અમદાવાદ: દારૂબંધીના ધજાગરા! ટ્રાફિક PSI નશાની હાલતમાં કાર હંકારતા ઝડપાયા, ગાડીમાંથી દારૂની ૮ બોટલો મળી

અમદાવાદ ગુજરાત

019e7753-b9af-7849-9764-3fbc3da4e619/1791191471093-01a10b54-81b4-7513-a848-a99a88c84fc3.png

  • ‘M’ ડિવિઝનના PSI ભરત પંડ્યાએ નશામાં કાર ઉકરડામાં ઘુસાડી, સ્થાનિકોને ગાળો ભાંડી
  • સાબરમતી પોલીસે યુનિફોર્મમાં જ PSIની અટકાયત કરી મેડિકલ તપાસ અર્થે મોકલ્યા

અમદાવાદ (વિશ્વાસ પંડ્યા): ગુજરાતમાં કાગળ પર રહેલી દારૂબંધી વચ્ચે ખુદ કાયદાના રક્ષક જ કાયદાના લીરેલીરા ઉડાવતા હોવાની શરમજનક ઘટના અમદાવાદમાં સામે આવી છે. શહેરમાં ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’ સામે કડક ઝુંબેશ ચલાવતી ટ્રાફિક પોલીસના જ એક સબ-ઇન્સ્પેક્ટર (PSI) દારૂના નશામાં ધૂત થઈ કાર હંકારતા રંગેહાથ પકડાયા છે. ‘M’ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI ભરત પંડ્યાની સાબરમતી પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ત્રાગડ રબારી વાસના નાકે PSI ભરત પંડ્યા અતિશય નશાની હાલતમાં કાર હંકારી રહ્યા હતા. નશાના કારણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં તેમની કાર સીધી રસ્તાના કિનારે આવેલા ઉકરડામાં ઘૂસી ગઈ હતી. આ દરમિયાન માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ કારની અડફેટે આવતા સહેજમાં બચી ગયા હતા. અકસ્માત બાદ એકઠા થયેલા સ્થાનિક નાગરિકો સાથે પણ PSIએ બિભત્સ ગાળાગાળી કરી ધમકી આપી હતી. સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને કંટ્રોલ રૂમ ૧૧૨ પર જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સાબરમતી પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે PSIની કારની તલાશી લેતા તેમાંથી ૬ થી ૮ જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસ ખુદ ચોંકી ઉઠી હતી. સાબરમતી પોલીસે પીએસઆઈ ભરત પંડ્યાની યુનિફોર્મ સહિત અટકાયત કરી હતી. આ મામલે સત્તાવાર ગુનો નોંધી આરોપી PSIને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડાયા છે. સામાન્ય નાગરિકોને નિયમોનું ભાન કરાવતી પોલીસના જ અધિકારી દારૂ પીને અકસ્માત સર્જે અને કારમાંથી દારૂનો જથ્થો મળી આવે, તે ઘટનાથી સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *