નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે દવાઓની કિંમતોમાં ભારે તફાવતને લઈને કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. કોર્ટે સવાલ કર્યો હતો કે દવાઓ રિટેલર્સને ઓછી કિંમતે મળે છે, ત્યારે તેની મહત્તમ છૂટક કિંમત (એમઆરપી) આટલી ઊંચી કેમ રખાય છે? જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે ટિપ્પણી કરી હતી કે, એવું લાગે છે કે આખી સિસ્ટમ દર્દીઓને બદલે દવા કંપનીઓના હિતોને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે. હોસ્પિટલો લૂંટ ચલાવીને પોતાનો ધંધો ચલાવી શકે નહીં. સુપ્રીમ કોર્ટની બેન્ચે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)ની કામગીરી સામે પણ સવાલો ઉઠાવતા કહ્યું કે આ સંસ્થા સંપૂર્ણપણે નિષ્ક્રિય દેખાઈ રહી છે. કેન્દ્ર તરફથી એડિ. સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ દલીલ કરી હતી કે ભારતમાં દુનિયાના ઘણા દેશોની સરખામણીએ દવાઓ સસ્તી છે. તેના પર કોર્ટે કહ્યું કે દેશમાં માથાદીઠ આવક ઓછી છે તે બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. જસ્ટિસ મહેતાએ સ્પષ્ટ કર્યું કે દર્દીઓના હિતોની સરખામણી વેપાર સાથે ન થવી જોઈએ. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્સરની દવાઓ પર નફાની મર્યાદા નક્કી કરવામાં થયેલા વિલંબ અંગે સરકારને સવાલ પૂછતા નોંધ્યું હતું કે, વારંવાર પૂછવા છતાં કિંમતમાં મોટા તફાવતનું કારણ સરકાર જણાવી શકી નથી. પ્રાઇવેટ હોસ્પિટલો તરફથી હાજર રહેલા સિનિયર વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે હોસ્પિટલોએ ચોવીસ કલાક હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાળવવું પડે છે અને નકલી દવાઓના જોખમને કારણે તેઓ દર્દીઓને બહારથી દવા લાવવા કહી શકતા નથી. જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલોને દવાઓ પર ભારે નફો વસૂલવા માટે પૂરતો આધાર ગણ્યો નહોતો. બેન્ચે જણાવ્યું કે હોસ્પિટલો દરેક સેવા માટે ફી વસૂલે છે, તો દવાઓની કિંમત 100 થી 200 ગણી વધારી દેવાનું શું ઔચિત્ય છે?