ટ્રાફિક મેમો મામલે સુરત રેલવે પોલીસકર્મી ભાન ભૂલ્યાં
પોલીસ સ્ટેશનમાં જ વાહન ચાલક સાથે કરી લાફાવાળી
પોલીસકર્મી વાહન ચાલકને લાફો મારતા વીડિયો વાયરલ
સુરત
ગુજરાતમાં ફરી એકવાર કથિત રીતે પોલીસની ગેરવર્તણૂક સામે આવી છે. વિગતો મુજબ સુરત રેલવે પોલીસે વાહન ચાલકને લાફા માર્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ટ્રાફિક મેમો બાબતે મારામારી કર્યાનું ચર્ચાઇ રહ્યું છે.
જોકે આ સમગ્ર મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુરતમાં રેલવે પોલીસે એક વાહન ચાલકને લાફા માર્યા હોવાનું સામે આવતા હવે પોલીસતંત્ર સામે સવાલો ઊભા થયા છે. વાત જાણે એમ છે કે, ટ્રાફિક મેમો બાબતે એક વાહન ચાલક અને રેલવે પોલીસ વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી. જે બાદમાં પોલીસકર્મીએ વાહનચાલકને લાફો મારી દીધો હતો. જોકે વાહનચાલકને માર મારતો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુરતના એડવોકેટ મેહુલ બોઘરાએ પણ આ અંગે વિડીયો ટ્વિટ કરી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. મહત્વનું છે કે, અનેકવાર ગુજરાતમાં પોલીસની હેરાનગતિના વિડીયો સામે આવતા હોય છે. જોકે સુરત રેલવે પોલીસે તો એક વાહનચાલકને મેમો બાબતની કોઈ માથાકૂટમાં લાફો ઝીંકી દેતાં પોલીસને આવો અધિકાર કોણે આપ્યો તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.
સળગતા સવાલ
સામાન્ય નાગરિક પર હાથ ઉપાડવાનો અધિકાર કોણે આપ્યો?
પોલીસકર્મી જ કાયદા નહીં અનુસરે તો પ્રજાની રક્ષા કોણ કરશે?
પોલીસકર્મી જ કાયદાનું ભાન ભૂલે શું એ યોગ્ય છે?
ખાખીના જોરે દાદાગીરી કરતા પોલીસકર્મીઓ પર કાર્યવાહી થશે કેમ?
પોલીસકર્મી સામે કડક કાર્યવાહી કોણ કરશે?
પોલીસકર્મીને સસ્પેન્ડ કરાશે કે કેમ?
સામાન્ય માણસને ન્યાય મળશે કે કેમ?