કણાદરની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર મોટા કંથારીયાના હવસખોરને ૨૦ વર્ષની કેદ

Uncategorized

રૂ.૪૦ હજાર દંડ તથા ભોગ બનનારને રૂ.૧ લાખ વળતર ચૂકવવા આદેશ

હિંમતનગર (જીગ્નેશ સોની) : ભિલોડા તાલુકાના કણાદર ગામની એક સગીરાને બે વર્ષ અગાઉ મોટા કંથારીયાનો શખ્સ સગીરાને રિક્ષામાં બેસાડી ભિલોડા લઈ જઈ હાથમતી નદી વિસ્તારમાં ચાર દિવસ ગોંધી રાખ્યા બાદ સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કર્યાની ફરીયાદ તત્કાલિન સમયે ચિઠોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે ગુનાની તપાસ કરી ચાર્જશીટ ઈડરની સ્પે.પોક્સો કોર્ટમાં રજુ કરી હતી જે કેસ તાજેતરમાં ચાલી જતાં ન્યાયાધિશે મોટા કંથારીયાના હવસખોરને તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૪૦ હજારનો દંડ અને ભોગ બનનારને રૂ.૧ લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે ગત તા.૨૪ માર્ચ ૨૦૨૪ના રોજ ભિલોડા તાલુકાના મોટા કંથારીયાના વિવેક કાન્તીભાઈ પાંડોર (ઉં.૨૦) સગીરાને કણાદરથી રિક્ષામાં બેસાડી ભગાડી ભિલોડા લઈ ગયા બાદ તેણીને હાથમતી નદી વિસ્તારમાં ચાર દિવસ રાખ્યા બાદ ભિલોડાના આંબલી બજારમાં આવેલા રૂમમાં રાખી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ સગીરાએ પરિવારજનોને સઘળી હકિકતથી વાકેફ કર્યા હતા, અને તે આધારે પરિવારજનો દ્વારા વિવેક પાંડોર વિરૂધ્ધ ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.
આ કેસની તપાસ પીઆઈ ડી.એન.સાધુએ કરી ચાર્જશીટ ઈડરની કોર્ટમાં રજૂ કરી હતી. ત્યારબાદ ઈડર સ્પે. પોક્સો કોર્ટમાં તાજેતરમાં ચાલી જતાં સરકારી વકીલ દ્વારા રજુ કરાયેલા આધારપુરા અને દલીલોને ગ્રાહ્ય રાખી પોક્સો કોર્ટના જજ એમ.વાય.રાધનપુરવાલાએ વિવેક પાંડોરને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩, ૩૭૬(૨)(એન), ૩૭૬(૩) તેમજ પોક્સો એક્ટની કલમ ૪, ૫(એલ) અને ૬ હેઠળ તકસીરવાર ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૪૦ હજાર દંડનો હુકમ કર્યો હતો. કોર્ટના હુકમમાં જણાવાયા મુજબ દંડની રકમમાંથી ભોગ બનનારને રકમ ચૂકવવા ઉપરાંત સગીરાને રૂ.૧ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *