
વડોદરામાં થયેલા ગંભીર કાર અકસ્માતના આરોપી રક્ષિત ચોરસિયાને જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યો, ત્યારે તે લંગડાતો જોવા મળ્યો હતો. તે પોતાના બંને પગે સામાન્ય રીતે ચાલી શકતો ન હતો. રક્ષિત ઘટનાસ્થળે હાજર લોકોની વચ્ચે પશ્ચાતાપ વ્યક્ત કરતો અને માફી માગતો પણ દેખાયો હતો.
આ અકસ્માત અંગે વધુ વિગતો આપતાં વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કોમારે જણાવ્યું કે પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમે ઘટનાસ્થળેથી મહત્વના પુરાવાઓ એકત્રિત કર્યા છે. આ ઉપરાંત ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે.
પોલીસ કમિશનરે એ પણ જાહેર કર્યું છે કે આરોપી ડ્રાઇવર રક્ષિત ચોરસિયા એલએલબીનો વિદ્યાર્થી છે. અકસ્માત સમયે તેની સાથે કારમાં પ્રાંશુ ચૌહાણ નામનો એક અન્ય વ્યક્તિ પણ હતો. ઘટના સમયે આરોપીઓ નશાની હાલતમાં હતા કે નહીં તે જાણવા માટે તેમના લોહીના નમૂના લેવામાં આવ્યા છે.