અમદાવાદ ગુજરાત

CTM ટોલનાકા પાસે 25.5 કરોડના ડ્રગ્સ સાથે 3 પેડલર્સ ઝડપાયા

 અમદાવાદ-સુરત ક્રાઇમ બ્રાન્ચનું સફળ જોઇન્ટ ઓપરેશન

WhatsApp Image 2026-10-22 at 10.55.52 AM (1).jpeg

અમદાવાદ(વિશ્વાસ પંડ્યા): સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર CTM ટોલનાકા નજીક આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. રામોલ પોલીસ સ્ટેશનની હદમાં થયેલી આ કાર્યવાહીમાં પોલીસે ત્રણ કુખ્યાત પેડલર્સને ઝડપી લીધા છે અને કુલ 25.5 કરોડ રૂપિયાના નશીલા પદાર્થો જપ્ત કર્યા છે.

ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે CTM ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ વાહનને અટકાવી તલાશી લેતાં તેમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી 2,497.490 ગ્રામ એટલે કે આશરે 2.5 કિલો MD ડ્રગ્સ કબ્જે કર્યું છે, જેની બજાર કિંમત 1.2 કરોડ રૂપિયા પ્રતિ કિલો લેખે અંદાજે 3 કરોડ રૂપિયા થાય છે. સાથે જ 4,531.220 ગ્રામ એટલે કે આશરે 4.5 કિલો હેરોઇન જપ્ત કરાયું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 5 કરોડ રૂપિયા પ્રતિ કિલો લેખે અંદાજે 22.5 કરોડ રૂપિયા થાય છે.

પકડાયેલા ત્રણેય આરોપીઓ ગંભીર ગુનાઈત ઇતિહાસ ધરાવે છે. નવી દિલ્હીનો 40 વર્ષીય તિફેલ નોખેજ વર્ષ 2014માં અમૃતસરમાં 100 ગ્રામ હેરોઇન અને 2019માં 300 કિલો હેરોઇનની દાણચોરીમાં પાયલોટિંગના ગુનામાં સંડોવાયેલો હતો. મેરઠનો 38 વર્ષીય મોહમ્મદ ઇમરાન અલ્વી છેડતી, કબૂતરબાજી અને છેતરપિંડી જેવા ગુનાઓમાં સામેલ છે. જ્યારે નવી દિલ્હીનો 59 વર્ષીય કફીલ અહેમદ સૌથી કુખ્યાત આરોપી છે, જે અગાઉ જયપુરમાં 18.5 કિલો ચરસ, અમદાવાદમાં 100 ગ્રામ MD અને રાજસ્થાનમાં પેરોલ દરમિયાન 3 કિલો એલ્પાઝોલમ સાથે પકડાઈ ચૂક્યો છે.

આરોપીઓના ગુનાઈત રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ લાંબા સમયથી આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક ચલાવી રહ્યા હતા. પોલીસે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું, કોને સપ્લાય થવાનું હતું અને નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કાર્યવાહીથી ગુજરાતમાં ડ્રગ્સના મોટા નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *