મહેમદાવાદના સોજાલીમાં 2014થી 2023 સુધી 75 ટકા આવાસો બનાવ્યા વગર પૈસા ચાઉં કરી ગયા
ગ્રામ પંચાયતથી માંડી તાલુકા પંચાયત સુધીના કર્મીઓ અને મળતીયાઓ સામેલ હોવાની બૂ
લાભાર્થીને ખબર નથી કે તેમનું આવાસ મંજૂર થયુ છે
નડિયાદ
મહેમદાવાદના સોજાલી ગામમાં નાણાંકીય વર્ષ 2014- 15થી 2022-23 સુધી મંજૂર થયેલા આવાસ યોજનાના મકાનો સ્થળ પર બન્યા જ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક ફરીયાદીએ આવા સ્થળ પર ન બન્યા હોય અને મંજૂર થઈ નાણાં ચુકવાઈ ગયા હોય, તેવા અરજદારોની યાદી તૈયાર કરી છે. તેમણે વિકાસ કમિશ્નરમાં રજૂઆત કરી આ મામલે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી છે. મળતી વિગતો મુજબ મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામમાં રહેતા મેલાભાઈ ઉદાભાઈ ચૌહાણે વિકાસ કમિશ્નરની કચેરીમાં લેખિત રજૂઆત કરી છે. તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યુ છે કે, સોજાલી ગામમાં વર્ષ 2014- 15થી 2022-23 દરમિયાન વિવિષ આવાસ યોજના અંતર્ગત સરકારી આવાસ ફાળવાયા હતા. આ પૈકી 75 ટકા આવાસ સ્થળ પર બનાવ્યા ન હોય અને તેના નાણાં ચુકવાઈ ગયા હોવાનો ઘટસ્ફોટ અરજદારે કર્યો છે. માત્ર કાગળ પર આવાસ તૈયાર બતાવી જવાબદારો દ્વારા નાણાં ખંખેરી લઈ અને સરકારી નાણાંનો દૂરવ્યય કર્યો હોવાના આક્ષેપ ફરીયાદીએ કર્યા છે. આટલું જ નહીં, આ અંગે મળતી વિગતો મુજબ ફરીયાદી પાસે જે લિસ્ટ છે, તે લિસ્ટમાં જે લાભાર્થીઓ દર્શાવાયા છે, તેઓને પોતાને પણ ખબર નથી કે તેમના નામે આવાસ યોજના અંતર્ગત આવાસ મંજૂર થયું છે. તો બીજીતરફ આ સમગ્ર કૌભાંડમાં તલાટી, જૂના અને હાલના સરપંચો, તાલુકા પંચાયતના જવાબદાર કર્મચારીઓ અને અન્ય સબંધિત વિભાગોના સરકારી કર્મીઓ શામેલ હોય તો જ આ કૌભાંડ શક્ય છે. આ અંગે તાત્કાલિક તપાસ ટીમની રચના કરવામાં આવે અને કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ફરીયાદીએ કરી છે.
RTIની માહિતી આપતા ઘટસ્ફોટ થયો
આ મામલે મળતી વિગતો મુજબ ફરીયાદી મેલાભાઈ ચૌહાણે RTI કરી લાભાર્થીઓની યાદી માંગી હતી. આ યાદી મળતા જ તેમણે તેની ખરાઈ કરવા માટે લાભાર્થીઓ પાસે જઈ તપાસ કરી હતી. જેમાં અનેક એવા નામો નીકળ્યા છે, જેમને ખુદને ખબર નથી કે તેમના નામનું આવાસ મંજૂર થયુ છે, તેમજ તેમને સ્થળ પર ક્યાંય આવાસ પણ બનાવેલુ દેખાયુ નથી.
ફરીયાદીએ 33 નામોની યાદી રજૂ કરી
આ સમગ્ર મામલે ફરીયાદી મેલાભાઈ ચૌહાણે વિકાસ કમિશ્નરને રજૂઆત કરી છે. આ રજૂઆત સાથે તેમણે ૩૩ નામોની યાદી મોકલી છે. જે નામોમાં કેટલાય લોકોનું અવસાન થયેલુ છે. તેમજ આ લોકોને આવાસનો કોઈ લાભ મળ્યો નથી. ત્યારે આ અંગે હવે શું કાર્યવાહી થાય છે તે જોવુ રહ્યુ.
આવાસ મંજૂર થયુ છતાં લાભ ન મળ્યો
મેં આવાસ યોજનાના લાભાર્થીઓની લિસ્ટ જોયુ. આ લિસ્ટમાં મારૂ નામ પણ શામેલ છે. પરંતુ મને આજદીન સુધી સરકારી આવાસ યોજનાનું કોઈ મકાન મળ્યુ નથી. કોઈ આવાસનો લાભ મળ્યો નથી અને સરકાર તરફથી કોઈ નાણાંકીય લાભ આવાસ માટે મળ્યો નથી. ત્યારે આ કૌભાંડ થયેલુ જણાય છે, તેની તપાસ થવી જોઈએ. હું મારી અંગત ફરીયાદ પણ ઉચ્ચ કક્ષાએ કરીશ’- ભાનુભાઈ ભોઈ, સ્થાનિક
ભ્રષ્ટાચારીઓ સામે ACB તપાસ થશે ?
હાલ મેં આ સમગ્ર કૌભાંડ મામલે વિકાસ કમિશ્નસને લેખિત રજૂઆત કરી છે. ગરીબો અને વંચિતોના હકનું બની બેઠેલા સરકારી કર્મીઓએ પચાવી પાડયુ છે. આવા લોકો સામે લડત આપવી ખૂબ જરૂરી છે. હું આ મામલે ભષ્ટાચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરીયાદ કરીશ, હવે ACB તપાસ થશે એટલે સત્ય બહાર આવશે. – મેલાભાઈ ચૌહાણ, ફરીયાદી