ઈડર બાયપાસ રોડ પરથી રૂા. ર.૭૯ લાખના ગાંજો, ચરસનો જથ્થો પકડાયો
એસઓજીએ હિંમતનગરના બે ઈસમને ઝડપી લીધા રૂા. પ.૭૪ લાખનો મુદ્દામાલ કબજે લીધો
૪૮ ગ્રામ હાઈબ્રીડ ગાંજો, ૩૦ ગ્રામ ચરસ તથા ૭ર૦ ગ્રામ દેશી ગાંજો પકડાયો
મહેસાણાના આનંદપુરાના શખ્સને પોલીસ શોધવા લાગી
હિંમતનગર(જીગ્નેશ સોની): સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પેડલરો નશીલા પદાથોને અન્ય સ્થળેથી લાવી હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે ખાનગીમાં તેનું વેચાણ કરીને યુવાઓની જીદંગી સાથે ખિલવાડ કરી રહ્યા છે ત્યારે બાતમીને આધારે સાબરકાંઠા એસઓજીએ ગુરૂવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઈલોલ ચોકડી, ઈડર બાયપાસ પરથી શકને આધારે હિંમતનગરના બે જણાને ઝડપી લઈ પુછપરછના અંતે આ બંને પાસેથી અલગ-અલગ પેકેટમાં રખાયેલ હાઈબ્રીડ ગાંજો, ચરસ તથા દેશી ગાંજો મળી ર.૭૯નો જથ્થો તથા ઈકો, મોબાઈલ અને રોકડ મળી અંદાજે રૂા. પ.૭૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા બંને અને ભાગી ગયેલ એક મળી ત્રણ વિરૂધ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
આ અંગે એસઓજીના પી.આઈ ડી.સી.પરમાર, પી.એસ.આઈ પી.એમ ઝાલા તથા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ રહેવરના જણાવાયા મુજબ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી ગેરકાયદે નશીલા પદાર્થોનું વેચાણ કરતા શખ્સોને ઝડપી લેવા માટે કડક કાર્યવાહી કરવાના આપેલા આદેશ બાદ સાબરકાંઠા એસઓજીએ બાતમીને આધારે ગુરૂવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઈલોલ ચોકડી, ઈડર બાયપાસ રોડ પરથી શકને આધારે બે જણાને દબોચી લીધા હતા.
ત્યારબાદ પકડાયેલા બંને જણાને કડક પુછપરછ કરતાં તેમાં હિંમતનગરના રામેશ્વર મંદિર પાસે આવેલ શારદાકૂંજ સોસાયટીના ૬૧ નંબરના મકાનમાં રહેતા સુનિલ ધર્મેન્દ્રસિંહ સોલંકી તથા સહકારીજીન વિસ્તારમાં આવેલ તપોવન સોસાયટીમાં રહેતા બળવંત ચંદુભાઈ ભાટ હોવાનું કબુલ્યું હતુ. ત્યારબાદ બંનેએ જણાવ્યું હતુ કે હાઈબ્રીડ ગાંજો, ચરસ તથા દેશી ગાંજાને અન્ય સ્થળેથી લાવી હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં વેચાણ કરવામાં આનંદપુરના જીગ્નેશ મહેશકુમાર પટેલની સંડોવણી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતુ. જોકે તે પોલીસના હાથે પકડાયો નથી.
ત્યારબાદ પોલીસે પકડાયેલા સુનિલ અને બળવંતની ઝડતી લેવાનું શરૂ કર્યું હતુ. જેમાં આ બંને પાસેથી રૂા. ૧.૬૮ લાખનો ૪૮ ગ્રામ હાઈબ્રીડ ગાંજો, રૂા. ૭પ૦૦ ની કિંમતનું ૩૦ ગ્રામ ચરસ, રૂા. ૩૬ હજારનો દેશી ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેમની પાસેની ઈકો નં. જીજે૦૯બીએન ૦૩૧૭ ને કબજે લઈ લીધી હતી. સાથોસાથ રૂા. ૬૦ હજારની કિંમતના બે મોબાઈલ, રૂા. રપ૬૦ રોકડ મળી પોલીસે અંદાજે રૂા. પ.૭૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ બંને વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
