પુરૂષો માટે ૪૦ અને મહિલાઓ માટે ૩૦ કિમીની રેસ યોજાઈ પોલીસવડાએ પ્રારંભ કરાવ્યો
હિંમતનગર (જીગ્નેશ સોની): હિંમતનગરના સાબર સ્ટેડિયમમાં ૨૮ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી ડીજીપી કપ એથ્લેટિક્સ અને સાયકલિંગનું આયોજન કરાયું છે, જે અંતર્ગત બુધવારે સાબરકાંઠા પોલીસ વિભાગ દ્વારા યોજાયેલી સ્પર્ધામાં ૪૦ કિમી પુરૂષ અને ૩૦ કિમી મહિલા સાયકલિંગ રેસ યોજાઈ હતી. જેને જિલ્લા પોલીસવડાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
હિંમતનગરના સાબર સ્ટેડિયમમાં યોજાયેલ સાયકલિંગ સ્પર્ધામાં પુરૂષ વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ વાઘેલા અને મહિલા વિભાગમાં કોન્સ્ટેબલ દિપાલી ધોળકિયા પ્રથમ સ્થાને રહ્યા, આ સ્પર્ધામાં ૩૬ પુરૂષ અને ૬ મહિલા સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે સ્પર્ધાના આયોજન અંગે જાણકારી આપી હતી. ત્યારબાદ સુરત ગ્રામ્યના કોન્સ્ટેબલ દિપાલી ધોળકિયાએ પ્રથમ વખત ડીજીપી કપમાં ભાગ લઈને જીત મેળવી હતી. જયારે અમદાવાદ ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ મહેશભાઈ વાઘેલાએ અગાઉ ખેડામાં બીજો નંબર મેળવ્યો હતો અને ૪૨૫૦ કિમીની કાશ્મીરથી કન્યાકુમારી સાયકલિંગ સ્પર્ધા પણ પૂર્ણ કરી છે.
ઉલ્લેખનીય છે કે સાયકલિંગ સ્પર્ધામાં અમદાવાદ ટ્રાફિકમાં ફરજ બજાવતા મહેશ ત્રિભોવનભાઈ વાઘેલાએ ૧ કલાક ૧૬ મિનીટ ૫૮ સેકન્ડ તથા એમ.જે.આહીર આઈબી ટીમ બોર્ડરએ ૧ કલાક ૧૭ મિનીટ ૦૨ સેકન્ડ, જીઆઈપીસીએફ અમદાવાદના જયદીપ જે. જોશીએ ૧ કલાક ૧૭ મિનીટ ૦૫ સેકંડ જયારે ગાંંધીનગર રેન્જમાં ફરજ બજાવતા દિપાલી પ્રવીણભાઈ ધોળકિયાએ ૧ કલાક ૨૦ મિનીટ ૨૨ સેકંડ, ભાવનગરના દક્ષાબેન દેવાયતભાઈએ ૧ કલાક ૨૧ મિનીટ ૦૫ સેકંડ, પંચમહાલ રેન્જના ઉર્મિલાબેન કલાભાઈએ ૧ કલાક ૩૩ મિનીટ ૦૫ સેકંડ નિર્ધારીત અંતર કાપ્યું હતું.