ગ્રાહકોની નોંધણી થી લઈને ઓળખના પુરાવા અને લાઇસન્સ સુધીની તપાસ
ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા પોલીસની કવાયત તેજ
હિંમતનગર (જીગ્નેશ સોની) : નવરાત્રિના પાવન પર્વ પહેલાં સાબરકાંઠા જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે.તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી શકાય તે હેતુથી જિલ્લામાં આવેલી હોટલો,ગેસ્ટ હાઉસ અને સ્પા સેન્ટરોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસની આ કાર્યવાહીથી નિયમોનું પાલન કર્યા વિના ધંધો કરતા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં એસઓજીના પીઆઈ અજીતસિંહ વાળાની સૂચના અનુસાર પો.સ.ઈ. પી.એમ.ઝાલા અને કે.યુ.ચૌધરીની રાહબરી હેઠળ પોલીસ ટીમોએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી.
રેકોર્ડથી લઈને લાઇસન્સ સુધીની ઝીણવટભરી તપાસ
દરમિયાન હોટલ અને ગેસ્ટ હાઉસમાં ગ્રાહકોની નોંધણી,ઓળખના પુરાવા,સંચાલકો દ્વારા જાળવવામાં આવતા રેકોર્ડ તેમજ જરૂરી લાઇસન્સ અને મંજૂરીઓની ચકાસણી કરવામાં આવી હતી. સ્પા સેન્ટરોમાં પણ લાગુ પડતા નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. આ સાથે સંચાલકોને કાયદાકીય જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવા અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે ગેરકાયદેસર પ્રવૃત્તિને સ્થાન ન આપવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.
પોલીસે હોટલ,ગેસ્ટ હાઉસ અને સ્પા સેન્ટરના સંચાલકોને નિયમોનું પાલન કરવા ઉપરાંત કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવ્યું છે. નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળતા હોય છે અને વિવિધ સ્થળોએ અવરજવર વધતી હોવાથી સુરક્ષા વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર દ્વારા આગોતરાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.
સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે ચેકિંગની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.જાહેર જનતાને પણ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
નવરાત્રિ પહેલાં શરૂ કરાયેલી આ ચેકિંગ ઝુંબેશથી તહેવાર દરમિયાન સુરક્ષિત વાતાવરણ જાળવવામાં કેટલી અસરકારકતા મળે છે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કેવાં પગલાં લેવાય છે તેના પર હવે સૌની નજર રહેશે.