
રિપોર્ટ:- જીજ્ઞેશ સોની હિંમતનગર
હાઈવે ઓર્થોરીટીના અધિકારીઓએ હિંમતનગરના પીપલોદીના ગ્રામજનોને અને હિંમતનગર નગરપાલિકાને સાંભળ્યા,સહકારી જીન ઓવરબ્રિજના કામગીરીની મુલાકાત લીધી .
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે નં.૪૮ પર પ્રાંતિજ રસુલપુર, હિંમતનગરના પીપલોદી તથા અરવલ્લીના ગદાદર કંપા ગામના લોકોને હાઈવે પરથી અવર જવર કરવા માટે પડી રહેલી મુશ્કેલી તથા અકસ્માતના બનાવો વધી રહયા છે.જેને લઈને સાબરકાંઠા-અરવલ્લીના સાંસદે લોકસભામાં કરેલી રજુઆત બાદ આજે હાઈવે ઓર્થોરીટીના અધિકારીએ પ્રાંતિજના રસુલપુર બાદ હિંમતનગરના પીપલોદી ગામની મુલાકાત ગ્રામજનોને સાંભળ્યા બાદ હિંમતનગરના મોતીપુરા ખાતે પહોચી પાલિકાના ચીફ ઓફિસર,પ્રમુખ સહીત હોદ્દેદારોને સાંભળ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે તાજેતરમાં લોકસભાનું શિયાળુ સત્ર ચાલતુ હતુ ત્યારે સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે નંબર ૪૮ પર પ્રાંતિજ તાલુકાના રસુલપુર, હિંમતનગર તાલુકાના પીપલોદી, મોતીપુરા સર્કલ , સરવણા , સહકારી બ્રિજ , ગાંભોઈ, કેશરપુરા, અને ભિલોડા તાલુકાના ગડાદર કંપા પાસે અંન્ડર પાસ બને તે માટેની સાંસદે ધારદાર રજુઆત કરી હતી.ત્યારબાદ મંગળવારે નેશનલ હાઈવે ઓર્થોરીટીના અધિકારીઓએ સાંસદ તથા સંલગ્ન વિસ્તારના અગ્રણીઓને સાથે રાખી પ્રાંતિજ થી શામળાજી સુધી સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી.
જેના ભાગરૂપે હિંમતનગર તાલુકાના પીપલોદી ગામના લોકો સાથે અધિકારીઓ તથા સાંસદે સંવાદ કરી તેમની આપવીતી અંગે જાણકારી મેળવી હતી.ત્યારબાદ આ અધિકારીએ સાંસદ સાથે વાતચીત કરી જરૂરી વિગતો તૈયાર કર્યા બાદ દિલ્હી સ્થિત હાઈવે ઓર્થોરીટીના ઉચ્ચ અધિકારીઓ અહેવાલ મોકલી આપવાની હૈયાધારણ આપી હતી.આ ઉપરાંત હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઈવેની આસપાસમાંથી નગરપાલિકાની રોડ, ગટર અને પાણીની લાઈનોમાં વારંવાર થતાં લીકેજને બંધ કરવા માટે ગણી વખત રોડનું ખોદકામ કરવું પડે છે. જે બદલ હાઈવે ઓર્થોરીટીના અધિકારીએ પણ હિંમતનગર પાલિકાના ચીફ ઓફિસર,પ્રમુખ તથા વિવિધ સમિતિના ચેરમેન અને સદસ્યો સાથે વિભાગના વડા ઓ સાથે વાતચીત કરીને તેમની રજુઆતો સાંભળી હતી અને જરૂરી વિગતો મેળવી હતી.
સાબરડેરી થી સહકારી જીન સુધી નવીન વિસ્તાર ભેળવવાનો છે તે અંતર્ગત નવિન પાણીના નિકાલ માટે સાત ડક મુકવા માટે ની પણ ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત જીઆઇડીસી માં ભરાતા ગટરના પાણીને લઈને તૂટેલી પાઈપ લાઈન તાત્કાલિક રીપેર કરવા માટેની જરૂરી કાર્યવાહી કરવા નેશનલ હાઈવેને સુચન કરાયું છે.
હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં બનતો ઓવરબ્રિજની કામગીરી અંતિમ તબક્કામાં છે જે કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે આ કામગીરીનું નિરીક્ષણ પણ સ્થળ પર પહોચીને કર્યું હતું અને કહ્યું હતું કે આ રોડનું નિર્માણકાર્ય પૂર્ણ થશે ત્યારે આજુ બાજુના વિસ્તારના લોકોને પરિવહન માં સુગમતા વધશે.તો ઓવરબ્રિજની શરૂઆતથી પણ ટ્રાફિકમાં રાહત થશે.