એક જ દિવસમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
અમદાવાદ
કાગડાપીઠ પછી એલિસબ્રિજ પીઆઇને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નેહરુનગર વિસ્તારમાં એક વ્યક્તિ પર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં તપાસમાં નબળી કામગીરી હોવાનું જાણવા મળતા શહેર પોલીસ કમિશનરે તાત્કાલિક એલિસબ્રિજ પીઆઈ બી. ડી. ઝીલરિયાને પણ સસ્પેન્ડ કરી દીધા. એક દિવસમાં બે પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરાતા અમદાવાદ શહેરમાં ગુનેગારોને મદદ કરતા પોલીસ કર્મચારીઓમાં ફાફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતમાં દિવસે ને દિવસે હત્યાના બનાવોમાં સતત વધારો થતાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયાની અંદર ગુજરાતમાં હત્યાના 7 બનાવ નોંધાયા છે. ગુનેગારોને પોલીસનો ડર નથી એ રીતે જાહેરમાં હત્યા કરતાં સહેજ પણ ખચકાતા નથી. તાજેતરમાં જ અમદાવાદના ન્યૂ ક્લોથ માર્કેટ આગળ મોડીરાતે કાગડાપીઠ પોલીસ સ્ટેશનથી થોડે દૂર કુખ્યાત બૂટલેગર અને તેની ગેંગે બે યુવકને જાહેરમાં તલવાર તેમજ હથિયારના ઘા ઝીંકી દીધા હતા, જેમાં એકનું મોત થયું હતું, જ્યારે બીજો ગંભીર હાલતમાં છે. હુમલો થયા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ટૂ-વ્હીલરને પણ આગચંપી કરી હતી. મોડીરાતે સર્જાયેલા હત્યાકાંડ બાદ કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં એ માટે પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી હતી ત્યારે કાગઠાપીઠના PI એસ.એ.પટેલે બાંહધરી આપતો પત્ર લખ્યો કે હું રહીશ ત્યાં સુધી અહીં દારૂ વેચાશે નહીં અને આ લેટર જેવો જ સામે આવ્યો કે તરત જ PIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. અગાઉ પણ અનેક વિવાદોમાં આવેલા પોલીસ-ઇન્સ્પેક્ટર એસ.એ. પટેલની સામે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. PIએ આપેલી બાંહધરી પરથી વિસ્તારમાં અગાઉ દારૂ વેચતો હતો કે કેમ એ અંગે સવાલ ઊભા થયા છે.
‘જિજ્ઞેશ તેના મિત્રો સાથે અલ્પેશ પર હુમલો કરવા આવવાના છે’
કાંકરિયા રોડ પર આવેલા કર્ણમુક્તેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા કવન ઠાકોરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જિજ્ઞેશ શર્મા (રહે, ઘોડાસર), વિશાલ ચુનારા, વિક્કી ચુનારા અને વિરાજ ઉર્ફે બિલ્લો ચુનારા (તમામ રહે, કંટોડિયાવાસ રાયપુર) વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. કવન પરિવાર સાથે રહે છે અને ઘંટાકર્ણ માર્કેટમાં શ્રીગણેશ વોટર્સ નામથી મિનરલ વોટર સપ્લાય કરવાનો ધંધો કરે છે. ગઇકાલે કવન રાતે તેના મિત્રો દિનેશ ઠાકોર, જતિન ઠાકોર, મનીષ ઠાકોર, અલ્પેશ ઠાકોર, મહેશ સાથે જયેન્દ્રપંડિતનગર પાસે બેઠો હતો. ત્યારે 11 વાગ્યાની આસપાસ કવનના ભાણેજ કિશનનો ફોન આવ્યો હતો. કિશને ફોન પર કહ્યું હતું કે ગઇકાલે અલ્પેશ શર્માએ અજાણ્યા શખસો વિરુદ્ધ મારામારીની ફરિયાદ કરી હતી. એની અદાવત રાખીને જિજ્ઞેશ, વિશાલ, વિરાજ, વિક્કી સહિતના લોકો હાથમાં તલવાર સહિતનાં હથિયારો લઇને અલ્પેશ પર હુમલો કરવા આવવાના છે, તો તમે અલ્પેશને આ બાબતે જાણ કરી દેજો.
તલવાર અલ્પેશના માથામાં મારી દીધી
કવને તરત જ તેના મિત્ર અલ્પેશને આ બાબતની જાણ કરી દીધી હતી. અલ્પેશ કવનની ફોઇનો દીકરો થાય છે અને મિત્ર પણ છે. અલ્પેશ અને મહેશ બન્ને પોતાનાં ઘર તરફ જવા માટે નીકળ્યા હતા ત્યારે એકાએક બૂમાબૂમ થવા લાગી હતી, જેથી કવન, દિનેશ, જતિન, મનીષ દોડતાં દોડતાં જોગણી માતાના મંદિર પાસે પહોંચી ગયા હતા. ત્યારે અલ્પેશ અને મહેશ લોહીથી લથબથ હાલતમાં જમીન પર પડ્યા હતા. તેમને જોઈ કવન અને તેના મિત્રોએ અલ્પેશ અને મહેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ અલ્પેશને મૃત જાહેર કર્યો હતો, જ્યારે મહેશની સારવાર ચાલુ છે. મહેશે આ મામલે કવનને જણાવ્યું હતું કે જિજ્ઞેશ શર્મા, વિક્કી સહિતના લોકો આવ્યા હતા અને હુમલો કરી દીધો હતો. જિજ્ઞેશ અને વિક્કીના હાથમાં તલવાર હતી, જે અલ્પેશના માથામાં મારી દીધી હતી. જ્યારે મારા ખભા પર મારી હતી. આ સિવાય વિશાલ અને વિરાજે પણ લોંખડનાં હથિયાર વડે હુમલો કર્યો હતો.
ઉશ્કેરાયેલા ટોળાએ ટૂ-વ્હીલર સળગાવ્યું
જિજ્ઞેશ સહિતના લોકો અલ્પેશ અને મહેશ પર હુમલો કરીને જતા રહ્યા ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ ટૂ-વ્હીલરને આગ લગાવી હતી. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, જિજ્ઞેશ સહિતના લોકો હુમલો કરી રહ્યા હતા ત્યારે કવન તેના મિત્રો સાથે દોડી આવ્યો હતો. ટોળાને જોતાંની સાથે જ જિજ્ઞેશ અને તેના સાગરીતો નાસી ગયા હતા. જિજ્ઞેશ અને તેની ગેંગ પોતાનું વાહન ભૂલી જતાં ટોળાએ તેના વાહનમાં આગચંપી કરી હતી. ઘટનાની જાણ સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે જિજ્ઞેશ, વિક્કી, વિશાલ અને વિરાજ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હત્યારાઓ નામચીન બૂટલેગર
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, કાગડાપીઠ વિસ્તારમાં જિજ્ઞેશ શર્મા દારૂનો ધંધો કરે છે. જિજ્ઞેશ શર્મા નાના-મોટા બૂટલેગરોને દારૂ પૂરો પાડે છે અને તેની જાણ સ્થાનિક પોલીસને પણ છે. જિજ્ઞેશ શર્મા તેમજ વિશાલ, વિરાજ અને વિક્કી પણ દારૂના ધંધા સાથે સંકળાયેલા છે. ગઇકાલે જૂની અદાવતને ધ્યાનમાં રાખીને જિજ્ઞેશે હુમલો કરી દીધો હતો, જેમાં અલ્પેશનું મોત થયું છે.
મોડીરાતે મિત્રો સાથે મળી હત્યા કરી નાખી
દરમિયાન જિજ્ઞેશના બે મિત્રો દોડી આવ્યા હતા અને અલ્પેશ પર હુમલો કરી દીધો હતો. અલ્પેશને માથામાં પાઇપ મારી દેતાં તેને લોહી નીકળવા લાગ્યું હતું, જેથી તે દોડીને ભાગી ગયો હતો. અલ્પેશે આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જિજ્ઞેશ શર્મા સહિતના લોકો પર હુમલાની ફરિયાદ કરી હતી. જિજ્ઞેશ વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાની જાણ થતાંની સાથે જ તેણે અલ્પેશ પર હુમલો કરવાનો પ્લાન કરી નાખ્યો હતો અને મોડીરાતે મિત્રો સાથે તેની હત્યા કરી નાખી હતી.
કોંગ્રેસના સરકાર પર પ્રહાર
ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વધતા જતા ખૂન, હત્યા-ઘાડ, ખંડણી સહિતના ગંભીર ગુન્હાઓ માટે ભાજપ સરકારની ઢીલી નિતિ જવાબદાર છે. અસામાજિક તત્વો–બુટલેગરોને પોલીસ તંત્ર-કાયદાનો ડર રહ્યો નથી. ધોળા દિવસે હત્યાને અંજામ આપનારાઓ ખુલ્લેઆમ ખેલ ખેલી રહ્યાં છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કહેનાર ગૃહમંત્રી જવાબ આપે કોના માટે કાયદો અને કોના માટે ફાયદો છે. કાયદાના રક્ષકના જીવ જોખમમાં મૂકાય છે અને ફાયદો બુટલેગરોને થઈ રહ્યો છે. પોલીસ જ સલામત નથી તો તે જનતાને કંઈ રીતે રક્ષણ આપશે?, રાજકીય આશ્રય અને ભ્રષ્ટાચારના કારણે બુટલેગરને કોઈનો ડર રહ્યો નથી. જે ગામમાં દૂધના ટેન્કર ફરતા હતા ત્યાં હવે દારૂના ટેન્કરો ઠલવાઈ રહ્યા છે. સરકાર બૂટલેગરો સામે ડકડ કાર્યવાહી કરે તેવી માગ કરવામાં આવી છે.
અઠવાડિયામાં નોંધાયેલા હત્યાના ગુનાઓ
ચાંદખેડામાં ગાડી ધીમે ચલાવવા મુદ્દે છરી મારી તો અમદાવાદમાં ભત્રીજાએ કાકાની સોપારી આપતાં નહેરુનગરમાં શાકભાજીના વેપારી પર ફાયરિંગ કરી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. બોપલમાં પણ 65 લાખ રૂપિયાની લેતીદેતીમાં ઝઘડો થયો અને આરોપીએ સિનિયર સિટિઝનને માથામાં પાઇપ મારી દેતાં તેનું મોત થયું હતું. સુરતમાં પણ હત્યારાઓએ માઝા મૂકી હોય એમ કતારગામમાં મોબાઇલ સ્નેચિંગના આરોપીને તેના જ મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધાનો બનાવ બન્યાના 7 દિવસમાં અન્ય એક હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં ગાડી સાઈડમાં કરવા બાબતે માથાકૂટ બાદ BOBના પ્યૂન પર પિકઅપ વાન ચડાવી હત્યા નીપજાવામાં આવી હતી. હત્યાના ગુનામાં વડોદરા પણ બાકાત રહ્યું નથી. વડોદરામાં પણ શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા)ના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરી દેવાતાં ચકચાર મચી છે. પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખસે પોલીસની હાજરીમાં જ છરીથી હુમલો કરી હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે.