અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વાર સફેદ ડ્રગ્સનો કાળો કારોબાર વહેતો થયો છે, અમદાવાદ શહેર એસઓજીની સાથે હવે સ્થાનિક પોલીસે પણ ડ્રગ્સ માફિયાઓને પકડવા માટેની કામગીરી તેજ કરી છે અને તેના જ ભાગરૂપે મુંબઈથી અમદાવાદ લવાયેલું લાખોની કિંમતનું ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું છે. આરોપીઓ દ્વારા પોલીસને શંકા ન જાય તે માટે મહિલાની મદદ લેતા હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે રામોલ પોલીસે મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે ઉપરથી રામોલ પોલીસે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી જે દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગની કાર રોકતા કારમાં બેઠેલા બે પુરુષે તેની સાથે ગાડીમાં સવાર યુવતી ગર્ભવતી છે અને તે કાર નીચે નહીં ઉતરી શકે તેવું બહાનું આપ્યું હતું. જેને કારણે પોલીસને શંકા ગઈ હતી. આ મામલે પોલીસે મહારાષ્ટ્રના મુંબઈના અયુબ ઈબ્રાહીમ કુરેશી, શેહઝાદી નૂર ઇસ્લામ શેખ અને અયુબખાન નવાઝખાન ખાન નામના આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણેય લોકો મુંબઈથી જ ડ્રગ્સનો જથ્થો પોતાની સાથે લાવ્યા હતાં અને અમદાવાદના કોઈ જગ્યા પર આપવાના હતાં. પોલીસે કારમાં રહેલા પેકેટમાંથી 37.66 લાખની કિંમતનું 376.600 ગ્રામ એમ.ડી ડ્રગ્સ, મોબાઈલ, રોકડ અને કાર સહિત કુલ 43 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ કાર પાસે જતા મહિલાએ પોતાના હાથમાં રહેલું એક પેકેટ તેની પાછળની સીટ પણ ફેંકી દીધું હતું જેથી પોલીસની શંકા વધુ દ્રઢ બની હતી. જેથી કારની તપાસ કરી તે પેકેટમાં શું છે, તે વિશે પૂછપરછ કરતા ત્રણમાંથી એક પણ વ્યક્તિ તેનો યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. આખરે પોલીસે પેકેટ ખોલતા તેમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મહિલાનો પતિ મુંબઈમાં જેલમાં મારામારીના ગુનામાં કેદ છે. આરોપીઓ પાંચેક વર્ષ અગાઉ તેઓ એક વખત આ રીતે મુંબઈથી ડ્રગ્સ લઈને અમદાવાદ આવ્યા હતાં, પરંતુ પોલીસને આ વાત ગળે નહીં ઉતરતા પોલીસને હજી પણ શંકા છે કે પાંચ વર્ષ પહેલા નહીં પરંતુ આ લોકો અવારનવાર મુંબઈથી અમદાવાદ ડ્રગ્સ લઈને આવતા હોઈ શકે છે. જેથી તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા પોલીસે શરૂ કરી છે.
Views: 20
Read Time:3 Minute, 9 Second