એક સમયે ભારતમાં સાઇબરક્રાઇમ માટે ઝારખંડનું જમતારા અને હરિયાણાનું નુહ જાણીતું હતું. હવે તેમનું સ્થાન રાજસ્થાનના ભરતપુર અને ઉત્તર પ્રદેશના મથુરાએ લઈ લીધું છે. આઇઆઇટી -કાનપુર દ્વારા ઉભા થયેલા એ સ્ટાર્ટઅપ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. અભ્યાસમાં એ હકીકત પણ સામે આવી છે કે દેશના કુલ સાઇબર ક્રાઇમ પૈકી માત્ર ૧૦ જિલ્લામાં ૮૦ ટકા સાઇબરક્રાઇમ થઇ રહ્યા છે. ફ્યુચર ક્રાઇમ રીસર્ચ ફાઉન્ડેશને અભ્યાસને અંતે આપેલી જાણકારી મુજબ દેશમાં થઇ રહેલા સાઇબરક્રાઇમ પૈકી ભરતપુરમાં ૧૮ ટકા, મથુરામાં ૧૨ ટકા, નૂહમાં ૧૧ ટકા, દેવઘરમાં ૧૦ ટકા, જમાત્રામાં ૯.૬ ટકા,ગુરૂગ્રામમાં ૮.૧ ટકા,અલવરમાં ૫.૧ ટકા. બોકારોમાં ૨.૪ ટકા, કર્મા ટંડમાં ૨.૪ ટકા અને ગિરદીહમાં ૨.૩ ટકા સાઇબર ક્રાઇમ થઇ રહ્યા છે. અર્થાત દેશમાં થઇ રહેલા કુલ સાઇબરક્રાઇમ પૈકી આ દશ જિલ્લામાં ૮૦ ટકા ક્રાઇમ થઇ રહ્યા છે. ક્રાઇમને અંકુશમાં લેવા આ દશ જિલ્લા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.
- આ કારણસર વધ્યા સાઇબર ક્રાઇમ.
ટોચના ૧૦ જિલ્લાની સમીક્ષા કરતા ધ્યાને આવ્યું છે કે મર્યાદિત સાઇબર સુરક્ષા માળખું, આર્થિક પડકારો અને ડિજિટલ લીટરસીના અભાવને કારણે આ વિસ્તારોમાં સાઇબર ક્રાઇમ ફાલ્યાકુલ્યા છે. સાઇબર ક્રાઇમને અંકુશમાં લેવા માટે જાગૃતિ શિબીરોનું આયોજન, કાયદાનો અમલ કરનારા સંસાધનોનો વિસ્તાર તેમ જ શિક્ષણ સ્તરને ઉંચુ લાવવું જરૂરી છે. આવા સાઇબરક્રાઇમ હબ્સ ખતરો સર્જી શકે છે. સત્તાવાળા પ્રોએક્ટિવ પગલાં લે તે જરૂરી છે. એજન્સીનું કહેવું છે કે કેવાયસી, પ્લેટફોર્મ પરની વેરિફિકેશન પ્રક્રીયા પુરતા પ્રમાણમાં હાથ ના ધરાતાં અપરાધીઓને ફેક આઇડેન્ટીટી ઉભી કરીને ગુના માટે મોકળુ મેદાન મળે છે.