માધવ ગઢના ૧૪ ખેડૂતો દ્વારા જમીન વળતર પ્રશ્ને વિવાદ. હિંમતનગર કોર્ટનો આદેશ છતાં ૧૯ વર્ષથી વળતર માટે રાહ જોતા ખેડૂતોએ ફરી કોર્ટનો દરવાજો ખખડાવ્યો.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
તલોદ તાલુકાના માધવગઢ ગામના આશરે ૧૪ ખેડૂતો દ્વારા જમીન સંપાદન મામલે મળવાપાત્ર વળતર માટે લાંબા સમયથી લડત ચાલી રહી છે. આ મામલે વર્ષ ૨૦૦૭માં હિંમતનગરની કોર્ટમાં કેસ નંબર ૪૨/૦૭ થી ૪૬/૦૭ દાખલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ખેડૂતોને મળવાપાત્ર જમીનનું વળતર ન મળતા આ અસરગ્રસ્ત ખેડૂતોએ તાજેતરમાં જિલ્લા પંચાયતમાં આવી વળતર માટે રજૂઆત કરી હતી. જોકે તંત્ર દ્વારા જપ્તીના આદેશ થયા બાદ માધવગઢના ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી છે.
આ અંગેની વિગત એવી છે કે તલોદ તાલુકાના માધવગઢ ગામની સીમમાં જમીન ધરાવતા ૧૪ ખેડૂતોને કપાતમાં જતી જમીનનું વળતર મેળવવા માટે તેમને ૧૯ વર્ષ અગાઉ હિંમતનગરની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેનો ચુકાદો કોર્ટ દ્વારા ૨૯ જૂન ૨૦૧૭ના રોજ ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપતા તત્કાલિન ન્યાયાધીશે ખેડૂતોને અંદાજે રૂ. ૧૦,૫૦,૭૭૯ વળતર તથા વર્ષ ૧૯૮૮થી ૧૫ ટકા વ્યાજ દરે ચુકવણી કરવાનો હુકમ કર્યો હતો. તેમ છતાં, જિલ્લા પંચાયત દ્વારા આ રકમ આજદિન સુધી ચૂકવવામાં આવી નથી તેવો માધવગઢ ગામના ખેડૂતોએ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ.
તંત્ર દ્વારા માધવગઢના ૧૪ ખેડૂતોને સમયસર ચુકવણી ન થતાં વ્યાજ સાથે અંદાજે વળતરની રકમ રૂ.૬૮,૫૮,૯૫૯ થાય છે. જેથી વળતર મેળવવા માટે આ ખેડૂતોએ ફરી કોર્ટમાં જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતા. કોર્ટ દ્વારા આ મામલે કાર્યપાલક ઇજનેર અને જિલ્લા પંચાયતના માર્ગમકાન વિભાગ વિરુદ્ધ જપ્તી વોરંટ બહાર પાડવામાં આવ્યું હતુ. જે સંદર્ભે કોર્ટના બેલીફ તથા વકીલ બી.આર. પટેલ ખેડૂતો સાથે તાજેતરમાં જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. જેથી સંબંધિત અધિકારીઓએ એક અઠવાડિયાનો સમય માગ્યો હતો અને તે સમયગાળામાં ચુકવણી કરવાની ખાતરી આપી હતી તેમજ કોર્ટમાં હાજર રહેવા હૈયાધારણ આપી હતી.
ઉલ્લેખનીય છે કે ખેડૂતોને વળતર મેળવવા માટે ૨૦૦૭થી ૨૦૨૬ સુધી લાંબો સમય રાહ જોવી પડી છે. શરૂઆતમાં ખેડૂતો દ્વારા પ્રતિ ખેડૂત રૂ. ૧૦ લાખ વળતરની માંગણી કરવામાં આવી હતી. પરંતુ દસ્તાવેજી પુરાવા આધારે કોર્ટ દ્વારા જમીનના પ્રતિ આરે રૂ. ૧૦૦૦ મુજબ તેમજ લાગુ નિયમો અનુસાર વળતર ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. હવે જોવાનું રહ્યું કે જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદામાં ખેડૂતોને તેમનો હકનો વળતર મળે છે કે નહીં. આ સંદર્ભે તલોદના માધવગઢ ગામે અનેક તર્કવિર્તક શરૂ થયા છે.
ખાડીયામાં પાલિકા તથા અન્ય સરકારી યોજનાઓનો લાભ આપવા ગેરકાયદે ધમધમતી હાટડી. પાલિકાના જવાબદાર પદાધિકારીના આર્શિવાદથી ચાલતી ગ્રાહક સુવિધા કેન્દ્ર પર કોની રહેમ નજર, નાગરિકોમાં અનેક ચર્ચાઓ. પાલિકાના પાછળના ભાગે બનાવાયેલ પ્રવેશદ્વારથી કોને ફાયદો?
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગર નગરપાલિકામાં ચુંટાયેલા તમામ પદાધિકારીઓની મુદત તાજેતરમાં પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં કેટલાક જવાબદાર પદાધિકારીઓ કમાણીની લ્હાયમાંં કાયદાની છટકબારી શોધીને ગ્રાહક સુવિધા કેન્દ્ર શરૂ કરીને તેમાં નગરપાલિકામાંથી મળતા જન્મ-મરણના દાખલા, વ્હાલી દિકરી યોજના તથા કુંવરબાઈનું મામેરૂ સહિત અન્ય યોજનાઓનો લાભ અપાવવા માટે હિંમતનગરના ખાડીયામાં એક પદાધિકારીના આર્શિવાદથી ગ્રાહક સુવિધા કેન્દ્ર ચાલી રહયું છે જો આવી ખાનગી એજન્સીઓમાંથી જરૂરીયાતમંદોને જરૂરી સગવડ મળે તો નગરપાલિકાની શું જરૂર છે તેવું લોકોમાં ચર્ચાઈ રહયું છે.
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગર ખાડીયા વિસ્તારમાં નવીન બનાવાયેલ નગરપાલિકાની પાછળના ભાગે અગમ્ય કારણોસર એક નાનું પ્રવેશદ્વાર બનાવી દેવામાં આવ્યું હતું. તત્કાલિન સમયે એવુ મનાતુ હતું કે પોલોગ્રાઉન્ડ, ખાડીયા, જુના બજાર વિસ્તાર તથા વખારીયાવાડ સહિત અન્ય સ્થળે રહેતા લોકોને નગરપાલિકામાં આવવા માટે ટૂંકો રસ્તો હશે. પરંતુ નગરપાલિકાના પદાધિકારીઓની મુદત પૂર્ણ થાય તે અગાઉ આ વિસ્તારમાં વ્યવસાય કરતાં એક પદાધિકારીએ જાણે કે તંત્ર પોતાના ખિસ્સામાં હોય તેમ ખાડીયા વિસ્તારમાં એક દુકાનમાં ગ્રાહક સુવિધા કેન્દ્ર શરૂ કરાવી દીધુ છે. જોકે તેમાં આ પદાધિકારીની ભુમિકા પરોક્ષ રીતે હોવાનું ચર્ચાઈ રહયું છે તેમ છતાં નગરપાલિકાના સત્તાવાળાઓને ખબર ન હોય તેવું શહેરીજનો માની રહયા છે. સ્થાનિક પ્રજાનું કહેવું છે કે જો ખાનગી એજન્સી દ્વારા સરકારી કામ માટે જરૂરી દસ્તાવેજો સરળતાથી મળતા હોય તો સરકારી કચેરીઓમાં જવાની જરૂર નથી.
તો બીજી તરફ આ અંગે નગરપાલિકાના સત્તાવાળાઓને ખબર પડતાં તાજેતરમાં તેની તપાસ કરીને અહેવાલ તૈયાર કરી દેવામાં આવ્યો છે જેથી આગામી દિવસોમાં કાર્યવાહી થાય તેવી શકયતા નગરપાલિકાના સૂત્રોમાંથી મળી રહી છે. પ્રશ્નએ થાય છે કે સત્તાના નશામાં જો પદાધિકારીઓ કાયદાનું ઉલ્લઘન કરીને પોતાનું ધાર્યુ કરશે તો ભવિષ્યમાં આવા ગ્રાહક સુવિધા કેન્દ્રોના સંચાલકો ગમે તે રીતે પોતાનો આર્થિક ફાયદો ધ્યાનમાં રાખીને કદાચ દસ્તાવેજો સાથે ચેડાં કરે તો નવાઈ નહી. જેથી પક્ષ તથા મતદારોએ વિચારવું રહયું.

