હિન્દુત્વની વાતો કરવાની ને માંસાહારને પ્રોત્સાહન આપવાનું ગુજરાત સરકારની આ બેધારી નીતિ હવે ખુલ્લી પડી છે. હિન્દુત્વના નામે ખોબલે ખોબલે મતો મેળવનાર ગુજરાત સરકારે જ પશુઓના માંસનુ વેચાણ કરવા મંજૂરી આપી રહી છે. ખુદ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ સંસદમાં રજૂ કરેલાં એક રિપોર્ટે જ ગુજરાત સરકારની પોલ ઉઘાડી પાડી છે. આ રિપોર્ટ મુજબ, ગુજરાત સરકારે જ 275 માંસની દુકાનોને લાયસન્સ આપ્યા છે. આ પરથી એક વાત પ્રસ્થાપિત થઇ છે કે, સરકાર જ માંસાહારને પ્રોત્સાહન આપી રહી છે. આ જોતાં જીવદયાપ્રેમીઓમાં નારાજગી પ્રસરી છે.
ગુજરાતમાં ધીરે ધીરે માંસાહારનો ટેસ્ટ કરનારાઓની સંખ્યા દિનંદિને વધી રહી છે. માંસાહર માટે હવે કોઇને છોછ રહ્યો નથી પરિણામે ઇંડા-માસનો વપરાશ વધ્યો છે. આ કારણોસર જ અમદાવાદ સહિતના મોટા શહેરોમાં નોનવેજ રેસ્ટોરન્ટ-હોટલોની સંખ્યા વધી રહી છે જે જગજાહેર છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ સંસદમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. જેણે ગુજરાત સરકારની બેધારીને ઉઘાડી પાડી દીધી હતી. આ રિપોર્ટ મુજબ, ગુજરાતમાં હાલ 1978 માંસની નાની મોટી રજીસ્ટર્ડ દુકાનો છે. રાજ્ય સરકારે તારીખ 31મી માર્ચ, 2022 સુધીમાં કુલ 275 માંસની દુકાનોને લાયસન્સ આપ્યા છે. મહત્વની વાત તો એ છે કે, ખુદ કેન્દ્ર સરકારે ગુજરાતમાં 43 માંસની દુકાનોને પરવાના આપ્યા છે. આ પરથી સ્પષ્ટ થાય છેકે, કેન્દ્ર-રાજ્ય સરકાર જ માંસાહારને પ્રોત્સાહન આપી રહ્યા છે. એક તરફ, કતલખાને ધકેલાતા પશુઓને પકડીને જીવદયાપ્રેમીઓ જીવને જોખમમાં મૂકી રહ્યા છે તો બીજી તરફ, ખુદ સરકાર જ માંસની દુકાનોને મંજૂરી આપી રહી છે. ગુજરાતમાં માંસનુ વેચાણ વધે તે માટે સરકારને જાણે રસ જાગ્યો છે. ઉલ્લેખનીય છેકે, ગોવા, બિહાર, પંજાબ, ત્રિપુરા, સિક્કીમ સહિતના રાજ્યોએ પણ ગુજરાતની સરખામણીમાં માંસની દુકાનોને ઓછી મંજૂરી આપી છે. જીવદયાપ્રેમીઓનું કહેવું છે કે, જે રીતે ગુજરાતમાં ઇંડા-માંસના વપરાશનો વધારો થઇ રહ્યો છે. તે જોતાં ગુજરાત શાકાહારી રાજ્યની છાપ ભૂંસાઇ જશે તે દિવસો દૂર નથી.
અમદાવાદ સહિત ગુજરાતમાં અગણિત માંસની દુકાનો છે. આ ગેરકાયદેસર દુકાનોમાં હજારો ટન માંસનું વેચાણ થઇ રહ્યુ છે. છતાંય સરકાર આંખ આંડા કાન કરી છે. આમ, હિન્દુત્વની દુહાઇ દેનાર ભાજપ સરકાર માંસાહારને પ્રોત્સાહન આપી રહી છે. તે માંસની દુકાનોને અપાતી મંજૂરીઓ પરથી સાબિત થઇ રહ્યું છે.