હિંમતનગરમાં દેહ વેપારનો ધીકતો ધંધો, યુવાધન રવાડે ચઢતા ચિંતાનો વિષય

Uncategorized

ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાંથી સ્પાના ઓઠા હેઠળ ચાલતો કુટણખાનું પકડાયું
એએચટીયુની ટીમે બે શખ્સોને ઝડપી લીધા

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર અને તેની ફરતે આવેલા વિકસી રહેલા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પરપ્રાંતિયો આવીને સ્પાના નામે દેહ વેપારના ધંધા ચલાવી રહ્યા છે. જેના કારણે યુવાધન સ્પાના રવાડે ચઢી પરિવારની જાણ બહાર અન્ય પ્રવૃત્તિઓમાં સપડાઇ જાય છે. ત્યારે હિંમતનગર સ્થિત એએચટીયુની ટીમે બુધવારે બાતમીને આધારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બાયપાસ રોડ પરના એક કોમ્પ્લેક્ષમાં ચાલતા સ્પા સેન્ટરમાં રેડ કરીને કુટણખાનાનો પર્દાફાર્શ કરી બે શખ્સોને ઝડપી લીધા બાદ તેમની વિરૂધ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જોકે પોલીસે દેહ વેપારમાંથી ત્રણ યુવતીઓને મુકત કરાવી હતી.
આ અંગે એએચટીયુના ઇન્ચાર્જ પીઆઇ અજીતસિંહ.એમ. વાળા તથા સ્ટાફના અશોકભાઈના જણાવ્યા મુજબ બુધવારે રાત્રે તેમનો સ્ટાફ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં હતો ત્યારે બાયપાસ રોડ પર આવેલ સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષના પ્રથમ માળે વિરા સ્પાના સંચાલકો અન્ય સ્થળેથી યુવતીઓને બોલાવીને મસાજના નામે ગ્રાહકો બોલાવી દેહ વેપારનો ધંધો કરતાં હોવાની બાતમી મળ્યા બાદ એએચટીયુની ટીમે પાંચ ડમી ગ્રાહકો વિરા સ્પામાં મોકલી આપ્યા હતા.
ત્યારબાદ સ્પાની આડમાં ચાલતી દેહ વેપારની પ્રવૃત્તિ અંગે તપાસ કરવા માટે ગ્રાહકોને મોકલતા તેમની પાસેથી રાજસ્થાનના ડુંગરપુર તાલુકાના ઘાટડા ગામના વિક્રમસિંહ હરીસિંહ રાવ અને વિરા સ્પામાં રહેતા મહાવીરસિંહ મહેન્દ્રસિંહ રાવ દ્વારા આવેલા ગ્રાહકો પાસેથી રૂપિયા ૧ હજાર એન્ટ્રી ફી તથા શરીર સુખ માણવા માટે ગ્રાહકો પાસેથી એકસ્ટ્રા સર્વિસના નામે રૂપિયા બેથી ત્રણ હજારનો ચાર્જ વસુલ કરવામાં આવતો હતો. જેથી પોલીસે તરત જ વિરા સ્પામાં પહોંચી જઇ ત્રણ યુવતીઓને ઝડપી લીધી હતી. જોકે તેમને દેહ વેપારમાંથી મુકત કરાવાઇ હતી.
ત્યારબાદ પોલીસે વિક્રસિંહ રાવ અને મહાવીરસિંહ રાવ વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક એકટ કલમ ૧૯૫૬ની કલમ ૩ (૧) (૨) ૪, ૫ (‌૧), (એ) (ડી) મુજબ ફરિયાદ નોંધાવાઇ હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગરની ફરતે વિકસી રહેલા વિસ્તારોમાં લગભગ ૧૦થી વધુ સ્પા સેન્ટરોની આડમાં દેહ વેપારના ધંધા ચાલી રહ્યા છે. ત્યારે પોલીસે ખોટા રવાડે ચઢી જીવન બરબાદ કરતા યુવાધનને બચાવી લેવા માટે સત્વરે આવા ગોરખ ધંધા બંધ કરાવવા માટે કાર્યવાહી કરવી જોઇએ.
જીગ્નેશ સોની હિંમતનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *