ગુજરાતભરમાં અદાલતોનું કામકાજ ઠપ્પ: ‘ગુજરાત ભાડા બિલ ૨૦૨૬’ના વિરોધમાં રાજ્યભરના વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર

અમદાવાદ ગુજરાત

હાઈકોર્ટ સહિત તમામ નીચલી અદાલતોમાં કેસોની સુનાવણી અટકી; હજારો અરજદારો રઝળ્યા
અમદાવાદમાં વકીલોની વિશાળ બાઇક રેલી અને સૂત્રોચ્ચાર; રેવન્યુ તંત્રને સત્તા સોંપવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ
અમદાવાદ (વિશ્વાસ પંડ્યા): ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવિત ‘ગુજરાત ભાડા બિલ ૨૦૨૬’ સામે રાજ્યભરના વકીલોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. આ વિધેયકના વિરોધમાં સમગ્ર રાજ્યના વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતાં સમગ્ર ગુજરાતમાં ન્યાયતંત્રનું કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. ‘ગુજરાત બાર એસોસિયેશન’ અને રાજ્યના ૧૮૨ જેટલા વકીલ મંડળોના આહવાનને પગલે હાઈકોર્ટથી લઈને તાલુકા કક્ષાની કોર્ટોમાં વકીલો અદાલતી કાર્યવાહીથી અળગા રહ્યા હતા, જેના કારણે હજારો કેસોની સુનાવણી ખોરવાઈ ગઈ છે.

image.png

હાઈકોર્ટમાં વકીલોનો પ્રવેશ બંધ, માત્ર મુદતો પડી
‘ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન’ દ્વારા કામગીરીથી અળગા રહેવાની અપીલ કરવામાં આવતાં હાઈકોર્ટમાં વકીલોના પ્રવેશ માટેનો મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. હાઈકોર્ટની કોઈપણ અદાલતમાં ખાનગી વકીલો ઉપસ્થિત રહ્યા નહોતા. વકીલોની ગેરહાજરીના કારણે ન્યાયાધીશો દ્વારા ઓન-ડાયસ કામગીરી માત્ર ઔપચારિક રીતે ઝડપથી આટોપી લેવામાં આવી હતી અને રોજના તમામ કેસોની સુનાવણી આગળની તારીખો પર મુલતવી રાખવામાં આવી હતી.

અમદાવાદમાં વિશાળ બાઇક રેલી અને વિરોધ પ્રદર્શન
હડતાળના સમર્થનમાં અમદાવાદમાં વકીલોએ શક્તિપ્રદર્શન કર્યું હતું. અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ પરિસરથી વકીલો દ્વારા એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી મેટ્રોપોલિટન કોર્ટ (ઘી કાંટા) થઈને ઈન્કમટેક્સ ચાર રસ્તા સુધી પહોંચી હતી. ત્યાં વકીલોએ પ્લેકાર્ડ દર્શાવી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને જ્યાં સુધી બિલ પાછું ખેંચવામાં ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

વકીલોના વિરોધનું મુખ્ય કારણ શું છે?
શહેરા વકીલ મંડળના પ્રમુખ અશરફ પટેલે આ વિધેયક સામે વાંધો ઉઠાવતાં જણાવ્યું હતું કે, “નવા ભાડા બિલ હેઠળ સિવિલ કોર્ટ અને જ્યુડિશિયલ ઓથોરિટી પાસેથી ન્યાયિક સત્તા આંચકીને રેવન્યુ (મહેસૂલ) ઓથોરિટીને સોંપવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારનો આ નિર્ણય અત્યંત અણઘડ છે. રેવન્યુ તંત્ર પાસે કાયદાકીય જટિલતાઓને ઉકેલવા માટે જરૂરી ન્યાયિક દ્રષ્ટિકોણ હોતો નથી. આનાથી વિવાદો ઉકેલાવાને બદલે વધુ ગૂંચવાશે અને સામાન્ય જનતા તથા પક્ષકારોને મોટો અન્યાય થશે.”

image.png

સમગ્ર રાજ્યમાં પડઘા: પક્ષકારોને ભારે હાલાકી
અમદાવાદ ઉપરાંત પંચમહાલ, શહેરા, વડોદરા, સુરત અને રાજકોટ સહિત સમગ્ર રાજ્યના વકીલ મંડળોએ કામકાજ સ્થગિત રાખ્યું હતું. વકીલોની હડતાળના કારણે દૂર-દૂરના ગામડાઓમાંથી ન્યાયની આશાએ આવેલા પક્ષકારો અને અસીલો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જામીન અરજીઓ, સ્ટે ઓર્ડર અને અન્ય અગત્યની કાનૂની બાબતો અટકી પડતાં અરજદારો નિરાશ થઈને પરત ફર્યા હતા.

માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે
વકીલ આલમનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી ભાડા વિધેયકમાં વકીલો અને પક્ષકારોના હિતને ધ્યાને રાખીને યોગ્ય સુધારા કરવામાં નહીં આવે અથવા વિધેયક પરત ખેંચવામાં નહીં આવે, ત્યાં સુધી આ અચોક્કસ મુદતની લડત અને હડતાળ યથાવત રહેશે. વકીલોના આ આક્રમક વલણથી હવે સરકાર પર દબાણ વધ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *