*ક્લાઈમેટ ચેન્જના દુષ્પરિણામોને નાથવા પાવન વનને વધાવવાનો અવસર – વન મહોત્સવ*
****
કઠલાલ ખાતે ૭૪મો વન મહોત્સવ નાયબ મુખ્યદંડક રમણસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયો
***
જિલ્લા કક્ષાના વન મહોત્સવના કાર્યક્રમમાં વૃક્ષ રથને લીલી ઝંડી આપતા નાયબ મુખ્યદંડક રમણભાઈ સોલંકી
****
આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ આપવા પર્યાવરણ સાથે સંતુલન દ્વારા ગ્રીન ગ્રોથ સાથે ગુજરાતને સજ્જ કરવું એ આપણી ફરજ છે :- નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી
***
ગુજરાત રાજ્યમાં ૭૪મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે ‘ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત’ના સૂત્ર હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ગુજરાતભરમાં દરેક જિલ્લા સ્તરે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં ખલાલ ખાતે ૭૪મા વન મહોત્સવની ઉજવણી નાયબ મુખ્યદંડક રમણસિંહ સોલંકીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
નાયબ મુખ્ય દંડક રમણસિંહ સોલંકીએ જણાવ્યું કે, વૃક્ષો આપણા જીવનમાં સંત જેવું કામ કરે છે. વૃક્ષો પોતાના જીવનને સમર્પિત કરી આપણાને ઓક્સીજન આપે છે. તો આજની પેઢીની જવાબદારી છે કે, તેઓ વૃક્ષોનું વધુને વધુ વાવેતર કરી આપણી ભારત ભૂમિને વૃક્ષ આચ્છાદિત કરી પર્યાવરણની જાળવણીમાં ભાગીદારી લે.
વન મહોત્સવ વિશે વાત કરતા નાયબ મુખ્યદંડક એ જણાવ્યું હતું કે વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ મુન્શીએ ઇસ ૧૯૫૦માં કરી હતી. ત્યારબાદ ભારતના પનોતા પુત્ર અને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાતને વૃક્ષ આચ્છદિત કરવાનો સંકલ્પ લીધો હતો. એ સંકલ્પને સાકાર કરવા હાલની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ આ પવિત્ર પરંપરાને આગળ વધારી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૦૩ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ જિલ્લા કક્ષાનો વન મહોત્સવનો પ્રારંભ પંચમહાલના જેપુરા-પાવાગઢથી કરાવ્યો હતો.
નાયબ મુખ્યદંડક એ વડાપ્રધાન વનકવચની પ્રેરણાનું સ્મરણ કરતા જણાવ્યુ કે, રાજ્યની આબોહવા અને માટીની ફળદ્રુપતા ધ્યાને લઈ વૃક્ષોના વાવેતર દ્વારા આવા વન કવચ વિકસાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પ્રેરણા આપેલી છે. તેમણે જણાવ્યું કે પર્યાવરણ સાથે સમન્વધય સાધીને વિકાસનો વિચાર વડાપ્રધા નરેન્દ્ર મોદી એ આપેલો છે. મિશન લાઈફ અન્વયે આપણા રોજબરોજનાં જીવનમાં પર્યાવરણ જાળવણી, જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવા પ્રાકૃતિક ખેતીનો નવતર વિચાર જેવા અભિગમોથી વડાપ્રધાન એ સ્વાસ્થ્યપ્રદ જીવનનો માર્ગ બતાવ્યો છે.
નાયબ મુખ્યદંડક એ ગામજનોને પોતાના ફળીયા, પોતાના ગામની આસપાસ ખાલી જગ્યાએ વૃક્ષો વાવી આ ઉત્સવમાં જોડાય તેવી વિનંતી કરી હતી. વૃક્ષોનુ વાવેતર કરવા વૃક્ષો વિના મૂલ્યે વનવિભાગ, સરકારી નર્સરીથી મળશે તેવો વિશ્વાસ લોકોને આપવ્યો હતો. વન મહોત્સવ કાર્યક્રમમાં પ્રિન્સીપલ, જી.એફ.આર.સી રાજપીપળા ડૉ.સુનિલ કુમાર બેરવાલે ખેડા જિલ્લાના લોકોમાં વૃક્ષો પ્રત્યેની લોકોમાં લાગણી બિરદાવી. સાથોસાથ વનવિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરી બિરદાવતા જણાવ્યું કે, ખેડા જિલ્લામાં સામાજીક વનીકરણ વિભાગ, નડિયાદ હસ્તકની કુલ-૧૮ વન મહોત્સવ નર્સરીઓ, કુલ-૦૩ હાઈટેક નર્સરીઓ તથા લાભાર્થીઓ મારફત તૈયાર થયેલ કુલ-૮૫ નર્સરીઓના મળી કુલ-૫૬.૮૪ લાખ રોપા તૈયાર કરવામાં આવ્યા છે. જેના વિતરણ તથા વાવેતર કરવાનું ૭૪મા વન મહોત્સવ હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. સામાજીક વનીકરણ વિભાગ, નડિયાદ દ્વારા સરકારની વિવિધ વનીકરણ યોજનાઓ અન્વયે કુલ-૮૨૩.૦૦ હેકટર વિસ્તારમાં ચાલુ વર્ષે ખાતાકીય ખેડુતલક્ષી લાભાર્થીઓ મારફત વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ લોકભાગીદારીથી મોટાપાયે વનીકરણ કરવામાં આવશે. તેમજ વન મહોત્સવનીની ઝુમ્બેશમાં ખેડા જિલ્લા જિલ્લાના લોકો સહિયારી વનવિભાગ સાથે ભાગીદારી કરી વૃક્ષારોપણ કરે તેવી વિનંતી કરી હતી.
વન મહોત્સવ કાર્યક્રમનો પ્રારંભ બેસ્ટ શાળાની વિદ્યાર્થીનીઓના સ્વાગત ગીતથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નાયબ વનસંરક્ષક રૂપક સોલંકીએ મહાનુભાવોનું સ્વાગત કરી વન મહોત્સવનું મહત્વ સમજાવી ખેડૂતો અને ગ્રામજનોને વધુને વધુ ઝાડ વાવી રાજ્યના ગ્રીન ગ્રોથમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમમાં મહિલા ગ્રુપ નર્સરીના સાથે જોડાયેલા સંખીમંડળના ગ્રુપોને ચેક વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ વનવિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રસસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે નાયબ દંડકશ્રી દ્વારા વૃક્ષ રથને લીલી ઝડી આપવામાં આવી હતી. અને વૃક્ષારોપણના કાર્યક્રમમાં નાયબ દંડક, ધારાસભ્ય મહેમદાવાદ અર્જુનસિંહ ચૌહણ, પ્રિન્સિપાલ જી.એફ.આર.સી રાજપીપલા ડો.સુનીલ કુમાર બેરવાલ,નાયબ વનસંરક્ષક રૂપક સોલંકીએ વૃક્ષ વાવી આ ઉત્સવમાં ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે આ વર્ષે વન-મહોત્સવ ત્રણ તબક્કામાં ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષા વન મહોત્સવ, જિલ્લા કક્ષાનો વન મહોત્સવ તાલુકા કક્ષાનો વન મહોત્સવ જિલ્લા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં મહેમદાવાદના કપડવંજ પ્રાંતઅધિકારી અનિલ ગોસ્વામી, કમાન્ડો તાલીમ સેન્ટરના નાયબ પોલીસ અધિક્ષક એન. વી. ચૌહાણ, મદદનીશ વનરક્ષક અંકુર પટેલ સહીત કમાન્ડો ટ્રેનિંગ સેન્ટરના કમાન્ડો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.