અમદાવાદ, રાજ્યમાં વાવાઝોડાની અસરના કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેને લઇ ખેડૂતો ને પારવાર નુકસાની થઈ છે. રાજ્યમાં માવઠાના કારણે મગફળી, ડાંગર, દિવેલા, કપાસ, કઠોળ અને બાગાયતી ખેતીને નુકસાની થતાં ખેડૂતો પાયમાલ થયા છે. આ સ્થિતિમાં પાક વીમા માટે નોંધણી પ્રક્રિયાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી એકવાર મહત્વનું નિવેદન આપ્યું છે હતું કે, જે ખેડૂતોએ પાક વીમો નહીં લીધો હોય અને નુકસાની થઈ હશે તેમને પણ કેન્દ્રના નિયમો મુજબ સહાયતા કરવામાં આવશે. મુખ્યમંત્રીએ ખેડૂતોને તેમના પાકની નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવાની હૈયાધારણ ફરી એકવાર ઉચ્ચારી હતી. દરમ્યાન કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ પણ રાજયમાં કમોસમી વરસાદને લઇ ખેડૂતોની ચિંતા વ્યકત કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે કેન્દ્ર સરકાર તરફથી શકય તમામ મદદ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, હાલ રાજયમાં ખેડૂતોના પાકની નુકસાની અંગે સર્વેની કામગીરી ચાલી રહી છે, જે પૂર્ણ થયા બાદ રાજય સરકાર યોગ્ય વળતર ચૂકવશે અને આ સમગ્ર મામલે કેન્દ્ર સરકાર પણ તેની રીતે જરૂરી મદદનો હાથ લંબાવશે. આ અગાઉ આજે મોરબી ખાતે એક કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે , રાજય સરકાર દિલ્હી સ્થિત વીમા કંપનીઓના સંપર્કમાં છે. પાક વીમા માટે ટોલ ફ્રી નંબર બંધ હોવાની ફરિયાદો હતી. સરકારે સરવેના અને સહાયના આદેશો આપ્યા છે. જે ખેડૂતોએ પાક વીમો નથી લીધો તેમણે ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્ર સરકારના નિયમો મુજબ તેમને સહાયતા ચુકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કહી દીધુ છે કે, ખેડૂતોના પાકના નુકસાનનો સર્વે પૂરતો અને વ્યવસ્થિત કરવામાં આવશે. ખેડૂતોના નુકસાન સામે પૂરતી સહાય કરવામાં આવશે. વીમા કંપનીને સરકારે ત્રણ દિવસથી સૂચના આપી છે. આ અંગે કેન્દ્ર સરકારથી પણ તમામ સૂચનાઓ આપવામાં આવી છે. જે પણ ખેડૂતોએ વીમો લીધો છે તેમને વળતર મળે તે માટે સીધી સૂચના અપાઇ છે. જે ખેડૂતોએ વીમો નથી લીધો તેમને પણ કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે સહાયતા મળશે.
Views: 38
Read Time:3 Minute, 3 Second