ગુજરાત હિંમતનગર

જિલ્લામાં નવરાત્રી જામી, મોડી રાત સુધી ખેલૈયાઓ મનભરીને ગરબે ઘુમ્યા

ગ્રામ્ય વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં થતી નવરાત્રી આકર્ષણનું કેન્દ્ર

હિંમતનગર (જીગ્નેશ સોની) : સાબરકાંઠા જિલ્લામાં આસો નવરાત્રીનો ઉલ્લાસભેર પ્રારંભ થઈ ચુકયો છે ત્યારે સોમવારે બીજા નોરતાની રાત્રે ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ થઈને ખેલૈયાઓ ગરબે ઘુમવા ઉમટી પડયા હતા, જોકે છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રીમાં ઉપયોગમાં લેવાતા દાંડીયા ધીરે ધીરે પોતાની ઓળખ ઘુમાવી રહયા છે છતાં કયાંક નાના બાળકો અને યુવાઓ રાસ રમે ત્યારે દાંડીયાનો ઉપયોગ કરે છે. નવરાત્રીના બીજા નોરતે હિંમતનગર સહિત ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વિજયનગર, પોશીના સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હવે તો રાત્રે ૮ વાગ્યાને બદલે લગભગ ૧૦ વાગ્યા પછી શેરી ગરબાની શરૂઆત થવા માંડી છે.
જયારે હિંમતનગર સહિત અન્ય શહેરી વિસ્તારોમાં ગરબે રમવા જતા શહેરીજનો માટે રાત્રે ૧૦ વાગ્યા પછી નવા વસ્ત્રો પરિધાન કરીને જવાની તૈયારીઓ શરૂ કરે છે જેના લીધે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ખાનગી પાર્ટી પ્લોટો તથા મંદિર પરિસરમાં આરતી અને ગરબાની શરૂઆત થાય છે, જોકે ગ્રામ્ય વિસ્તારોમાં હવે તો નવરાત્રીના પર્વ દરમ્યાન પ્રસાદ સાથે નાસ્તાનું પણ આયોજન કરાઈ રહયું છે, છતાં યાદગીરી રૂપે આપવામાં આવતી લ્હાણી(ઘર વપરાશની ચીજો) ધીરે ધીરે બંધ થવા માંડી છે, છતાં નવરાત્રીના અમુક દિવસે સોસાયટીઓ તથા ગામડાઓમાં કેટલાક દિલેરી દિલવાળા દાતાઓ પોતાની યથાશક્તિ મુજબ લ્હાણી આપે છે. હજુ તો નવરાત્રીના છ દિવસ બાકી છે ત્યારે હિંમતનગરમાં અન્ય ઠેકાણે પણ નવરાત્રી ચોક શરૂ થશે.જોકે નવરાત્રી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે.