Breaking News
અમદાવાદ: ઓઢવ પોલીસે ગેરકાયદે ગેસ રિફીલિંગના રેકેટનો પર્દાફાશ કર્યો, ૨.૬૧ લાખનો મુદ્દામાલ કબજે
1 0
Read Time:3 Minute, 38 Second

અમદાવાદ(વિશ્વાસ પંડ્યા): શહેરના ઓઢવ વિસ્તારમાં રહેણાંક સોસાયટીની નજીક જીવના જોખમે ચાલતા ગેરકાયદે ગેસ રિફીલિંગના વ્યવસાય પર પોલીસે તરાપ મારી છે. ઓઢવ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે દરોડો પાડીને મોટા કોમર્શિયલ ગેસના બાટલામાંથી નાના બાટલામાં ગેસ ભરતા એક શખ્સની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ ૨,૬૧,૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ઓઢવ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. ઝીંઝુવાડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એ.હે.કો. વિવેકકુમાર ભીખુભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, ‘ઓઢવ દર્શન ધામ સોસાયટી’ના ગેટ પાસે આવેલ ‘વનિતા મેટલ’ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગનું કામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પંચોને સાથે રાખીને પોલીસે દુકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દુકાનદાર ઉદયસિંહ ઉર્ફે દિનેશ ચતરસિંહ રાજપૂત (ઉં.વ. ૩૯, રહે. વસ્ત્રાલ, મૂળ રહે. રાજસ્થાન) ગેસના મોટા બાટલામાંથી વાલ્વવાળી પાઈપ લગાવી નાના બાટલામાં ગેસ ભરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ઘટનાસ્થળે બે ગ્રાહકો પણ હાજર હતા જેઓ ૫ કિલોના નાના બાટલામાં ગેસ ભરાવી રહ્યા હતા. પોલીસે દુકાનની પાછળ આવેલા ગોડાઉનમાં તપાસ કરતા અલગ-અલગ કંપનીના નાના-મોટા ભરેલા તેમજ ખાલી ગેસના કુલ ૭૯ નંગ બાટલા મળી આવ્યા હતા. આ ઉપરાંત ગેસ રિફીલિંગ માટે વપરાતી પાઈપ અને ઇલેક્ટ્રિક વજન કાંટો પણ કબજે કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગત નીચે મુજબ છે: ૭૯ નંગ ગેસના બાટલા (કિંમત રૂ. ૨,૫૭,૯૦૦/-) વાલ્વ સાથેની પાઈપ (કિંમત રૂ. ૮૦૦/-) ઇલેક્ટ્રિક વજન કાંટો (કિંમત રૂ. ૩,૦૦૦/-) કુલ મુદ્દામાલ: ૨,૬૧,૭૦૦/- લોકોના જીવ જોખમમાં મૂકતા કૌભાંડનો અંત આરોપી ઉદયસિંહ કોઈપણ સુરક્ષાના સાધનો કે લાયસન્સ વગર જ્વલનશીલ ગેસનું રિફીલિંગ કરતો હતો. આ પ્રકારની બેદરકારી ગંભીર અકસ્માત કે બ્લાસ્ટ નોતરી શકે તેમ હતી, જેનાથી આસપાસના રહીશોના જીવ જોખમમાં મુકાઈ શકતા હતા. ઓઢવ પોલીસે આરોપી વિરુદ્ધ ‘ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩’ ની કલમ ૨૮૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પીએસઆઈ ડી.આઈ. પટેલ અને તેમની ટીમમાં સામેલ વિવેકકુમાર, હિતેશભાઈ, અનુભવસિંહ અને જીગરકુમાર દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસની આ તવાઈથી ગેરકાયદે ગેસના વેપલામાં જોડાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %