પોલીસે ૨૧ મોબાઇલ,રૂ.૩૨.૪૦ લાખ રોકડ સહિત રૂ.૫૧.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
હિંમતનગર (જીગ્નેશ સોની) : ઈડરના નેત્રામલીમાં ગામની સીમમાં શેરબજારમાં વધુ નાણાં કમાવી આપવાની લાલચ આપી ડબ્બા ટ્રેડીંગના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીનો ઈડર પોલીસે મંગળવારે પર્દાફાશ કરી ડબ્બા ટ્રેડીંગમાં સંડોવાયેલ પાંચ જણાને ઝડપી લઈ તેમની પાસેથી રૂ.૫૧,૯૭,૫૬૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ પાંચેય જણા કોઈપણ પ્રકારના સ્ટોક એક્સચેન્જ લાયસન્સ વિના શેરબજારના નામે ગેરકાયદેસર ડબ્બા ટ્રેડીંગનો ધંધો કરતા હતા. જેમાં તુષાર વાઘેલા પોતાના મોબાઇલમાં કનુભાઈ વાઘેલાના નામે બે એપ્લિકેશન રાખી શેરબજારના ભાવની વધઘટ જોતા હતા. ત્યારબાદ તેઓ ગૂગલ પરથી ઓનલાઇન માર્કેટ કસ્ટમરના મોબાઇલ નંબરો મેળવી વોટ્સએપ અથવા વાઈ-ફાઈ કોલિંગ મારફતે ગ્રાહકોનો સંપર્ક કરતા હતા.
એટલુ જ નહીં પણ તેઓ ગ્રાહકોને ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લીધા બાદ શેરબજારમાં વધુ નાણાં કમાવી આપવાની લાલચ આપવામાં આવતી હતી. ત્યારબાદ શેરની લે-વેચ કરાવી આર્થિક લાભ મેળવવામાં આવતો અને ગ્રાહકો પાસેથી છેતરપિંડીથી નાણાં મેળવવામાં આવતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ આ નાણાં આંગડિયા પેઢી મારફતે હેરાફેરી કરવામાં આવતી હતી. જે અંગે ઇડરના પીઆઈ આર.એ ચૌધરીએ મંગળવારે મળેલી માહિતી બાદ નેત્રામલી ગામની સીમમાં ચાલતા ડબ્બા ટ્રેડીંગનો પર્દાફાશ કરીને પોલીસે તપાસ દરમ્યાન ૨૧ મોબાઇલ, વાઈ-ફાઈ રાઉટર તથા શેરબજારમાં રોકાણ કરતા ગ્રાહકોના મોબાઇલ નંબરો દર્શાવતા ૨૬૫ કાગળો, રૂ.૩૨.૪૦ લાખ રોકડ, રૂ.૫.૫૫ લાખના સોના-ચાંદીના દાગીના,બે કાર સહિત રૂ.૫૧,૯૭,૫૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ ઈડર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૯(૨), ૩૧૮(૪), ૬૧(૨), ૩૧૬(૨) તથા આઈટી એક્ટની કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ઈડર પોલીસ સ્ટેશનમાં પાંચેયની પીઆઇ આર.એ.ચૌધરીની દેખરેખ હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કોણ પકડાયું
-કનુભાઈ ચેલાભાઈ વાઘેલા (ઉ.વ.૪૫, રહે.સુંદરપુર, તા.વિજાપુર, જી.મહેસાણા)
– તુષારભાઈ કનુભાઈ વાઘેલા (ઉ.વ.૨૩, સુંદરપુર, તા.વિજાપુર)
– કિશન બાબુભાઈ વાઘેલા (ઉ.વ.૩૧, નાનીવાડા, તા.ખેરાલુ)
– હસમુખજી પોપટજી ઠાકોર (ઉ.વ.૨૫, ગલાલપુર, તા.સતલાસણા)
– અજીતજી ચંદુજી ઠાકોર (ઉ.વ.૨૨, કુડા, તા.ખેરાલુ)