
જૂની ફાટેલી નોટો પણ ગ્રાહકો કોઇપણ બેન્કમાં જમા કરાવી શકે છે
ગાંધીનગર
બેન્કમાં ખાતું ખોલાવવું એટલે એવી જફાનું કામ છે કે ગ્રાહક ધક્કા ખાઈને થાકી જાય છે અને આખરે ખાતુ ખોલવાનું માંડી વાળે છે પરંતુ ગ્રાહકોને તેમના અધિકારની જાણકારી નહીં હોવાથી બેન્ક
ઓફિસરો પોતાની મનમાની કરીને ગ્રાહકોને પરેશાન કરે છે. કોરોના સંક્રમણ પછી તો ગ્રાહકો જાણે કે દેવાદાર હોય તે રીતે બેન્કનો સ્ટાફ તેમની સાથે વર્તન કરે છે. હાલના સમયમાં બેન્કમાં ખાતું ખોલવાનું એક ચેલેન્જ છે. બેન્ક ઓફિસરો સાથે એટલા ડોક્યુમેટ માગવામાં આવે છે કે લોકો ખાતું ખોલવાનું ટાળે છે. જો કે બેન્કિંગ કોડ્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ બોર્ડ ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોને કેટલાક અધિકાર આપ્યા છે. આ અધિકાર અંગે રાજ્યના નાણાં વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે જો કોઈ બેન્ક કર્મચારી કે મેનેજર ખાતું ખોલવા માટે પરેશાન કરે અથવા સર્વિસ આપે નહીં તો તમે તેમની સામે ફરિયાદ કરી શકો છો.
બેન્કો શું કરે છે અને તમને ક્યા અધિકાર છે
૧. બીએસબીડી એટલે કે બેઝિક ખાતું ખોલવાનો પ્રત્યેક વ્યક્તિને અધિકાર છે. એક ફોટો અને બેન્કનું ખાતું ખોલવાનું ફોર્મ ભરીને ખાતું ખોલી શકાય છે.
૨. બેન્કો માટે જરૂરી છે કે તે ડિપોઝિટ ખાતાની શરતોની જાણકારી ગ્રાહકોને ખાતું ખોલતી સમયે આપે. જો બેન્ક તેવું કરતી નથી તો તમે ફરિયાદ કરી શકો છો.
૩. બીએસબીડી ખાતામાં જો શૂન્ય રકમ હોય તો પણ બેન્ક તમારું ખાતું બંધ કરી શકતી નથી. આ સાથે મિનિમમ બેલેન્સ ન હોય તો કોઈ પેનલ્ટી નાંખવાનો બેન્કને અધિકાર નથી.
૪. બેન્ક ખાતાને બીજીવાર ચાલુ કરવા માટે બેન્ક તમારી પાસેથી કોઇ ફી લઈ શકે નહીં. જો લેતી હોય તો તે ખોટી બાબત છે.
૫. તમારી પાસે ફાટેલી કે જૂની નોટ આવી ગઈ હોય તો તમે બેન્કની કોઈપણ શાખામાં જમા કરાવી શકો છે. બેન્ક નોટ બદલવાનો ઈન્કાર કરી શકે નહીં. જો કરે તો તમે ફરિયાદ કરી શકો છો.
૬. બેન્કની સેવાથી સંતોષ નથી તો તમે બેન્કના શાખા અધિકારી અથવા તો ટોલનંબર પર ફરિયાદ કરી શકો છો. પ્રત્યેક બેન્કમાં ફરિયાદ સાંભળવા માટે અધિકારી મોજૂદ હોય છે.
૭. સિનિયર સિટીઝન અને વિકલાંગ વ્યક્તિને એક અલગ જગ્યાએ તમામ સુવિધાઓ આપવી બેન્ક માટે જરૂરી છે.
૮. કોઈપણ વ્યક્તિ કોઈપણ બેન્ક સાથે જોડાયેલો હોય તેને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફરથી ૫૦,૦૦૦ રૂપિયા સુધીની રકમ અન્ય બેન્ક ખાતામાં જમા કરવાનો અધિકાર છે. તેના માટે બેન્કમાં ખાતું હોવું જરૂરી નથી.
૯. ચેક કલેક્શનમાં બેન્ક તરફથી સમયસર કામ ન થાય તો ગ્રાહકને વિલંબિત ચૂકવણીનો લાભ આપવા બેન્ક બંધાયેલી છે. સાધારણ વ્યાજદર ગ્રાહકને આપવો પડે છે.
૧૦. જો કોઈ ગ્રાહક બેન્કમાંથી લોન લે છે અને તેના માટે સિક્યોરિટી આપે છે તો આ મામલામાં ૧૫ દિવસમાં સિક્યોરિટી ડિપોઝીટ પરત મળવી જોઇએ. બેન્ક જો ઈન્કાર કરે તો તેની સામે ફરિયાદ કરી શકાય છે.
આટલા નિયમોને સમજીને કોઈપણ ગ્રાહક બેન્ક કર્મચારી કે ઓફિસરને વિનંતી કે આદેશ કરી શકે છે, કારણ કે બેન્ક એ ગ્રાહકો વડે ચાલતી સંસ્થા છે. બેન્કના સ્ટાફે ગ્રાહકોને સંતોષજનક જવાબ આપવો પડે છે. જો ન આપે તો કોઈપણ ગ્રાહક બેન્ક કે તેના સ્ટાફ સામે ફરિયાદ કરી શકે છે.