– ટ્રકમાં લાકડાના રેકમાં 725 પેટી છુપાવી હતી
– ગોવાથી દારૂ ભરેલો ટ્રક લાવી હોટેલના પાર્કિંગમાં ઉભો હતો, ડ્રાઈવર સહિત બે સામે ગુનો દાખલ
આણંદ : નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલા વાસદ ટોલનાકા નજીક અમદાવાદથી વડોદરા તરફ જતાં માર્ગ ઉપર આવેલી એક હોટલના પાર્કિંગમાંથી લાકડાના રેકમાં પેક કરી લવાયેલા વિદેશી દારૂના ક્વાર્ટરિયાની ૭૨૫ પેટી સાથે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આયસર ટ્રકચાલકને ઝડપી પાડયો હતો. પોલીસે કુલ રૂા.૪૪.૮૦ લાખનો મુદ્દામાલ કબજે લઈ ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાસદ ટોલનાકા નજીક અમદાવાદથી વડોદરા તરફ જવાના માર્ગ ઉપર આવેલી હરીઓમ દાલબાટી નામની હોટલના પાર્કિંગમાં એક આયસર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હોવાની અને આયસરનો ચાલક કોઈની રાહ જોઈને ઉભો હોવાની બાતમી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ તુરંત જ બાતમીવાળા સ્થળે દોડી ગઈ હતી અને બાતમીમાં વર્ણવ્યા મુજબની આયસર ટ્રક પાર્કિંગમાં પડેલી હોઈ તેના ચાલકને ઝડપી પાડી તેના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે વિકાસ મહેન્દ્રસિંહ જાટ (રહે.સૈદપુર, હુસેનપુર, ગાજીયાબાદ, યુપી) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેની વધુ પુછપરછ કરતા આયસર ટ્રકમાં લાકડાના રેક(કાર્ટુનો)માં કન્વેટર અને અન્ય સામાન ભર્યો હોવાનું જણાવી તે અંગેની બે બિલ્ટીઓ રજૂ કરી હતી. પોલીસે શંકાના આધારે આયસરના પાછળના ભાગે તલાશી લેતા લાકડાના રેક કે જેને પ્લાસ્ટીકથી સીલ કરવામાં આવ્યા હતા તે ખોલીને જોતાં અંદરથી વિદેશી દારૂના ક્વાર્ટરીયાની પેટીઓ મળી આવી હતી.
પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરવા અંગેના લાયસન્સની માંગણી કરતા ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચાલકની અંગજડતી લેતા એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂના ક્વાર્ટરીયાની ૭૨૫ પેટી અંદાજિત કિંમત રૂા.૩૪.૮૦ લાખ, આયસર તેમજ મોબાઈલ મળી કુલ રૂા.૪૪,૮૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ચાલકની વધુ પુછપરછ કરતા તેના ગામના જ રીન્કુ ગજેન્દ્રસિંહ જાટે ઈદ્રીશખાન હનીફખાન પઠાણ (મૂળ રહે. ઈન્દોર બેટ, હાલ રહે. ધૂલે, મહારાષ્ટ્ર)નો સંપર્ક કરાવી વિદેશી દારૂની ગાડી ભરવા માટે ગોવા મોકલ્યો હોવાનું અને ગોવા-પોન્ડા બાયપાસ પાસે આવેલા એક પેટ્રોલપંપ પાસેથી ઈદ્રીશખાન પઠાણે વિદેશી દારૂ ભરેલી ઉક્ત આયસર ટ્રક આપી વાસદ ટોલનાકા નજીક આવેલી હોટલના પાર્કિંગમાં જવાનું જણાવ્યું હોવાનું અને ઈદ્રીશખાન પાસેથી બીજી સૂચના મળે તેની રાહ જોઈ રહ્યો હોવાનું કબુલ્યું હતું.