સાબરકાંઠામાં ૯ દિવસના બાળકની તસ્કરી. બે અઠવાડિયા અગાઉ બાળક ને અમદાવાદમાં વેચી દીધાનું ખુલ્યું. સાબરકાંઠાના સરહદી વિસ્તારમાં ચાલતા કૌભાંડને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે શોધી કાઢયું.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બાળક વાંચ્છુ પરિવારો પાસેથી લાખો રૂપિયા લઈને તેમને નાના બાળકો વેચી રહયા છે ત્યારે થોડાક મહિના અગાઉ હિંમતનગરના આરટીઓ નજીકથી એક પરિવારના સુઈ રહેલા બાળકને અજાણ્યા શખ્સોએ ચોરી કરી તેને વેચી દેવાની પેરવી કરી હતી પરંતુ પરિવાર અને સાબરકાંઠા પોલીસની મદદથી આ બાળકને તેના મુળ માતા-પિતાને સુપ્રત કર્યું હતું દરમ્યાન વધુ એક વખત સાબરકાંઠાના અંતરિયાળ ખેડબ્રહ્મા પંથકમાં રહેતા એક જાણકારે ૧પ દિવસ અગાઉ નવ દિવસની બાળકને ઉપાડી જઈ અમદવાદમાં રૂ.ર લાખમાં વેચી દીધુ હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રવિવારે બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાંચ જણાને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે માનવ તસ્કરીનો ગુનો ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાવી આ પાંચેયને ઝડપી લઈ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલ તથા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમના પી.આઈ એચ.જે પટેલ ના જણાવાયા મુજબ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ માનવ તસ્કરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેની વિગત એવી છે કે બે અઠવાડિયા અગાઉ ખેડબ્રહ્મા તાલુકાના પોણાઈ ગામનો માલજી ઉર્ફે માલિયો ફજુભાઈ ડાભી નવજાત બાળકોની તસ્કરીમાં સંડોવાયેલો છે. જે બાતમીના આધારે માલજીને ખેડબ્રહ્માના મટોડા ગામથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન માલજીએ કબૂલ્યું કે તેણે લગભગ પંદર દિવસ પહેલા મેડી ગામના એક પરિવારના નવજાત બાળકને અમદાવાદના એક ઈસમને રૂ.૨ લાખમાં વેચી દીધુ હતું. પ્રાથમિક તપાસમાં વિગતમાં તથ્ય જણાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ત્યારબાદ પોલીસે માનવ તસ્કરીના ગુનોમાં તરત જ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ ૨૦૨૩ની કલમ ૧૪૩(૪), ૬૧(૨)(છ), ૫૪ હેઠળ ગુનો દાખલ કર્યો છે. સાબરકાંઠા એ.એચ.ટી.યુ. ટીમને બાળ તસ્કરીના ભેદને ઉકેલવામાં સફળતા મળી છે.પકડાયેલા પાંચેય પાસેથી વધુ વિગતો ઓકાવવા માટે પોલીસે તેમના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
જીગ્નેશ સોની હિંમતનગર
-
(કોની વિરૂધ્ધ ફરીયાદ નોંધાઈ)
-માલજી ઉર્ફે માલિયો ફજુભાઈ ડાભી (રહે. પોણાઈ, તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા)
-સુવન ઉર્ફે સોવમ નાનજીભાઇ ડાભી (રહે. દિગ્ધલી ઉપલુ ફળિયુ, તા.ખેડબ્રહ્મા)
-દેવજી ઉર્ફે દેવાભાઈ ગલાભાઈ પારધી (રહે. પારધીફળો, મામરે, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર, રાજસ્થાન)
-લક્ષ્મણભાઈ અનાભાઈ ડાભી (રહે. ડાભી ફળો, મેડી ગામ, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર, રાજસ્થાન)
-પ્રમોદભાઈ રાજારામ રાજવંશી (રહે. સીટી ગોલ્ડ મોટેરા ઇન્દ્રનગર સોસાયટી અમદાવાદ)
મોટેરાની સોસાયટીમાં રહેતો શખ્સ એજન્ટ હતો
નાના બાળકોને જરૂરીયાતમંદ પરિવારોને આપવા માટે અમદાવાદના મોટેરાની ઈન્દ્રનગર સોસાયટીમાં રહેતા પ્રમોદ રાજારામ રાજવંશી મુખ્ય એજન્ટ તરીકે કામ કરતો હતો અને તે અમદાવાદમાં બાળકની જરૂર હોય તેવા પરિવારોનો સંપર્ક કરી કિંમત નક્કી કરતો હતો. તેણે અગાઉ રાજસ્થાનના બે શખ્સો પાસે નવજાત બાળકોની શોધ ચલાવી બાળકોને વેચી દેવાની પેરવી કરતો હતો.
આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નો અંગે હિંમતનગરમાં દેખાવો કરાયા. હાઈકોર્ટના ચુકાદાનો અમલ નહીં કરાય તો વિધાનસભાને ઘેરાવો કરવાની ચીમકી.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
કેન્દ્ર સરકારે ૨૦૧૮ પછી આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા કર્મચારીઓના વેતનમાં આઠ વર્ષ પછી પણ કોઈ વધારો કર્યો નથી જેથી આંગણવાડી કાર્યકરોના પરિવારો આર્થિક મુશ્કેલી ભોગવી રહયા છે ત્યારે શુક્રવારે હિંમતનગરમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા અનેક કાર્યક્રમો યોજીને આંદોલનો કરી સરકારને ન્યાય આપવા માટે ગુહાર લગાવી છે ત્યારે તાજેતરમાં આ મુદ્દે સંગઠનના અગ્રણીઓએ મુખ્યમંત્રી સાથે વાટાઘાટો કરીને સત્વરે માંગણીઓ ઉકેલવા માટે અપીલ કરી હતી.
આ અંગે સાબરકાંઠા એકમના અગ્રણી દિનેશ પરમાર, મિનાબેન પટેલ તથા મિનાબેન પઢીયાર સહિત અન્યોના જણાવાયા મુજબ સાબરકાંઠા સહિત ગુજરાતમાં આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતી મહિલાઓની પડતર માંગણીઓનો ઉકેલ લાવવા મુખ્યમંત્રીએ હૈયાધારણ આપી હતી. છતાં એક વર્ષ બાદ પણ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. અગાઉ આ મામલે અમદાવાદમાં રેલીઓ યોજવામાં આવી હતી.
એટલુ જ નહીં પણ રાજય સરકારે તથા કેન્દ્ર સરકારે ચાલુ વર્ષના બજેટમાં આંગણવાડી કાર્યકરોના વેતન વધારા માટે કોઈ જોગવાઈ કરી ન હોવાનો આક્ષેપ કરાયો છે. તો બીજી તરફ આ સંજોગોમાં ઓછા વેતનમાં ઓફ લાઈન અને અનેક નવી એપ્લિકેશનના કામ કરતી બહેનોની ધીરજ ખુટી છે. દરમ્યાન તાજેતરમાં આંગણવાડી કાર્યકરોએ ત્રણ દિવસ રજા મૂકી કામથી અળગા રહયા હતા. તથા શુક્રવારે હિંમતનગરની જિલ્લા પંચાયત કચેરીમાં ધરણા કર્યા હતા. આંગણવાડી કર્મચારીની માંગણી છે કે જો હાઈકોર્ટના ચુકાદા મુજબ વેતન વધારો આપવામાં નહીં આવે તો આગામી સમયમાં વિધાનસભાનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
હિંમતનગર જનસેવા કેન્દ્રમાં પાલિકા અને મામલતદારના સિક્કા અને સહીનો ઉપયોગ કરનાર બે પકડાયા.એલસીબીએ બંને શખ્સો પાસેથી અંદાજે રૂા. ૧.૦પ લાખનો મુદમાલ કબ્જે કર્યો.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગર જનસેવા કેન્દ્રમાં કામ કરતા બ્રહ્માણીનગર અને બેરણા રોડ પર આવેલ સોસાયટીમાં બે જણાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા અને મામલતદાર કચેરીના ખોટા સહી સિક્કા બનાવતા હોવાની માહિતીના આધારે સાબરકાંઠા એલસીબીએ ગુપ્ત તપાસ કરી આ બંને જણાને ઝડપી લઈ તેમની પાસેથી અંદાજે રૂા. ૧.૦પ લાખનો મુદમાલ કબ્જે લઈને શુક્રવારે તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરતાં કેટલા સમયથી આ શખ્સો પાલિકા અને મામલતદાર કચેરીના સિક્કા અને સહીનો દુરુપયોગ કરતાં હતા, અને કયા કયા ડોક્યુમેન્ટમાં તેઓએ ઉપયોગ કર્યો છે તેમજ આ કામગીરીમાં અન્ય કોઈ શખ્સો સામેલ હતા કે કેમ ?તે તમામ હકીકતો બહાર આવવાની સંભાવના છે.
આ અંંગે જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહીલ,એલસીબી પીઆઈ ડી.સી.સાકરીયા તથા પી એસ આઈ એસ. જે ચાવડાના જણાવ્યા મુજબ ગુરુવારે તેમને એવી માહિતી મળી હતી કે મહેતાપુરાના બ્રહ્માણીનગરમાં આવેલ વિષ્ણુ સોસાયટીના મકાન નંબર રરમાં રહેતો કિશોર કનૈયાલાલ પ્રજાપતિ છેલ્લા કેટલાક સમયથી જનસેવા કેન્દ્રમાં ઓપરેટર તરીકે નોકરી કરતાં ચંદ્રકેતુ પ્રજાપતિને સાથે રાખી આ બંને જણા કેટલાક લોકોના આધારકાર્ડના દસ્તાવેજોના અભાવે અપડેટ ના થયા હોઈ તેમને હિંમતનગર નગરપાલિકા તથા મામલતદાર કચેરીના ખોટા સિક્કા બનાવી આપતા હતા.
જે આધારે એલસીબીના સ્ટાફે ટેકનીકલ અને હ્મુમન સોર્સથી મળેલી બાતમીના આધારે આ બંને જણાને ઝડપી લીધા હતા અને તપાસ કર્યા બાદ આ બંને જણા પાસેથી ઈલેકટ્રોનીક સંશાધનો તેમજ કેટલાક દસ્તાવેજો અને સિક્કા મળી અંદાજે રૂા.૧.૦પ લાખનો મુદમાલ કબ્જે લેવાયા બાદ બંને વિરુધ્ધ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. દરમ્યાન ડીવાયએસપી એ.કે.પટેલે આ મામલે શુક્રવારે જણાવ્યું હતું કે એલસીબી દ્વારા કેટલીક જરૂરી માહિતી મેળવવા માટે રીમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ પુછપરછમાં જે નવી વિગતો બહાર આવશે તેની તપાસ કરાશે.
હિંમતનગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વ ઉજવાયું. શહેરમાં ઝૂલેલાલની શોભાયાત્રા નીકળી, ઢોલ-ડીજેના તાલ સાથે સમાજ જોડાયો.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગર શહેરમાં વસતા સિંધી સમાજ દ્વારા શુક્રવારે તેમના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલનો જન્મોત્સવ ચેટીચાંદ પર્વની ઉજવણી અંતર્ગત શહેરમાં ઢોલ-ડીજેના તાલ સાથે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં ભગવાન ઝૂલેલાલના પ્રતિક રૂપે બનાવાયેલ વિવિધ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર થઈને પસાર થઈ હતી.
હિંમતનગરમાં ચેટીચાંદ પર્વની ઉજવણી અંતર્ગત શુક્રવારે સવારે સિંધી સમાજવાડી ખાતે ભગવાન ઝૂલેલાલનો અભિષેક અને ધ્વજારોહણ કરાયું હતું. મહાઆરતી બાદ રથ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું.આ શોભાયાત્રામાં ભગવાન ઝૂલેલાલની સાથે હનુમાનજી અને ભગવાન શ્રીરામની વિશાળ પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સિંધી સમાજવાડીથી નિકળેલ આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી.તેમાં મહાવીરનગર પંચદેવ મંદિરથી અહિંસા સર્કલ,નમસ્તે સર્કલથી આંબાવાડી,જિલ્લા પંચાયત રેલવે ફાટકથી ટાવર ચોક અને પાંચબત્તી વિસ્તારનો સમાવેશ થાય છે. શોભાયાત્રાનું સમાપન ભાટવાસમાં આવેલા ગુરુદ્વારા ખાતે થયું હતું.
વ્યાજખોરોના ત્રાસથી છુટવા માટે પીડીતો ભયમુક્ત બની ફરીયાદ કરે. જિલ્લા પોલીસવડાએ ૧૪ પોલીસ સ્ટેશનોના સંપર્ક નંબર જાહેર કર્યા.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
રાજયના ગૃહ વિભાગ દ્વારા મની-લોન્ડરીંગ ડ્રાઈવની ઝુંબેશ શરૂ કરીને વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકોને ભયમુક્ત બની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો અંગેની માહિતી રજુ કરી ફરીયાદ નોંધાવવા માટે જિલ્લા પોલીસવડાએ અપીલ કરી છે.
આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલના જણાવાયા મુજબ ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં રાજયવ્યાપી મની-લોન્ડરિંગ ડ્રાઈવ શરૂ કરવાનો નિર્ણય લઈને તેનો અમલ શરૂ કર્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં રહેતા જરૂરીયાતમંદોએ વ્યાજખોરો પાસેથી લીધેલી રકમ પરત કરી હોવા છતાં ખોટા હિસાબો અને તગડુ વ્યાજ વસુલવા માટે વ્યાજખોરોના માણસો અનેક લોકોને ધાક-ધમકી આપી પરિવારને જીવવું હરામ કરી દે છે ત્યારે ભોગ બનનાર પીડીતોએ ભય મુક્ત બની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જરૂરી વિગતો સાથે ફરીયાદ નોંધાવવી જોઈએ.
કોઈપણ નાગરિકે વ્યાજખોરોના ડરથી ગભરાવવાની જરૂર નથી, કોઈ વ્યક્તિ તમારી પાસેથી ગેરકાયદેસર વ્યાજની ઉઘરાણી કરી બળજબરીથી લખાણ કરાવતા હોય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ જેથી જરૂર પડે જેતે વિસ્તારના પોલીસ તમને મદદરૂપ થશે. પોલીસ સમક્ષ રજુઆત કર્યા બાદ તરત જ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરાશે અને જરૂર પડે પીડીતને પોલીસ રક્ષણ પુરૂ પાડવામાં આવશે જેના માટે ભોગ બનનારે પોલીસ તંત્રને સહયોગ આપવો જરૂરી છે. જિલ્લા પોલીસવડાએ મની- લોન્ડરિંગ ડ્રાઈવનો ઝડપથી અમલ થાય અને પીડીતોને ફરીયાદ નોંધાવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લાના ૧૪ પોલીસ સ્ટેશન અંતર્ગત હિંમતનગર-એ, બી, ગ્રામ્ય, ગાંભોઈ, પ્રાંતિજ, તલોદ, ઈડર, જાદર, વડાલી, ખેડબ્રહ્મા, ખેરોજ, પોશીના, વિજયનગર અને ચિઠોડા પોલીસ સ્ટેશનના સંપર્ક નંબર જાહેર કરાયા છે.
હિંમતનગર પાલિકાના પદાધિકારીઓની મુદત પૂર્ણ થતાં જતા રહયા પણ સમસ્યાઓ મુક્તા ગયા. વોર્ડ નં.૭માં ઉભરાતી ગટરોનો નિકાલ ન થતાં રહીશો તોબા. સોશ્યલ મીડીયા પર પદાધિકારીઓએ મુકેલી આભારની વિગતો હાસ્યાસ્પદ બની.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગર નગરપાલિકામાં પાંચ વર્ષ અગાઉ ચુંટાયેલા પદાધિકારીઓની ગત તા.૧૬ માર્ચના રોજ પૂર્ણ થતાં નગરપાલિકામાં વહીવટદારનું શાસન આવી ગયું છે ત્યારે મોટાભાગના વોર્ડમાંથી ચુંટાયેલા કોર્પોરેટરોએ સોશ્યલ મીડીયાના માધ્યમથી મુકેલી આભારની વિગતો હાસ્યાસ્પદ બની છે. દરમ્યાન વોર્ડ નં.૭માં આવેલ રામજી મંદિર નજીક છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોની સમસ્યાનો નિવેડો આવ્યો ન હોવાને કારણે સ્થાનિક રહીશો નર્કાગારમાં જીવી રહયા હોય તેવું લાગે છે.
હિંમતનગર પાલિકાના વોર્ડ નં.૭માં આવેલ રામજી મંદિર નજીકની ગટર છેલ્લા ગણા સમયથી ચોકઅપ થઈ ગઈ હોવાને કારણે ગંદુ પાણી રસ્તા પર વહી રહયું છે જેના લીધે આ વિસ્તારમાં કાયમી બદબુ ફેંલાય છે જોકે અગાઉ પણ રહીશોએ નગરપાલિકામાં રજુઆતો કરી હોવા છતાં અધિકારીઓ અને પદાધિકારીઓને જાણે કે કંઈ પડી નથી તેવું માને છે જયારે રહીશો રજુઆત કરવા જાય ત્યારે કેટલાક પદાધિકારીઓ અમારી મુદત પૂર્ણ થઈ ગઈ છે. તેમ કહીને રજુઆત કરનારાઓને સાંભળવાને બદલે નગરપાલિકામાં જવાનો આડકતરો ઈશારો કરી દે છે.
દરમ્યાન આગામી સમયમાં યોજાનાર નગરપાલિકાની ચુંટણીમાં વોર્ડ નં.૭ના મતદારો પણ ઉમેદવાર જયારે મત માંગવા માટે આવશે ત્યારે તેમની પાસેથી કામના હિસાબો માંગવાનું નક્કી કરી દીધુ છે. હાલ તો ગટર ઉભરાવવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશો તંત્ર દ્વારા ઝડપથી સમસ્યાનું નિવારણ થાય તેમ ઈચ્છી રહયા છે.
હિંમતનગરમાં હુડા સમાવિષ્ટ વિસ્તારોમાં બાંધકામ માટે સરકારે પરવાનગી આપી. નવ ગામના રહીશોને હવે બાંધકામની રજાચીઠ્ઠી મેળવવા કલેકટર કચેરીમાં જવું પડશે. સ્થાનિક રહીશોની મુશ્કેલી વધવાના એંધાણ.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
રાજય સરકાર દ્વારા થોડાક સમય અગાઉ હિંમતનગરમાંથી હુડા રદ કરવાનો નિર્ણય લેવાયા બાદ તાજેતરમાં ગમે તે કારણસર રાજય સરકાર દ્વારા હુડામાં સમાવિષ્ટ નવ ગામની જમીનમાં બાંધકામ કરવા માટે મંજુરી અપાઈ છે ત્યારે હવે પછી હુડામાં સમાવિષ્ટ ગામના લોકોને બાંધકામની રજાચીઠ્ઠી મેળવવા માટે કલેકટર કચેરીમાં જવું પડશે જેના લીધે બાંધકામ કરવા માંગતા મિલ્કત ધારકોને રજાચીઠ્ઠી મેળવવા માટેની કામગીરી વિલંબીત બને તેવા સંજોગો ઉભા થયા છે.
આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ થોડાક મહિના અગાઉ હિંમતનગરમાં સમાવિષ્ટ સુચિત નવ ગ્રામના રહીશોએ હુડા રદ કરવા માટે તબક્કાવાર આંદોલનો શરૂ કર્યા હતા ત્યારબાદ રાજય સરકારે તત્કાલિન સમયે હુડાનો અમલ મુલત્વી રાખવાનો નિર્ણય લીધા બાદ સુચિત નકશો પણ પાછો ખેંચી લીધો હતો જેના લીધે નવ ગામની પ્રજામાં આનંદની લાગણી પ્રસરી હતી દરમ્યાન સરકારે પણ આગામી સમયમાં યોજાનાર ચુંટણીઓ પૂર્વે સીફત પૂર્વક નિર્ણય કરીને હુડામાં સમાવિષ્ટ મિલ્કતોમાં બાંધકામ કરવા માટે મંજુરી આપી દીધી છે. જે સંદર્ભે તાજેતરમાં હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી પ્રેમલ દેસાઈ, બિપીન ઓઝા, ગણપતસિંહ ઝાલા તથા એન્જીનીયર એસોસીએશનના અગ્રણીઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની મુલાકાત લઈને હુડામાં સમાવિષ્ટ વિસ્તારોમાં બાંધકામ કરવાની મંજુરી અંગે રજુઆત કરી હતી.
ત્યારબાદ સરકાર દ્વારા મંગળવારે સત્તાવાર પરિપત્ર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સેકશન અધિકારી નિમેષ એમ.મંધરાની સહીથી બહાર પાડીને બાંધકામને મંજુરી આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. જોકે સરકારના આ પરિપત્રને કારણે અત્યાર સુધી નવ ગામની પ્રજા પોતાની મિલ્કત કે જમીન પર નવું બાંધકામ કરવું હોય તો સ્થાનિક પંચાયત પાસેથી રજાચીઠ્ઠી મેળવતી હતી પરંતુ હવે હુડામાં સમાવિષ્ટ નવ ગામની જમીનમાં નવું બાંધકામ કરવાનું થાય ત્યારે મિલ્કત ધારકે જિલ્લા કલેકટર કચેરીમાંથી રજાચીઠ્ઠી મેળવવી પડશે. ત્યારબાદ આગામી સમયમાં બાંધકામની મંજુરી અંગે કેવા પ્રત્યાઘાત પડે છે તે માટે હાલના તબક્કે રાહ જોવી હિતાવહ છે.
હિંમતનગરના રાયગઢમાંથી નકલી ઘી પકડાયું. જિલ્લા ફુડ વિભાગ દ્વારા રૂ.પ૦ હજારનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નકલી ખાદ્યચીજો, વસ્તુઓ તથા નકલી અધિકારીઓના કરતુતોમાં ખુબજ વધારો થઈ રહયો છે ત્યારે થોડાક સમય અગાઉ નકલી દૂધનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો ત્યારે સાબરકાંઠા જિલ્લા ફુડ વિભાગ દ્વારા મંગળવારે હિંમતનગર તાલુકના રાયગઢ ગામે ખાદ્યચીજોનું વેચાણ કરતાં એક વેપારીના ઘરમાંથી અંદાજે રૂ.પ૦ હજારની કિંમતનું નકલી ઘી તથા ભેળસેળ માટે વપરાતી ચીજવસ્તુઓ પકડીને પૃથ્થકરણ માટે નમુના લઈને પ્રયોગ શાળામાં મોકલાયા છે.
આ અંગે જિલ્લા ફુડ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાયગઢ ગામે રહેતા અને ફુડ બિઝનેસ ઓપરેટર તરીકે વ્યવસાય કરતાં ખુબીરામ શિવચરણલાલ શર્મા પોતાના ઘરે નકલી ઘી બનાવવાનું કારખાનું ચલાવતા હતા જે અંગે ફુડ વિભાગને મળેલી માહિતી બાદ મંગળવારે ફુડ વિભાગની ટીમે રાયગઢ જઈ ખુબીરામ શર્માના ઘરની તપાસ હાથ ધરી હતી તપાસ દરમ્યાન ઘરમાંથી રૂ.૧પ,૬૦૦નું ૩૯ કિલો રીફાઈન્ડ સોયાબીનનો જથ્થો મળી આવ્યો હતો.
તપાસ દરમ્યાન અધિકારીઓએ રૂ.૧૦,૭૮૮ની કિંમતનું પ૮ કિલો લુઝ ઘી, રૂ.૧૬,૮૦૮ની કિંમતનું ૮૮ કિલો વનસ્પતિ ઘી તથા રૂ.૬,૯૦૦ની કિંમતનો ર૩ કિલો સફેદ પાઉડર મળી અંદાજે રૂ.પ૦,૦૯૬નો મળી ર૦૮ કિલો ગ્રામ જથ્થો મળી આવતાં આ તમામ જથ્થાને સીઝ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ તેના નમુના લેવામાં આવ્યા હતા. પૃથ્થકરણના અહેવાલ બાદ ભેળસેળ કરનાર ખુબીરામ શર્મા વિરૂધ્ધ જરૂર પડે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાંથી દિવાળી અને અન્ય તહેવારો દરમ્યાન ફુડ વિભાગ દ્વારા દરોડા પાડીને શંકાસ્પદ જથ્થો પકડવામાં આવે છે ત્યારબાદ પ્રયોગ શાળામાં મોકલાયા પછી લાંબા સમય સુધી તેનો અહેવાલ આવતો નથી ત્યારે કેટલાક વેપારીઓ આવો શંકાસ્પદ જથ્થો વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે ત્યારે સરકાર દ્વારા કાયદામાં સુધારો કરીને ગુનેગારો વિરૂધ્ધ તરત જ સખ્ત કાર્યવાહી કરવાની જરૂર છે તેવું પ્રજા ઈચ્છી રહી છે.
સાબરકાંઠામાં જિલ્લા પંચાયત સહિત ૧૧ સંસ્થાઓમાં વહીવટદાર શાસન. જિલ્લા પંચાયતમાં મુદત પૂર્ણ થતા કલેક્ટર સહિત અધિકારીઓની નિમણૂક કરાઈ.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લા પંચાયત આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકામાં મંગળવારથી વહીવટદાર શાસન અમલી બન્યુ છે.આ સંસ્થાઓની મુદત પૂર્ણ થતાં વહીવટનું સુકાન સંભાળવા માટે અધિકારીઓની વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ છે.જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં વહીવટદાર તરીકે જિલ્લા કલેકટર જવાબદારી સંભાળશે.
સાબરકાંઠા જિલ્લા પંચાયત, હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, તલોદ અને પ્રાંતિજ તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. ઉપરાંત, હિંમતનગર, ઇડર અને વડાલી નગરપાલિકામાં પણ વહીવટદાર શાસન અમલમાં આવ્યુ છે. જોકે પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ માં પેટાચૂંટણી યોજાશે. સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં જિલ્લા કલેક્ટરને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પોશીના અને વિજયનગર તાલુકા પંચાયતમાં ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને જવાબદારી સોંપાઈ છે. હિંમતનગર તાલુકા પંચાયત અને હિંમતનગર નગરપાલિકા માટે હિંમતનગર પ્રાંત અધિકારીની નિમણૂક થઈ છે.તલોદ અને પ્રાંતિજ તાલુકા પંચાયતમાં પ્રાંતિજ પ્રાંત અધિકારી વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળશે. ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં સાબરકાંઠા જિલ્લા પુરવઠા અધિકારીને વહીવટદાર બનાવાયા છે. ઇડર અને વડાલી તાલુકા પંચાયત માટે ઇડર પ્રાંત અધિકારીની નિમણૂક કરાઈ છે. ઇડર નગરપાલિકામાં ઇડર મામલતદાર અને વડાલી નગરપાલિકામાં વડાલી મામલતદાર વહીવટદાર તરીકે સેવા આપશે.
