હિંમતનગરના ઢુંઢરમાં સામાન્ય બોલાચાલી થતાં ચાર વિરૂધ્ધ ફરીયાદ.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઢુંઢર ગામે શુક્રવારે સામાન્ય બાબતે બોલાચાલી થતાં ચાર જણાએ સામે પક્ષે ઝઘડો કરી ગાળો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
આ અંગે ઢુંઢર ગામે રહેતા કોમલબેન બાબુભાઈએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ શુક્રવારે બપોરના સુમારે ગામમાં રહેતા જયદિપભાઈ રાકેશભાઈ ચમાર તથા ચેતનાબેન ચમારે કોમલબેન ચમારના ઘરે આવી તેણીને તથા તેમના પિતા સાથે અગમ્ય કારણોસર ઝઘડો કર્યો હતો. ત્યારબાદ આ ઉપરાણું લઈને તન્વીબેન રાકેશભાઈ ચમાર તથા રાકેશ ધનાભાઈ ચમારે આવી ગડદાપાટુનો માર મારી પાડી દીધા હતા. જેથી કોમલબેન ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નિવેદન લખાવતા હતા ત્યારે આ ચારેય જણાએ પોલીસ સ્ટેશનમાં આવી કોમલબેનને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી ધમાચકડી મચાવી દીધી હતી. જેથી કોમલબેને ચારેય વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી અન્વયે સાબરકાંઠામાં મતદાન કરાયું. ૯ માર્ચે મતગણતરી ચૂંટણીમાં રાજ્યમાંથી ૯૯ ઉમેદવારો વચ્ચે જંગ. મતદાન દરમ્યાન સાબરકાંઠાના ૧પ૦૦ એડવોકેટો પ્રેફરન્સ મત આપ્યા.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદારોની ચૂંટણી શુક્રવારે યોજાઈ છે ત્યારે તેના ભાગરૂપે સાબરકાંઠાના પાંચ મતદાન મથકો પર જિલ્લાના અંદાજે ૧પ૦૦ વકિલો(મતદારો)એ મતદાન કર્યું હતુ. જેની ગણતરી આગામી તા. ૯ માર્ચના રોજ અમદાવાદ ખાતે થશે.
સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં બાર કાઉન્સિલની ચૂંટણી તા. ૩૧ માર્ચ પહેલા પૂર્ણ કરવા માટે આદેશ આપ્યા હતા. જેના ભાગરૂપે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેમાં તા. ૬ માર્ચના રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેના ભાગરૂપે શુક્રવારે સાબરકાંઠાના પાંચ સેન્ટરો પર થયું હતુ. ૨૩ બેઠકો માટે ૯૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેના માટે સાબરકાંઠા જિલ્લાના ૧૫૦૦ ધારાશાસ્ત્રીઓ પૈકી મોટાભાગના મતદારોએ પ્રેફરન્સ મત આપી મતદાન કર્યું હતુ.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ૨૩ બેઠક માટે ૯૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, તલોદ, પ્રાંતિજ, ઈડર અને ખેડબ્રહ્મા ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યા હતા. જ્યાં સ્થાનિક ધારાશાસ્ત્રીઓ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મત પેટી સીલ કરી ગુજરાત હાઇકોર્ટ ખાતે મોકલવાની તજવીજ કરાઈ હતી. જેની મતગણતરી આગામી ૯ તારીખના રોજ થશે જ્યાં મતગણતરી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર થશે.
સાબરકાંઠામાં રંગોત્સવ સંપન્ન, જિલ્લાના તમામ સ્થળે લોકોએ અબીલ, ગુલાલ અને રંગોથી પર્વ ઉજવ્યું. કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન બનતા તંત્રને રાહત.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અનેક લોકોએ હોળી અને ધૂળેટી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરીને રંગોત્સવ મનાવ્યો છે ત્યારે બુધવારે ધૂળેટી નિમિત્તે હિંમતનગર સહિત જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોએ વિવિધ પ્રકારે ધૂળેટીની ઉજવણી કરી આનંદ માણ્યો હતો. જોકે જિલ્લામાં કોઈપણ જગ્યાએ અનિચ્છનીય મોટી ઘટના બની ન હોવાને કારણે તંત્રએ રાહત અનુભવી હતી.
આ વર્ષે હોળી અને ધૂળેટી પર્વ વચ્ચે એક દિવસ પડતર હોવાને કારણે અનેક લોકોએ તેની ઉજવણી કરવામાં અસમંજસ અનુભવી હતી. પરંતુ સરકારી કચેરીઓમાં તથા અન્ય સ્થળે બુધવારે ધૂળેટીની રજા જાહેર થઈ હોવાથી જિલ્લામાં રહેતા લોકોએ બુધવારે રંગોત્સવ પર્વ મનાવ્યું હતુ. જેના ભાગરૂપે હિંમતનગર તાલુકાના હડીયોલ, ગાંભોઈ,પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારોમાં તથા હિંમતનગરના શહેરી વિસ્તારોમાં રહેતા લોકોએ પોતાની અનૂકુળતા મુજબ વિવિધ પ્રકારના રંગોનો ઉપયોગ કરીને એકબીજાના ચહેરા રંગી દીધા હતા.
તો બીજી તરફ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અનેક ઠેકાણે રહેતા પરિવારોએ લાકડીઓ તથા રંગાયેલા વસ્ત્રોમાં એકબીજા સાથે ભેટીને આનંદ માણ્યો હતો. દરમ્યાન જિલ્લાના પોલીસતંત્ર ધ્વારા અગાઉથી જ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હોવાને કારણે કોઈ મોટી અનિચ્છનીય ઘટના બનવા પામી ન હતી. સાથોસાથ ધૂળેટીની રજા હોવાને કારણે ખાનગી અને સરકારી વાહનોમાં ભીડ ઓછી રહી હતી.
સાબરકાંઠા જિલ્લામાં ૧૪મી માર્ચ ના રોજ ૨૦૨૬ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. ફોજદારી, ચેક રિટર્ન, બેંક લેણાં, ગેસ બિલ, મોટર અકસ્માત સહિતના કુલ ૧૧ પ્રકારના કેસો મૂકી શકાશે.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જીલ્લામાં તા.૧૪મી માર્ચ નારોજ વર્ષ-૨૦૨૬ ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશાનુસાર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા, હિંમતનગરના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કે.આર.રબારીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સચિવ સી.પી.ચારણનાઓ દ્વારા સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરેલ છે.
જેમાં ફોજદારી, ચેક રિટર્ન, બેંક લેણાં, ગેસ બિલ, મોટર અકસ્માત, લગ્ન વિષયક સહિતના કેસો મૂકી શકાશે. સાબરકાંઠા જીલ્લા માં વિવિધ જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર અનેક લોકો દંડ ભરતા નથી. ત્યારે આવા કેસો પણ લોક અદાલતમાં મુકવામાં આવનાર છે.
લોક અદાલતમાં કેસોનો નિકાલ તે બંને પક્ષકારોને લાભકર્તા છે. બંને પક્ષના સમાધાનથી કેસોનો નિકાલ થાય છે.લોક અદાલતમાં કોઇની હાર નહીં અને કોઈનો પરાજય નહીં તેવી સ્થિતિ ઉદભવે છે. બંને પક્ષકારો વચ્ચે કોઈ વૈમનસ્ય રેહતું નથી અને સુમેળભર્યા સંબધો સચવાઈ રહે છે. આથી વધુમાં વધુ પક્ષકારોએ પોતાના કેસો લોક અદાલતમાં મૂકી તેનો મહતમ લાભ લેવાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
હિંમતનગરના કાંકણોલ નજીકથી એલસીબીએ રૂ.૭૭.૬૬ લાખની દારૂ ભરેલી ટ્રક ઝડપી. ચાલક ખોટી નંબર પ્લેટ લગાવી હેરાફેરી કરતો હોવાનું ખુલ્યુ. રાણીવાડાના ચાલકની અટકાત કરાઈ, અન્ય બે વિરૂધ્ધ ફરીયાદ.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બુટલેગરો પોલીસ અથવા તો રાજકીય નેતાઓના ઈશારે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશી સાબરકાંઠામાં થઈ અન્ય સ્થળે દારૂનો મોટો જથ્થો વાહનોમાં ભરીને હેરાફેરી કરી રહયા છે ત્યારે રવિવારે સાબરકાંઠા એલસીબીએ હિંમતનગર-શામળાજી રોડ પર આવેલ કાંકણોલ ગામની સીમમાંથી પસાર થતી એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તેમાં તપાસ કરતાં પ્લાસ્ટીકના કટ્ટા નીચે રખાયેલ દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી ત્યારબાદ એલસીબીએ ટ્રકના ચાલકની પુછપરછ કરી તેની ટ્રકમાંથી ૬૬૯ પેટીમાં રખાયેલ ૧૩પ૮૪ બોટલો મળી રૂ.૭૭,૬૬,૧૯૬નો જથ્થો કબ્જે લીધો હતો ત્યારબાદ ચાલક પાસેથી મોબાઈલ, ચાર નંબર પ્લેટ અને ટ્રક મળી અંદાજે રૂ.૯ર,૭૬,૧૯૬નો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલા ચાલક તથા દારૂ અને બિયરની હેરાફેરીમાં સંડોવાયેલ અન્ય બે મળી ત્રણ જણા વિરૂધ્ધ હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગત એવી છે કે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલની સુચનાથી એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા પીએસઆઇ એસ.જે ચાવડા તથા તેમના સ્ટાફે સ્પેશીયલ પ્રોહી. ડ્રાઈવનું આયોજન કરી હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વાહન ચેકીંગ શરૂ કર્યું હતું દરમ્યાન રવિવારે એવી બાતમી મળી હતી કે શામળાજી તરફથી આવી રહેલ ટ્રક નં.ડીડી.૦૧જે.૯૩૩૧માં દારૂ અને બિયરનો જથ્થો ભરી જઈ રહેલ દેવેન્દ્ર દાનારામ જાટ હિંમતનગર તરફ આવી રહયો છે જે આધારે એલસીબીએ કાંકણોલ પાસે વોચ ગોઠવીને વાહન ચેકીંગ શરૂ કર્યું હતું.
જયાં બાતમી મુજબ આવી રહેલ ટ્રકને અટકાવી તેમાં તપાસ હાથ ધરાઈ હતી દરમ્યાન આ ટ્રકમાં પ્લાસ્ટીકના કટ્ટા નીચે રખાયેલ દારૂ અને બિયરની અંદાજે ૬૬૯ પેટી મળી આવી હતી ત્યારબાદ પોલીસે હેરાફેરી માટેનો પરવાનો રજુ કરવા માટે ચાલકને કહયું હતું પરંતુ ચાલકે રજુ ન કરતાં પોલીસે ટ્રકમાંથી અંદાજે રૂ.૭૭.૬૬ લાખથી વધુનો ૧૩,પ૮૪ બોટલો કબ્જે લીધી હતી તથા ચાલક પાસેથી ટ્રકની આગળ પાછળની ચાર ખોટી નંબર પ્લેટ પણ પકડી લીધી હતી તે આધારે એલસીબીએ દારૂ, મોબાઈલ, નંબર પ્લેટ તથા ટ્રક મળી અંદાજે રૂ.૯ર.૭૬ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલા દેવેન્દ્ર જાટ અને દારૂ ભરી આપનાર રાજસ્થાનના હનુમાનગઢના ભવાન સિંહ ચારણ અને ખોટી બિલ્ટી આપી ટ્રકમાં દારૂ અને બિયર ભરી આપનાર સાચોરના દેવેન્દ્ર બિશ્નોઈ મળી ત્રણેય વિરૂધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
દેલવાડા-લાંબડીયા રોડ પરથી ૩૧ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક પકડાયો. પોશીના પોલીસે મોબાઈલ, કાર અને જથ્થો મળી રૂ.૧૮.૯ર લાખનો મુદ્દામાલ કબ્જે લીધો.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લો છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોની હેરાફેરી તથા વેચાણ કરવા માટે સલામત સ્થળ બની ગયું હોય તેમ અવાર નવાર જિલ્લામાંથી ગાંજો, ચરસ, દારૂ અને બિયરનો મબલખ જથ્થો પકડાઈ રહયો છે ત્યારે હિંમતનગરમાંથી આવા માદક પદાર્થ પકડાયા બાદ રવિવારે વધુ એક વખત પોશીના પોલીસ સ્ટેશનની હદમાં આવેલ દેલવાડા-લાંબડીયા રોડ પર સ્થાનિક પોલીસને વોચ દરમ્યાન ગેરકાયદે લઈ જવાતો અંદાજે રૂ.૧પ.૭૭ લાખની કિંમતનો ૩૧.પપ૦ કિલો ગ્રામ ગાંજાના જથ્થાને કારમાં ભરી લઈ જતાં પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ગોખરવા ગામનો એક યુવાન ગાંજાના જથ્થા સાથે પકડાઈ ગયો હતો ત્યારબાદ પોશીના પોલીસે કાર, મોબાઈલ અને ગાંજાનો જથ્થો મળી અંદાજે રૂ.૧૮.૯ર લાખનો મુદ્દામાલ કબ્જે લઈ તેની વિરૂધ્ધ એનડીપીએસ એકટ હેઠળ પોશીના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે પોશીનાના પીઆઈ ડી.એન.સાધુ, પીએસઆઈ આર.કે.ગજ્જર તથા સ્ટાફના જણાવાયા મુજબ હોળી-ધુળેટીના તહેવારોને લઈને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એવી બાતમી મળી હતી કે પોશીના તાલુકાના દેલવાડાથી હડાદ જતા રોડ પર એક શખ્સ પોતાની કારમાં શંકાસ્પદ પદાર્થ લઈને જઈ રહયો છે જે આધારે પોશીના પોલીસે દેલવાડા-લાંબડીયા રોડ પર સઘન વાહન ચેકીંગ શરૂ કર્યું હતું.
દરમ્યાન બાતમી મુજબ આવી રહેલ કાર નં.જીજે.૦રબીએચ.૭૦૬૬ પસાર થતાં પોલીસે તેને અટકાવી હતી ત્યારબાદ કારમાં જઈ રહેલ ચાલકની ઓળખ કરી હતી તેણે પોતાનું નામ રીતેશ રસીકલાલ વ્યાસ (ઉ.વ.૪૮) હોવાનું કબુલ્યુ હતુ ત્યારબાદ પોલીસે કારમાં તથા કરતાં કેફી પદાર્થ તરીકે ઓળખાતો અંદાજે રૂ.૧પ,૭૭,પ૦૦ની કિંમતનો ગાંજો મળી આવ્યો હતો ત્યારબાદ પોલીસે ગાંજાની હેરાફેરી કરવા માટે જરૂરી આધારપુરાવા રજુ કરવા માટે જણાવ્યું હતું પરંતુ પકડાયેલા રીતેશ વ્યાસે આધારપુરાવા રજુ ન કરતાં પોલીસે તેની અટકાયત કરી હતી. ત્યારબાદ મોબાઈલ ગાંજો અને કાર મળી રૂ.૧૮,૯ર,૭૧૦નો મુદ્દામાલ કબ્જે લઈ તેની વિરૂધ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
નુરપુરાના વેપારીનો મોબાઈલ હેક કરી અજાણ્યા શખ્સે રૂા. ૩.૩૪ લાખનો ઉપાડ કરી લેતાં ફરીયાદ. મોબાઈલમાં એપીકે ફાઈલ મોકલી જાણ બહાર ટ્રાન્જેકશન કર્યું હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
મોબાઈલના યુગમાં અનેક લોકો અજાણ્યા નંબરો પરથી અન્ય મોબાઈલ ધારકોને ખોટી ફાઈલ મોકલી મોબાઈલ ધારકની જાણ બહાર તેમના ખાતામાંથી રોકડ ઉપાડવા માટે મોબાઈલ હેક કર્યા પછી ટ્રાન્જેકશન કરી લેતાં હોવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે એક મહિના અગાઉ હિંમતનગર તાલુકાના નુરપુરા ગામના એક વેપારીને અજાણ્યા શખ્સે એપીકે ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી દીધા બાદ અંદાજે રૂા. ૩.૩૪ લાખનો ઉપાડ કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ સોમવારે એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
આ અંગે નુરપુરા ગામના વેપારી અલ્ફાજભાઈ ઈલીયાસભાઈ બાવનએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા. ર૦ જાન્યુઆરીના રોજ તેઓ સહકારીજીન રોડ પર આવેલ એક દુકાન આગળ ઉભા હતા ત્યારે અજાણ્યા શખ્સે વેપારીના મોબાઈલમાં એપીકે ફાઈલ મોકલી હતી ત્યારબાદ આ વેપારીનો મોબાઈલ હેક કરી લીધો હતો. ત્યારબાદ બેંકના એકાઉન્ટ નં. ૯૯૯૦૭૮૭૪૧૬૩૯૬૮ માંથી વેપારીની જાણ બહાર રોકડનું ટ્રાન્જેકશન કરી દીધું હતુ.
ત્યારબાદ આ રકમ બિહારની ચૌસા માધેપુરા બેંકની શાખામાંથી પિન્કીદેવીના નામના ધારકે નુરપુરાના વેપારીના ખાતામાંથી અંદાજે રૂા. ૩,૩૪,૮૯૯ નો ઉપાડ કરી લીધો હતો. ત્યારબાદ અલ્ફાજ બાવનને જાણ થતાં તેમણે બેંકમાં તપાસ કરી હતી અને તે આધારે સોમવારે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
