
ATS Gujaratના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એલ. ચૌધરીનાઓને ગુપ્ત માહિતી મળેલ કે, મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે રહેતા અમીત ચતુર્વેદી તથા નાસીક, મહારાષ્ટ્ર ખાતે રહેતા સનયાલ બાને નામના ઈસમો એકબીજાના મેળાપીપણામાં ભોપાલના બગરોડા GIDC ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે મેન્યુફેક્ચરીંગ યુનીટની આડમાં ગેરકાયદેસર પદાર્થ માદક પદાર્થ મેફેડ્રોન (MD) બનાવી વેચાણ કરે છે.
ઉપરોક્ત માહિતી અંગે તેઓએ ગુજરાત એ.ટી.એસ.ના વરીષ્ઠ પોલીસ અધિકારીશ્રીઓને જાણ કરી આ માહિતીને પો.વા.સ.ઈ. શ્રી આર. સી. વઢવાણાનાઓ મારફતે ટેકનીકલ રીસોર્સીસ દ્વારા ડેવલોપ કરાવી તથા હ્યુમન રીસોર્સીસ દ્વારા ખરાઈ કરાવી તથા ચોક્કસ ઈન્ટેલીજન્સને આધારે ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એલ.ચૌધરીનાઓના નેતૃત્વ હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી શ્રી બી.એમ. પટેલ, પો.સ.ઈ શ્રી એ.આર. ચૌધરી, શ્રી એમ.એન. પટેલ તથા પો.વા.સ.ઈ. શ્રી ડી.એસ. ચૌધરી તથા સ્ટાફના માણસો અને NCB (ઓપ્સ.) દિલ્હીની ટીમ દ્વારા તા. 09/06/2024ના રોજ ભોપાલ, મધ્યપ્રદેશના આઉટસ્કર્ટમાં આવેલ બગરોડા GIDC ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે ઉપરોક્ત બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ. જે દરમ્યાન માદક પદાર્થ મેફેડ્રોન (MD) બનાવવા માટેની પ્રોસેસ ચાલુમાં હોવાનું ખૂલવા પામેલ. જે સર્ચ દરમ્યાન કુલ 907.09 kg મેફેડ્રોન (સોલીડ તથા લીક્વીડ) મળી આવેલ, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂ. 1814.18 કરોડની થાય છે. આ ઉપરાંત ઉપરોત રેડ દરમ્યાન 400 KG 2 બ્રોમો 4 મીથાઈલ પ્રોપીયોફીનોન, 1800 KG મોનો મીથાઈલ એમાઈન, 1000 KG એસીટોન, 800 KG ટોલ્યુઈન, 800 KG એચ.સી.એલ.તથા અન્ય રો-મટીરીયલ અને મેફેડ્રોન (MD) ઉત્પાદન માટે ઉપયોગમા લીધેલ ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર વગેરે એપરેટસ મળી આવેલ. જે તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.
આ રેડ દરમ્યાન નીચે મુજબના ઈસમોને પકડી પાડવામાં આવેલ છે.
1. અમીત પ્રકાશચંદ્ર ચતુર્વેદી, ઉ.વ. 57 વર્ષ, રહે. કોટરા સુલ્તાનાબાદ રોડ, હુઝુર,ભોપાલ, મધ્યપ્રદેશ
2. સનયાલ પ્રકાશ બાને, ઉ.વ. 40, રહે. પ્રભુ એટલાન્ટીસ, નાસીક-ગંગાપુર રોડ, નાસીક, મહારાષ્ટ્ર
ઉપરોક્ત પકડાયેલ ઈસમોની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ છે કે, પકડાયેલ આરોપી સનયાલ પ્રકાશ બાને આ અગાઉ વર્ષ 2017માં અંબોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1- kg મેફેડ્રોન (MD) સીઝર કેસમાં પકડાયેલ અને 5 વર્ષ જેલમાં રહેલ. જેલમાંથી છૂટ્યા બાદ તેણે સહ આરોપી અમીત ચતુર્વેદી સાથે મળી એક-બીજાના મેળાપીપણામાં ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ના ઉત્પાદન અને વેચાણ દ્વારા મોટા પ્રમાણમાં નાણાંકીય લાભ મેળવવાનો પ્લાન બનાવેલ. જે મુજબ તેઓએ ભોપાલના બગરોડા GIDC ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે 6-7 મહિના અગાઉ એક શેડ ભાડે લઈ તેમાં 3-4 મહિનાથી ગેરકાયદેસર મેફેડ્રોન (MD) તૈયાર કરવા રો- મટીરીયલ, સાધન-સામગ્રી એકત્રિત કરેલ હતી અને કેમીકલ પ્રોસેસ અને વેચાણ શરૂ કરેલ हतुं.

અંદાજિત 2500 વારની જગ્યાવાળા શેડમાં ચાલી રહેલ ઉપરોક્ત પકડાયેલ ફેક્ટરી ATS Gujarat દ્વારા આજ દિન સુધી પકડવામાં આવેલ ગેરકાયદેસર ફેક્ટરીઓ પૈકી સૌથી મોટી હોવાનું ખૂલવા પામેલ છે, જે 5-7 દિવસમાં અંદાજિત 40-50 kg મેફેડ્રોન (MD) ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.
પકડાયેલ આરોપીઓ આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં કેટલા સમયથી સામેલ હતા અને તેઓએ ગેરકાયદેસર રીતે બનાવેલ માદક પદાર્થ મેફેડ્રોન (MD) કઈ-કઈ જગ્યાએ તથા કોને વેચાણ કરેલ હતો અને એ માટે તેઓને નાણા કઈ રીતે મળતા હતા તથા આ નાર્કોટીક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઈ-કઈ વ્યક્તિ સામેલ છે એ અંગે સઘન તપાસ ચાલુમાં છે.