કોમી એકતાની મિસાલ: અમદાવાદના વકીલે ઈદના પર્વે ‘૭૮૬’ નંબરની ૪.૩૦ લાખની ચલણી નોટોનું કર્યું પૂજન
Views: 30અમદાવાદ: સમગ્ર દેશમાં જ્યારે ઈદના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી, ત્યારે અમદાવાદમાં કોમી એકતા અને શ્રદ્ધાનો એક અનોખો કિસ્સો જોવા મળ્યો હતો. શહેરના નવાવાડજ વિસ્તારમાં રહેતા જાણીતા વકીલ પ્રકાશચંદ્ર કે. સોનીએ ઈદના પવિત્ર દિવસે પોતાની પાસે રહેલી ‘૭૮૬’ નંબરની લાખોની કિંમતની ચલણી નોટોનું ભક્તિભાવપૂર્વક પૂજન કરીને સામાજિક સમરસતાનો સુંદર સંદેશ પાઠવ્યો હતો.
નવાવાડજની વિવિધભારતી સોસાયટીમાં રહેતા પ્રકાશચંદ્ર સોનીએ મુસ્લિમ સમાજમાં અત્યંત પવિત્ર અને સૌભાગ્યશાળી મનાતા ‘૭૮૬’ ના અંક પ્રત્યેની પોતાની આસ્થા પ્રગટ કરી હતી. તેઓ છેલ્લા ૧૫ વર્ષથી આ ખાસ નંબર ધરાવતી નોટોનો સંગ્રહ કરી રહ્યા હતા. આ વર્ષે ઈદના અવસરે તેમણે આ ૧૫ વર્ષની મહેનત અને સંગ્રહને પૂજનના માધ્યમથી લોકો સમક્ષ મૂક્યો હતો.
વકીલ પ્રકાશચંદ્ર પાસે ૭૮૬ નંબર ધરાવતી કુલ ૪,૬૨૬ ચલણી નોટોનો દુર્લભ સંગ્રહ છે. જેમાં ૧, ૨, ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાના દરની તમામ નોટોનો સમાવેશ થાય છે. આ તમામ નોટોની કુલ અંદાજિત કિંમત ૪,૩૦,૦૦૦ (ચાર લાખ ત્રીસ હજાર) રૂપિયા જેટલી થાય છે. ઈદના દિવસે આ તમામ નોટોને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગોઠવીને તેનું પૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વકીલ સોનીએ જણાવ્યું હતું કે, “૭૮૬ અંક મુસ્લિમ ભાઈઓ માટે બરકત અને પવિત્રતાનું પ્રતીક છે. એક હિન્દુ તરીકે આ પવિત્ર અંક પ્રત્યે માન જાળવીને પૂજન કરવું એ મારા માટે ગર્વની વાત છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં કોમી એકતા, ભાઈચારો અને સર્વધર્મ સમભાવની ભાવના મજબૂત કરવાનો છે.”
સામાન્ય રીતે લોકો ધનતેરસ કે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરતા હોય છે, પરંતુ ઈદના દિવસે વકીલ દ્વારા કરવામાં આવેલા આ અનોખા ‘લક્ષ્મી પૂજન’ અને ૭૮૬ નંબર પ્રત્યેના તેમના આકર્ષણે સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ અને આકર્ષણ જમાવ્યું હતું. સ્થાનિક લોકો અને સોસાયટીના રહીશોએ વકીલના આ પ્રશંસનીય કાર્ય અને સકારાત્મક અભિગમને મુક્ત કંઠે બિરદાવ્યો હતો.

