એસઓજીએ બે જણા વિરૂધ્ધ ગુનો નોંધી રૂ.૮૪,૮૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો
હિંમતનગર (જીગ્નેશ સોની) : સાબરકાંઠા એસઓજીએ બુધવારે રાત્રે તેમને મળેલી બાતમી બાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રૂપપુરાથી માઢા જતાં રોડ પર થઇને દલપુર જતાં હિંમતનગર તાલુકાના તાજપુરી ગામના એક શખ્સને શકને આધારે ઝડપી લઇ તપાસ કરતા તેની પાસેથી ૧ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ એસઓજીએ તેની અટકાયત કરી પુછપરછ કરતાં ગાંજાની હેરાફેરીમાં અમદાવાદના શખ્સની સંડોવણી હોવાની કબુલાત કરતાં એસઓજીએ બાઇક તથા ગાંજાનો જથ્થો મળી અંદાજે રૂપિયા ૮૪,૮૦૦ના જથ્થા સાથે બે જણા વિરૂધ્ધ એનડીપીએસ એકટ અંતર્ગત પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે એસઓજી ના પીઆઇ અજીતસિંહ.એમ. વાળા તથા પીએસઆઇ કે.યુ. ચૌધરી અને સ્ટાફના જણાવ્યા મુજબ બુધવારે રાત્રે તેમને એવી બાતમી મળી હતી કે મોયદથી દલપુર જનાર હિંમતનગર તાલુકાના તાજપુરી ગામનો ગજેન્દ્ર જગતસિંહ ઝાલા બાઇક નં.જીજે.૦૯.જી.એલ.૭૦૩૮ પર બેસી ગેરકાયદે ગાંજો લઇને દલપુર તરફ જનાર છે. જે આધારે એસઓજીએ તરત જ સતર્ક થઇને રૂપપુરાથી માઢા જતાં રોડ પર વોંચ ગોઠવી હતી. દરમિયાન બાતમીને આધારે બાઇક પર આવી રહેલ ગજેન્દ્ર જગતસિંહ ઝાલાને એસઓજીએ બાઇક સાથે અટકાવી ઝડતી લીધી હતી. ત્યારબાદ પોલીસે તેની ઝડતી લઇને અંદાજે ૧ કિલો ગાંજાનો જથ્થો પકડી લીધો હતો. ત્યારબાદ પોલીસે રૂપિયા ૩૦ હજારનું બાઇક, રૂપિયા ૫ હજારનો મોબાઇલ સહિત રૂપિયા ૮૪,૮૦૦નો મુદ્દામાલ કબ્જે લઇ એનડીપીએસ એકટના ભંગ બદલ બન્ને વિરૂધ્ધ ગુરૂવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.