હિંમતનગર (જીગ્નેશ સોની) : હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગાંભોઈ ત્રણ રસ્તા પાસેના પુલ નીચેથી બુધવારે સ્થાનિક પોલીસે દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા બે જણાને પોલીસે ઝડપી લઈ બંને વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે ગાંભોઈના પીઆઈ એ.આર.ચૌધરી તથા સ્ટાફના સુરેશ પરમાર, અને કાળુભાઈ ગવારીયા ના જણાવાયા મુજબ ત્રણ માસ અગાઉ દારૂની હેરાફેરી કરવા બદલ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ધોલવાણી ગામના કુલદીપ કાંતિભાઈ ભગોરા અને નિલેશ કાંતિભાઈ ભગોરા વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હોવા છતાં આ બંને જણા નાસતા ફરતા હતા. દરમ્યાન ગાંભોઈ પોલીસને બુધવારે મળેલી બાતમીને આધારે બંનેને ગાંભોઈ ચાર રસ્તા બ્રિજ પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા.