એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટરના વર્તન અને કામગીરીથી વકીલોમાં નારાજગી
હિંમતનગર (જીગ્નેશ સોની) : ઈડર સેશન્સ કોર્ટમાં એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર તરીકે ફરજ બજાવતા વકીલ દ્વારા કોર્ટમાં સમયસર હાજર ન રહેતા હોવાને કારણે કોર્ટની કાર્યવાહીમાં થતા વિલંબ અંગે તાજેતરમાં ઈડર બાર એસોસિએશન દ્વારા બેઠક બોલાવીને ઠરાવ કરી આ વકીલની બદલી કરવાની માંગ કરાઈ છે.
બાર એસોસિએશન દ્વારા કરવામાં આવેલા ઠરાવમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકારી વકીલ કોર્ટના નિયત સમય અનુસાર નિયમિત રીતે હાજર રહેતા ન હોવાને કારણે કોર્ટની કાર્યવાહી દરમિયાન વિલંબ થતો હોવાનું વકીલોનું કહેવું છે. તેમજ તેઓ પોતાની અનુકૂળતા મુજબ કોર્ટમાં આવતા હોવાના આક્ષેપ પણ ઠરાવમાં કરવામાં આવ્યા છે.
ઈડર બાર એસોસિએશનના ઠરાવમાં સરકારી વકીલ દ્વારા ઈડર બારના વકીલો સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે તેઓ અવાર નવાર તોછડી ભાષાનો પ્રયોગ કરે છે જેથી વકીલોનું માન-સન્માન જળવાતું ન હોવાનું પણ ઠરાવમાં જણાવાયું છે. એટલુ જ નહીં પણ કોર્ટ કાર્યવાહી તથા જામીન અરજીઓમાં વકીલો પાસેથી નાણાંની અપેક્ષા રાખવામાં આવતી હોવાના આક્ષેપો બાર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યા છે.જોકે આ આક્ષેપો અંગે સરકારી વકીલ નિકેશભાઈ એન. બારોટના પ્રતિભાવ આવ્યા નથી. તેમ છતાં આક્ષેપો અંગે વકીલોની રજૂઆતોને પગલે ઈડર બાર એસોસિએશન દ્વારા તાજેતરમાં તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં સર્વાનુમતે સરકારી વકીલની બદલી કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો હોવાનું ઈડર બાર એસોસિએશનના પ્રમુખ પી.એ.ગુર્જર દ્વારા જણાવાયું છે.