હિંમતનગર ગ્રામ્ય પોલીસે રૂ.૧.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો ૨૪ રીંગો સાથે ચોરીમાં વપરાયેલી રિક્ષા પણ જપ્ત
હિંમતનગર (જીગ્નેશ સોની) : હિંમતનગર તાલુકાના વાસણા (દા) ગામે આવેલી જલારામ સિમેન્ટ પાઈપ ફેક્ટરીમાંથી લોખંડની રીંગોની થયેલી ચોરીનો ભેદ હિંમતનગર ગ્રામ્ય પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીની ૨૪ લોખંડની રીંગો સહિત કુલ રૂ.૧.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે રિક્ષા નં. જીજે-૨૭-ડબલ્યુ-૨૨૯૧ને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
રિક્ષામાં સવાર શખ્સોની પૂછપરછ દરમિયાન તેઓએ વાસણા (દા) ગામની સિમેન્ટ પાઈપ બનાવતી ફેક્ટરીમાંથી લોખંડની રીંગોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. તપાસ દરમિયાન પોલીસે રૂ.૧.૩૫ લાખની કિંમતની ૨૪ લોખંડની રીંગો તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી રૂ.૩૦ હજારની રિક્ષા મળી કુલ રૂ.૧.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આ ગુનામાં પ્રવિણભાઈ કોદરભાઈ વાઘરી, વિજયભાઈ મુકેશભાઈ વાઘરી અને ભાવેશભાઈ વાઘરી ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી હિંમતનગર ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના પી.એસ.આઈ. એસ.એમ. સોલંકી, કપિલ ખટિક સહિતના પોલીસ કર્મચારીઓએ હાથ ધરી હતી.