મોતીપુરા બાયપાસ ચોકડી પર ટ્રાફિક પોલીસનો સપાટો!

Uncategorized

બ્લેક કાચ અને નંબર પ્લેટ વગર ફરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી, નિયમભંગ કરનારાઓમાં ફફડાટ

હિંમતનગર (જીગ્નેશ સોની): સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી હિંમતનગર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના પાલનને લઈ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. જેના ભાગરૂપે હિંમતનગર શહેર ટ્રાફિક પીએસઆઈ એન.બી. વાઘેલા તથા આરટીઓ હિંમતનગરની ટીમ દ્વારા મોતીપુરા બાયપાસ ચોકડી ખાતે સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ચેકિંગ દરમિયાન ખાસ કરીને વાહનોના કાચ પર બ્લેક ફિલ્મ તેમજ નંબર પ્લેટ વગર અથવા નિયમવિરુદ્ધ નંબર પ્લેટ સાથે દોડતા વાહનો પર નજર રાખવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે સ્થળ પર જ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ટ્રાફિક પોલીસની આ કામગીરીથી મોતીપુરા બાયપાસ ચોકડી પર નિયમોનો ભંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસ દ્વારા વાહનચાલકોને વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તથા વાહનના બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ અંગેના નિયત નિયમો જાળવવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ટ્રાફિક નિયમોના ભંગ સામે શરૂ કરાયેલી આ પ્રકારની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *