટ સુચિત નવ ગ્રામના રહીશોએ હુડા રદ કરવા માટે તબક્કાવાર આંદોલનો શરૂ કર્યા હતા ત્યારબાદ રાજય સરકારે તત્કાલિન સમયે હુડાનો અમલ મુલત્વી રાખવાનો નિર્ણય લીધા બાદ સુચિત નકશો પણ પાછો ખેંચી લીધો હતો જેના લીધે નવ ગામની પ્રજામાં આનંદની લાગણી પ્રસરી હતી દરમ્યાન સરકારે પણ આગામી સમયમાં યોજાનાર ચુંટણીઓ પૂર્વે સીફત પૂર્વક નિર્ણય કરીને હુડામાં સમાવિષ્ટ મિલ્કતોમાં બાંધકામ કરવા માટે મંજુરી આપી દીધી છે. જે સંદર્ભે તાજેતરમાં હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી પ્રેમલ દેસાઈ, બિપીન ઓઝા, ગણપતસિંહ ઝાલા તથા એન્જીનીયર એસોસીએશનના અગ્રણીઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની મુલાકાત લઈને હુડામાં સમાવિષ્ટ વિસ્તારોમાં બાંધકામ કરવાની મંજુરી અંગે રજુઆત કરી હતી.
ત્યારબાદ સરકાર દ્વારા મંગળવારે સત્તાવાર પરિપત્ર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સેકશન અધિકારી નિમેષ એમ.મંધરાની સહીથી બહાર પાડીને બાંધકામને મંજુરી આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. જોકે સરકારના આ પરિપત્રને કારણે અત્યાર સુધી નવ ગામની પ્રજા પોતાની મિલ્કત કે જમીન પર નવું બાંધકામ કરવું હોય તો સ્થાનિક પંચાયત પાસેથી રજાચીઠ્ઠી મેળવતી હતી પરંતુ હવે હુડામાં સમાવિષ્ટ નવ ગામની જમીનમાં નવું બાંધકામ કરવાનું થાય ત્યારે મિલ્કત ધારકે જિલ્લા કલેકટર કચેરીમાંથી રજાચીઠ્ઠી મેળવવી પડશે. ત્યારબાદ આગામી સમયમાં બાંધકામની મંજુરી અંગે કેવા પ્રત્યાઘાત પડે છે તે માટે હાલના તબક્કે રાહ જોવી હિતાવહ છે.