નવી દિલ્હી: દેશભરમાં 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી ત્રણ દિવસની બેંક હડતાળ મોકૂફ રાખવામાં આવી છે. ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે રવિવારે રાત્રે 9:30 વાગ્યે મળેલી બેઠક બાદ હડતાળ મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો.
UFBU મુજબ, તમામ શનિવારે રજા સહિત 5-ડે બેંકિંગની માંગ અંગે ચર્ચા કરવા IBA અને UFBUના પ્રતિનિધિઓની હાઈ-લેવલ કમિટી બનાવવામાં આવશે. કમિટી તમામ હિતધારકો અને ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને આગળની ચર્ચા કરશે.
આ ઉપરાંત સ્કેલ-4 અને તેનાથી ઉપરના અધિકારીઓ માટેની PLI (Performance Linked Incentive) યોજનામાં ફેરફાર અને 8 માર્ચ, 2024ની ચર્ચાના બાકી મુદ્દાઓ અંગે પણ ઝડપી નિરાકરણ માટે વાતચીત કરવામાં આવશે.
હડતાળ મોકૂફ રાખવામાં આવતા 28, 29 અને 30 સપ્ટેમ્બરે બેંકોમાં સામાન્ય કામગીરી ચાલુ રહેવાની અપેક્ષા છે. એટલે ગ્રાહકોને ત્રણ દિવસની હડતાળના કારણે થનારી સંભવિત મુશ્કેલીમાંથી રાહત મળી છે.