ગુજરાત-રાજસ્થાનમાં મોટરસાયકલ ચોરીનો આતંક મચાવતી આંતર રાજ્ય ગેંગ ઝડપાઈ
Views: 9913 ચોરાયેલી બાઇકો અને મોબાઇલ સહિત રૂ. 3.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
હિંમતનગર(જીગ્નેશ સોની): સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ મોટરસાયકલ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ 13 ચોરાયેલી મોટરસાયકલો અને એક મોબાઇલ ફોન સહિત રૂ. 3.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસને મળેલી બાતમીના આધારે ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારના લાંબડિયા રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બે શંકાસ્પદ મોટરસાયકલ પર આવી રહેલા પાંચ ઇસમોને રોકી પૂછપરછ કરતા તેમની પાસે વાહનોના માલિકીના કોઈ પુરાવા મળી આવ્યા નહોતા. ત્યારબાદ પોલીસે મોટરસાયકલો કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓએ ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી મોટરસાયકલોની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે ઇડર, સતલાસણા અને છાપી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાઓ ડિટેક્ટ કર્યા છે તેમજ અન્ય અનેક બિનનોંધાયેલા ગુનાઓનો પણ ભેદ ઉકેલ્યો છે.પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના કોટડા વિસ્તારના રણમલ ઉર્ફે રેણા, પ્રકાશ ઉર્ફે પેરીયા, કિશન ઉર્ફે કૃષ્ણા, અનિલ ગમાર તથા એક બાળ કિશોરનો સમાવેશ થાય છે.આ સમગ્ર કાર્યવાહી સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરિયા અને પીએસઆઇ રવિરાજસિંહ.જે. જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

