સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અને પ્રાંતિજથી હિંમતનગર જતા નેશનલ હાઈવે પરના રસુલપુર પાસેથી બાતમીને આધારે એલસીબીએ સોમવારે એક કારના ગુપ્ત ખાનામાં સંતાડેલ રૂ.૧,૬૯,૪૨૮ની કિંમતની ૨૬૦ બોટલ વિદેશી દારૂની બોટલો મળી આવ્યા બાદ એલસીબીએ કારના ચાલકની ધરપકડ કરી રૂ.૩,૬૯,૪૨૮નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારબાદ એલસીબીએ આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધવી હતી.
આ અંગે સાબરકાંઠા એલસીબીના પી.આઈ ડી.સી.સાકરિયા તથા પીએસઆઇ રવિરાજસિંહ જાડેજાના જણાવાયા મુજબ સોમવારે તેમની ટીમ પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોસ્ટેબલ જીગ્નેશ સુરેશભાઈ ને મળેલી બાતમીના આધારે હિંમતનગરથી અમદાવાદ હાઈવે રોડ પર રસુલપુર પાટીયા નજીક એલસીબીએ વોચ ગોઠવી નાકાબંધી કરવામાં આવી હતી. બાતમી મુજબ આવી રહેલ કાર જીજે.૦૧આરડી.૭૦૬૭ હિંમતનગર તરફથી આવતા તેને અટકાવાઈ હતી. ત્યારબાદ પોલીસે કારના ચાલકની પૂછપરછ કરી તલાશી લેતાં કારના પાછળના ભાગે ડીકીમાં બનાવેલા ગુપ્તખાનામાંથી કારના અંદરના ભાગે અને એન્જિનના આગળના ભાગે બોનેટ નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની છૂટી બોટલો મળી આવી હતી. ત્યારબાદ પોલીસે રૂ.૧,૬૯,૪૨૮નો દારૂ અને કાર સહિત રૂ.૩,૬૯,૪૨૮નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને કાર ચાલક રોડસિંહ દલપતસિંહ રાઠોડ ઉંમર ૩૭, (રહે.હાલ અમદાવાદના દસકોઈ તાલુકાના કઠવાડા)ની અટકાયત કરી તેની વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવાયો હતો.