અમદાવાદ (વિશ્વાસ પંડ્યા): ઓઢવ પોલીસ સ્ટેશને ડુપ્લિકેટ ઈલેક્ટ્રીક વાયરોનું ઉત્પાદન કરતા ઈસમોને પકડી પાડી કોપીરાઈટ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. તા. 9 ઓક્ટોબર 2024ના રોજ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ ડી.આઈ. પટેલ અને સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન એએચસી વિવેકકુમાર ભીમાભાઈની માહિતી મુજબ ઓઢવ રિંગ રોડ પર ધવલ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટના શેડ નં. 11માં “શ્રી જી ઈન્ડસ્ટ્રીઝ” નામની ફર્મમાં વિવિધ કંપનીઓના ડુપ્લિકેટ કેબલ વાયર બનાવવામાં આવતા હતા.
પોલીકેબ ઈન્ડિયા લિમિટેડના અધિકૃત કર્મચારી અને પંચો સાથે રેડ કરતાં ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા. પ્રથમ આરોપી છોટુસિંહ ભવાનીસિંહ દહિયા (રાજપૂત), ઉંમર 25, શેડમાં જ રહે છે અને રાજસ્થાનના જાલોર જિલ્લાના સાયલા તાલુકાના કોમટા ગામનો મૂળ વતની છે. બીજા આરોપી મહેન્દ્રકુમાર કુડીયારામ ભીલ (રાણા), ઉંમર 18 અને ત્રીજા ગોપાલકુમાર રતારામ મેઘવાલ, ઉંમર 24, બંને રાજસ્થાનના જાલોરના પાનતેડી ગામના છે.
તેમની પાસેથી AZTEC કંપનીની પ્રિન્ટિંગ મશીનો બે (કિંમત 3 લાખ), એસી ડ્રાઈવ પેનલ અને પ્લાસ્ટિક દાણા ઓગાળવાની મશીન સેટ (5 લાખ), વાયર રોલિંગ મશીનો 7 (1 લાખ), ઈલેક્ટ્રિક વજન કાંટા 2 (30 હજાર), કોપર વાયરના મોટા ડ્રમ 4 (4 લાખ), નાના ડ્રમ 15 (5.18 લાખ), પોલીકેબ લેબલવાળા વાયર 52 બંડલ (12.55 લાખ) અને ફિનોલેક્સ લેબલવાળા વાયર 137 બંડલ (9.56 લાખ) સહિત કુલ 40.62 લાખ રૂપિયાની મુદામાલ જપ્ત કરવામાં આવી.
પુછપરછમાં જાણવા મળ્યું કે નિકોલના ઉત્તમસિંહ જબ્બરસિંહ રાજપૂતે આ મશીનોનું સેટઅપ કરી ફિનોલેક્સ અને પોલીકેબના ડુપ્લિકેટ વાયર બનાવતા હતા. ચારેય આરોપીઓ વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટ એક્ટ 1957ની કલમ 63 હેઠળ ગુનો નોંધાયો છે. કાર્યવાહી પોલીસ કમિશ્નર અને વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ટીમમાં પીએસઆઈ ડી.આઈ. પટેલ સહિત અનેક કોન્સ્ટેબલો સામેલ હતા.