હિંમતનગર(જીગ્નેશ સોની) : ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અક્ષરધામ સોસાયટીમાં આઠ વર્ષ અગાઉ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ બીજુડા ગેંગના એક સાગરીતને સાબરકાંઠા એલસીબીએ રવિવારે બાતમીને આધારે હિંમતનગર બસ સ્ટેન્ડ નજીકથી પકડી લીધો હતો અને વધુ કાર્યવાહી માટે તેને હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મોકલી અપાયો હતો.
આ અંગે એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા તથા પીએસઆઇ એસ.જે.ચાવડા ના જણાવાયા મુજબ આઠ વર્ષ અગાઉ અક્ષરધામ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીની ફરીયાદ તત્કાલિન સમયે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી. જેમાં બીજુડા ગેંગનો જીતેન્દ્ર ઉર્ફે લાલો ઉર્ફે કાળીયો મોગજી ડામોર (રહે.દેમત, જિ.ડુંગરપુર), દેવલનો હરિશ રામલાલ મનાત, સિસોદના બિજુડા ફળોમાં રહેતો ભગવાન બેચર ડુહા અને નરેશ ઉર્ફે ટેટો મણીલાલ ડુહા સામેલ હતા. પરંતુ ઘરફોડ ચોરી કર્યા બાદ તેઓ નાસતા ફરતા હતા.
દરમ્યાન સાબરકાંઠા એલસીબીને રવિવારે મળેલી બાતમી બાદ જીતેન્દ્ર ડામોરને પોલીસે હિંમતનગરના બસ સ્ટેન્ડ આગળથી પકડી લીધો હતો ત્યારબાદ પુછપરછ કરતાં ઘરફોડ ચોરીમાં બીજુડા ગેંગના અન્ય ત્રણ સાગરીતો સામેલ હોવાની કબુલાત કરી હતી જેથી એલસીબીએ જીતેન્દ્ર ડામોરની ધરપકડ કરી વધુ તપાસ માટે હિંમતનગર બી-ડીવીઝન પોલીસને હવાલે કરાયો હતો.