અમદાવાદ: અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં બૂટલેગરો દ્વારા આચરવામાં આવી રહેલા એક અત્યંત ચોંકાવનારા ગોરખધંધાનો એલસીબી ઝોન-5 અને કૃષ્ણનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. સસ્તી બ્રાન્ડના વિદેશી દારૂને પ્રીમિયમ અને મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરી, તેના પર નકલી સ્ટીકર અને ઢાંકણાં લગાવી તોતિંગ નફો કમાતા એક સુવ્યવસ્થિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે દરોડો પાડીને એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓ હાલ ફરાર છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, એલસીબી અને સ્થાનિક પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઠક્કરબાપાનગર વિસ્તારમાં હરિઓમ સાયકલ સામેની ગલીમાં આવેલા એક મકાનમાં વિદેશી દારૂમાં ભેળસેળ અને નકલી પેકિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે પાડેલા દરોડા દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂ ભરેલી 47 બોટલો ઉપરાંત જાણીતી બ્રાન્ડ્સની 322 ખાલી બોટલો, 211 નકલી સ્ટીકરો અને 293 જેટલાં ઢાંકણાં મળી આવ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ આખું નેટવર્ક છેલ્લા બેથી ત્રણ મહિનાથી સક્રિય હતું. મુખ્ય સૂત્રધાર ભરત સોલંકી અને તેનો ભાઈ વિજય સોલંકી સસ્તો દારૂ લાવીને મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરી દેતા હતા. ત્યારબાદ તેના પર ઓરિજિનલ જેવું જ દેખાતું સ્ટીકર અને કેપ લગાવી સીલ કરી દેતા હતા. આરોપીઓ બ્રાન્ડ મુજબ બોટલ દીઠ ₹500થી લઈને ₹5000 સુધીનો માતબર નફો મેળવીને કૃષ્ણનગર અને આસપાસના વિસ્તારોમાં ગ્રાહકોને પધરાવી દેતા હતા.
દરોડા દરમિયાન પોલીસે હેમલ ઉર્ફે હેમુ મહેશભાઈ વાઘેલા નામના યુવકને ઝડપી લીધો હતો. પૂછપરછમાં હેમલે કબૂલાત કરી હતી કે મુખ્ય આરોપી ભરતે તેને રોજના ₹450થી ₹500ના પગાર પર રાખ્યો હતો. તેનું કામ સસ્તા દારૂને મોંઘી બોટલોમાં ભરવાનું અને ડિલિવરી કરવાનું હતું.
પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સ્થળ પરથી કોઈ જીવલેણ કેમિકલ મળ્યું નથી, માત્ર પેકિંગ મટીરિયલ દ્વારા છેતરપિંડી આચરાતી હતી. હાલ મુખ્ય આરોપી ભરત સોલંકી બાવરી, વિજય સોલંકી અને સુનીલ સોલંકી ફરાર છે. પોલીસે તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓની ધરપકડ બાદ ખાલી બોટલો અને નકલી સ્ટીકરો ક્યાંથી લાવતા હતા તેનો મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા છે.