રિપોર્ટર:- જીજ્ઞેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર શુક્રવારે રાત્રે 200 જેટલા દિવ્યાંગ બાળકો સાથે પોલીસ પરિવારે પણ ફટાકડા ફોડ્યા,ગરબે ઘૂમ્યા અને દિવ્યાંગો સાથે ભોજન લીધું હતું.આમ અનોખી પ્રી દિવાળી ઉજવી હતી.
હિંમતનગરમાં જી.આઇ.ડી.સી. માં આવેલ મંદ બુદ્ધિ સંસ્થાના બાળકો,મમતા સંસ્થા અને શહેરના કેનાલ પાસેના સ્લમ વિસ્તારના બાળકો સાથે શુક્રવારે રાત્રે હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પ્રી દિવાળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં દિવ્યાંગ સહિતના તમામ બાળકોને પોલીસ વાહનમાં પરેડ ગ્રાઉન્ડ પર લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇન્ચાર્જ એસ.પી. સ્મિત ગોહિલ,હેડ ક્વાટર્સ ડી.વાય.એસપી. પાયલ સોમેશ્વર, એલ.સી.બી પી.આઇ કરંગીયાની ઉપસ્થિતિમાં તમામ બાળકોને દિવાળી પર્વ વિશેની જાણકારી ફટાકડા ફોડતી વખતે શું તકેદારી રાખવી તેની સમજ આપીને ફટાકડા અને શૈક્ષણિક કીટ દિવ્યાંગ બાળકોને ભેટ આપવામાં આવી હતી.ત્યારબાદ સૌએ ફટાકડા ફોડીને દિવ્યાંગો સાથે પોલીસ પરિવાર પણ જોડાયો હતો. દિવ્યાંગ બાળકો પોલીસ પરિવાર સાથે ગરબે ઘૂમ્યા હતા. ઉજવણી પૂર્ણ કર્યા બાદ તમામે સાથે ભોજન લીધું હતું. પોલીસ પરિવાર દ્વારા દિવ્યાંગ બાળકો સાથે દિવાળીની અનોખી રીતે ઉજવણી કરી હતી.આ ઉજવણીમાં હિંમતનગર બી ડિવિઝન P.I આર.ટી.ઉદાવત,એ ડિવિઝન P.I પી.એમ.ચૌધરી સહિત એલ.સી.બી,એસ.ઓ.જી અને હેડક્વાર્ટસ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગ બાળકો સાથે પ્રી દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી હતી. પોલીસની આ કામગીરીને જિલ્લાવાસીઓએ બિરદાવી હતી.