રિપોર્ટ:-જીજ્ઞેશ સોની હિંમતનગર
હિંમતનગરના મામલતદાર કચેરીમાં મહેસાણાની એસીબીની ટીમે લાંચ લેતા સર્કલ ઓફિસરને રંગે હાથે ઝડપી લેતાં લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સર્કલ ઓફિસરે અરજદાર પાસેથી ફાજલ જમીનમાં માટીકામના ખોદકામ કરવાની મંજૂરી અર્થે અભિપ્રાય આપવા માટે ૩૦ હજારની લાંચ માંગી હતી. જેથી અરજદારે આ મામલે એસીબીને ફરીયાદ કરાતાં મહેસાણા એસીબીએ છકટું ગોઠવીને સર્કલ ઓફિસરને ઝડપી લીધા છે.
સાબરકાંઠા જિલ્લામાં ભ્રષ્ટાચારી અધિકારીઓથી પ્રજા ત્રસ્ત છે, વજન વગર કોઈ પણ કામ થતાં નથી અને કોઈ પણ ડર વગર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ખુલ્લેઆમ લાંચની રકમ માંગી રહ્યા હોવાની અનેક ફરીયાદો સામે આવતી રહે છે. દરમ્યાન મહેસાણા એસીબીના પીઆઇ સુખદેવસિંહ ચાવડાને અરજદારે ફરીયાદ કરતાં આજે મહેસાણા એસીબીની ટીમે હિંમતનગર મામલતદાર કચેરીમાં સવારથી ધામા નાખ્યા હતા અને છટકું ગોઠવી હતું. જે દરમિયાન મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર જીતેન્દ્રકુમાર રમેશચંદ્ર પટેલ (જે.આર. પટેલ) ૩૦ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા હતા. જેથી મહેસાણા એસીબીની ટીમે લાંચિયા અધિકારી જે.આર.પટેલને અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.






