ગુજરાતમાં સીમલા જેવો માહોલ, રોડ પર ફેલાઈ બરફની ચાદર
રાજકોટ
રાજ્યમાં ભાર શિયાળે ચોમાસા જેવો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આજે વહેલી સવારે રાજકોટ-અમદાવાદ હાઇવે પરશિમલા-મનાલી જેવો માહોલ સર્જ્યો છે. રોડ જાણે બરફની ચાદરથી ઢંકાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.જે જોઈ સ્થાનિકો સહિત લોકોને કુતૂહલ થયું. રાજકોટના માલિયાસણમાં છવાઇ બરફની ચાદર, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે.રસ્તા પર કરાની ચાદર છવાઇ ગઇ હતી, સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.ભરશિયાળે વરસેલા આ માવઠાનો લોકો આનંદ માણી રહ્યા છે. હાઈવે પર વાહનો રોકીને સેલ્ફી અને ફોટોગ્રાફ પાડીને આનંદ માણી રહ્યા હતા. રાજકોટ સહિત વીરપુર, જેતપુર અને પડધરીના ન્યારા ગામમાં કરા સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જિલ્લાના ગોંડલ, શાપર, વેરાવળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. તેમજ અમુક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાનની ભિતી ખેડૂતોમાં જોવા મળી હતી. જીરું, ચણા સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતો ચિંતિત જોવા મળ્યા હતા.