અમદાવાદ ગુજરાત

દિવાળી પહેલા વાંચ ગામમાં ફટાકડા ફેક્ટરીઓ પર પોલીસની ધાડ; નવા કાયદા મુજબ સુરક્ષા ધોરણોનું ચેકિંગ


અમદાવાદ(વિશ્વાસ પંડ્યા): દિવાળીનો પવિત્ર તહેવાર હવે ગણતરીના દિવસો દૂર છે અને તેની સાથે જ ફટાકડાની માંગમાં પણ ધરખમ વધારો થયો છે. અમદાવાદ શહેર નજીક આવેલા વાંચ ગામમાં મોટી સંખ્યામાં ફટાકડાઓનું ઉત્પાદન ધમધોકાર રીતે ચાલી રહ્યું છે. ગામમાં અનેક નાની-મોટી ફટાકડા ફેક્ટરીઓ અને વર્કશોપ કાર્યરત છે, જ્યાં હજારો કિલો ફટાકડા તૈયાર કરવામાં આવી રહ્યા છે અને બજારમાં મોકલવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

જોકે, ગત વર્ષે ખેડા જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી ભયાનક દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું. આ ગોઝારી ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને કરોડો રૂપિયાની સંપત્તિનો નાશ થયો હતો. આ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે ગંભીરતા દાખવતા ફટાકડા ઉત્પાદન અંગે નવા કડક કાયદા અને સુરક્ષા નિયમો લાગુ કર્યા છે.

નવા કાયદા અનુસાર, ફટાકડા બનાવવા માટે હવે પાકા રૂમો ફરજિયાત બનાવવામાં આવ્યા છે. મેકિંગ રૂમ, સેલ્સ રૂમ અને સ્ટોરેજ રૂમ — તમામ પાકા બાંધકામના હોવા જોઈએ. કાચા રૂમોમાં ફટાકડાનું ઉત્પાદન કે સંગ્રહ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, દરેક ફેક્ટરીમાં પાણીની પૂરતી વ્યવસ્થા અને આગ બુજાવવાના યંત્રો ફરજિયાત રાખવાના નિયમો પણ અમલમાં મૂકવામાં આવ્યા છે.

આ નવા કાયદાના અમલીકરણની ચકાસણી માટે આજે અમદાવાદ પોલીસ દ્વારા વાંચ ગામમાં આવેલી ફટાકડા ફેક્ટરીઓમાં અચાનક ચેકિંગ રેડ પાડવામાં આવી હતી. પોલીસ અધિકારીઓની ટીમે દરેક ફેક્ટરીમાં પાકા રૂમોનું બાંધકામ, મેકિંગ રૂમની સ્થિતિ, સેલ્સ રૂમની વ્યવસ્થા તેમજ ફટાકડાના સંગ્રહની પદ્ધતિની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

ચેકિંગ દરમિયાન પોલીસે પાણીની ટાંકીઓ, પાણીના નળ, પાણીના સ્ત્રોત અને આગ બુજાવવાના યંત્રોની પણ ખાસ ચકાસણી કરી હતી. જે ફેક્ટરીઓમાં સુરક્ષા ધોરણોનો અભાવ જોવા મળ્યો, તેમને તાત્કાલિક સુધારણા કરવાની સૂચના અપાઈ છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે દિવાળી સુધી આવા ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નાગરિકોનો જીવ સુરક્ષિત રહે. સ્થાનિક રહીશોએ પણ આ પગલાંને આવકાર્યું છે અને સુરક્ષિત દિવાળીની આશા વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *