નડિયાદ
માતર પંથકના નાદોલી ગામે ખેતરમાં ઝાડ કાપવા જેવી નજીવી બાબતે ગામના વ્યક્તિએ ધારીયા વડે એક પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. બનાવના 4 દિવસ બાદ હોસ્પિટલમાં ઘાયલ વ્યક્તિની હાલત ગંભીર રહેતા છેવટે આ હુમલાખોર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. માતર તાલુકાના નાદોલ ગામે રહેતા 47 વર્ષિય ઘનશ્યામભાઈ ભલાલભાઈ પ્રજાપતિના કાકા જયંતિભાઈ હરીભાઇ પ્રજાપતિ ગત 5મી ઓગસ્ટના રોજ ગામની કેનાલ પાસે આવેલા ખેતરમાં ઝાડ કાપતા હતા. આ દરમિયાન ગામમાં રહેતા શંભુભાઈ બુધાભાઇ રાવળે આ બાબતે જયંતિભાઈ સાથે ઝઘડો કર્યો હતો. ગમેતેમ ગાળો બોલતા જયંતિભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતાં વધુ ઉશ્કેરાયેલા શંભુભાઈએ ધારીયું લઈ આવી જયંતિભાઈને માથામાં મારી દીધું હતું. મારી નાખવાના ઈરાદે હુમલો કરતાં બુમરાણ થતા નજીક રહેતા તેમનો ભત્રીજો અને જયંતિભાઈના ભાઈઓ દોડી આવ્યા હતા. આ બાદ ગંભીર રીતે ઘાયલ જયંતિભાઈને તુરંત સારવાર અર્થે ખેડાની હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તે સમયે આ હુમલાખોરે દવાખાનાનો સંપૂર્ણ ખર્ચ આપવાનું કહેતા પોલીસમાં કોઈ ફરિયાદ કરાવી નહોતી. પરંતુ હાલ પણ જયંતિભાઈ બેભાન છે અને હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહેલા હોવાથી અંતે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ગંભીર રીતે ઘાયલ જયંતિભાઈના ભત્રીજા ઘનશ્યામભાઈએ આ અંગે હુમલાખોર સામે લીંબાસી પોલીસમા ફરિયાદ નોંધાવી છે.