
અમદાવાદ: અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં લુખ્ખાઓએ જાહેર રસ્તા પર હથિયાર લઈ આતંક મચાવ્યો હોવાના વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી છે. ઘટનાસ્થળ પર પહોંચેલા પોલીસકર્મીઓને પણ લુખ્ખાઓએ ધક્કો મારી પોલીસવાહનમાં બેસાડી દેતા હોવાના વીડિયો સામે આવ્યા છે. પોલીસની હાજરી ન હોય અને લુખ્ખાઓ મનપડે એ રીતે વર્તે એ તો સમજી શકાય, પરંતુ પોલીસની હાજરીમાં પણ બેફામ વર્તન કરતા હોવાનો વીડિયો વાઈરલ થતાં સવાલો ઊઠ્યા છે. આ મામલે બે પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધી એક શખસની અટકાયત કરી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.રખિયાલના ગરીબનગર પાસે અસામાજિક તત્ત્વોએ તલવાર અને અન્ય હથિયાર હાથમાં રાખીને ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. રખિયાલ નૂર હોટલથી શરૂ થયેલી માથાકૂટ બાપુનગર પોલીસની હદ સુધી પહોંચી હતી. રખિયાલમાં આતંક મચાવનાર ટોળકીએ બાપુનગરમાં પણ જાહેરમાં હથિયાર વડે આતંક મચાવ્યો હતો. પોલીસની ગાડી પહોંચતાં અસામાજિક તત્ત્વોએ પોલીસકર્મીને હથિયાર બતાવી ગાડીમાં બેસી જવા ઈશારો કરી જબરદસ્તી ગાડીમાં બેસાડ્યા હતા. એટલું જ નહિ, પોલીસની ગાડીમાં પણ હથિયાર વડે તોડફોડ કરી હતી. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ રાતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ મામલે બાપુનગર પોલીસે એક અને રખિયાલ પોલીસે એક ફરિયાદ નોધી છે. રખિયાલ પોલીસે સમીર ઉર્ફે ચીકા મહેબૂબ મિયા શેખ નામના આરોપીની ધરપકડ પણ કરી છે, જ્યારે અન્ય ફરાર શખસોની શોધખોળ હાથ ધરી છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં ગાંધીનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પોલીસકર્મીઓને જે દંડો આપવામાં આવ્યો છે એનો ગુનેગાર સામે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવો જોઈએ, પરંતુ હાલ જે વીડિયો વાઈરલ થયો છે એમાં તો લુખ્ખાઓ સામે પોલીસકર્મી જ દૂર ખસતા જોવા મળી રહ્યા છે.