ગુજરાત હિંમતનગર

હિંમતનગર બસ સ્ટેન્ડ નજીકના મોબાઈલના શો-રૂમમાંથી ર૪ મોબાઈલની ચોરી કરનાર ચાર ઝડપાયા

બી-ડીવીઝન પોલીસે બે ઈસમ સહિત બે બાળકિશોરને મુદ્દામાલ સાથે ઝડપી લીધા

હિંમતનગર (જીગ્નેશ સોની) : હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બસ સ્ટેન્ડ પાસેના એક શો-રૂમમાંથી થોડાક દિવસ અગાઉ અજાણ્યા શખ્સો ર૪ મોબાઈલની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ તત્કાલિન સમયે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવા બાદ બી-ડીવીઝન પોલીસે વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત જિલ્લા કમાન્ડ કંટ્રોલ રૂમની મદદથી સીસીટીવી ફુટેજ તપાસીને એક બાળકિશોર સહિત ચાર જણાને ચોરીના મોબાઈલ સાથે મંગળવારે ઝડપી લીધા હતા.
આ અંગે હિંમતનગર બી-ડીવીઝનના ઈન્ચાર્જ પીઆઈ એ.વી.જોષી, પીએસઆઇ કે.સી બ્રહ્મભટ્ટ તથા સ્ટાફના હિતેશ પરમાર, રાકેશ ચાવડા ના જણાવાયા મુજબ તાજેતરમાં હિંમતનગર બસ સ્ટેન્ડ રોડ પર આવેલ એક મોબાઈલના શો-રૂમમાંથી રાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ ચોરીના ઈરાદે પ્રવેશ કરીને શો-રૂમમાંથી ર૪ મોબાઈલની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ તત્કાલિન સમયે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે સીસીટીવી ફુટેજને આધારે તપાસ કરીને ચોરી કરવા માટે બે વાહન પર આવેલા ચાર જણાની હિલચાલ શંકાસ્પદ જણાયા બાદ પોલીસે તરત જ હરકતમાં આવીને બેરણા રોડ પર આવેલ શ્રીનગર સોસાયટીમાં રહેતા હાર્દિક કુમેન્દ્રસિંહ ભાટી, ઈન્દ્રનગરમાં રહેતા કુશાલ ઉર્ફે અજયસિંહ કમલસિંહ ભદોરીયા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળકિશોર સહિત ચારેયની અટકાયત કરી પુછપરછના અંતે તેમની પાસેથી ર૪ મોબાઈલ કબ્જે લેવામાં આવ્યા હતા. આમ પોલીસે રૂ.૭.૧પ લાખનો મોબાઈલનો જથ્થો કબ્જે લઈ ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી.