હિંમતનગર (જીગ્નેશ સોની): વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ચાલી રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તાજેતરમાં હિંમતનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સંકલ્પ સાથે મોતીપુરામાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
ધારાસભ્ય વી.ડી.ઝાલા તથા અન્ય કાર્યકરો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્લાસ્ટીક મુક્ત અભિયાન કાર્યક્રમ દરમિયાન રોડ પર પડેલા પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. તેમજ નાગરિકો દ્વારા દુકાને-દુકાને ફરીને પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું હતું, તેમજ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે નાગરિકો અને વેપારીઓ ઉપયોગમાં લઈ શકાય તેવી કાપડની થેલીઓનું વિતરણ કરાયું હતું.
આ અભિયાનનો હેતુ નાગરિકોમાં પ્લાસ્ટિકના વધતા ઉપયોગથી પર્યાવરણ પર થતી અસરો અંગે જાગૃતિ લાવવાનો તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો અને સ્વચ્છ-સુંદર હિંમતનગર બનાવો એવો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો હતો. સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જનભાગીદારીના સંકલ્પ સાથે યોજાયેલા આ અભિયાન થકી હિંમતનગરને વધુ સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, કારોબારી અધ્યક્ષ રાહુલ પટેલ, ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, રાજુ દેસાઈ, ધર્મરાજસિંહ દેવડા, કુલદીપ પાઠક તથા અન્ય કોર્પોરેટરો અને નાગરિકો હાજર રહયા હતા.