ની૨વ જેબલીયાના હાઇકોર્ટના બોગસ હુકમકાંડમાં ચાર FIR દાખલઃ કસૂરવારો સામે કાયદેસર કાર્યવાહીની સરકારની ખાતરી
અમદાવાદ| ગુજરાત હાઇકોર્ટના બોગસ હુકમો તૈયાર કરી ન્યાયતંત્ર સાથે ચેડાં કરવાની હિંમત કરનાર પૂર્વ આઇપીએસ બી.એસ.જેબલીયાના પુત્ર નીરવ જેબલીયા સામે થયેલી રિટ અરજીની સુનાવણી દરમ્યાન આજે સરકારપક્ષ તરફથી હાઇકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરી જણાવાયું હતું કે, હાઇકોર્ટના બોગસ હુકમો પ્રકરણમાં કસૂરવાર આોપી નિરવ જેબલીયા સામે સોલા પોલીસમથકમાં અલગ-અલગ ચાર ફરિયાદો નોંધી લેવામાં આવી છે. જેમાં હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલની કરિયાદનો પણ સમાવેશ થાય છે. જસ્ટિસ સમીર જે.દવેએ પોલીસ તરફથી રજૂ થયેલો રિપોર્ટ રેકર્ડ પર લઇ જણાવ્યું હતું કે, હવે ભવિષ્યમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી ગંભીર નિષ્કાળજી કે ઉદાસીનતા ના દાખવાય તેનું ધ્યાન રાખજો અને માત્ર સોલા પોલીસમથક જ નહી પરંતુ તમામ પોલીસ સ્ટેશનોમાં આ મુદ્દે જરૂરી સૂચનાઓ આપવા સ૨કારપક્ષને નિર્દેશ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટના બોગસ હુકમો પોલીસ સ્ટેશનોમાં મોકલી તેના આધારે આરોપીઓને જામીન અપાવવાના કૌભાંડમાં નિવૃત્ત આઇપીએસ બી.એસ.જેબલીયાના પુત્ર નીરવ જેબલીયા અને આ સમગ્ર પ્રકરણમાં જે કોઇ કસૂરવારો હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા દાદ માંગતી રિટ અરજીની સુનાવણી દરમ્યાન આજે સરકારપક્ષ તરફથી ખુદ પબ્લીક પ્રોસીકયુટર મીતેશ અમીને હાઇકોર્ટે જણાવ્યું હતું કે, અદાલતને ગઇકાલે ખાતરી મુજબ આ પ્રકરણમાં કાર્યવાહી કરી છે અને હાઇકોર્ટના બોગસ હુકમો પ્રકરણમાં નિવૃત્ત આઇપીએસના પુત્ર નીરવ જેબલીયા સામે આખરે ચાર અલગ- અલગ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. જેમાં અરજદાર દિનેશભાઇ રાણા, મકસૂદભાઈ અને હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ તરફથી અપાયેલી ફરિયાદનો પણ સમાવેશ થાય છે. દરમ્યાન અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટને જણાવ્યું કે, આ એક બહુ ગંભીર અને સંવેદનશીલ કેસ છે, જેમાં હાઇકોર્ટ જજના વડપણ હેઠળ ન્યાયિક તપાસ કરવી જરૂરી બને છે. જેથી પબ્લીક પ્રોસીક્યુટરે હાઇકોર્ટને હતી કે, પોલીસ દ્વારા આ કેસમાં બિલકુલ નિષ્પક્ષતાથી અને તટસ્થતાપૂર્વક તપાસ કરવામાં આવશે, હાઇકોર્ટના બોગસ હુકમોના પ્રકરણમાં નીરવ જેબલીયા સિવાય પણ જે કોઇ કસૂરવારો આમાં સંડોવાયેલા હશે તેઓની વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે. જેથી અરજદારની આ માંગણી હાલના તબક્કે અસ્થાને છે. અરજદારે પોતાની પિટિશનમાં ફરિયાદ નોંધવાની દાદ માંગી પોલીસ દ્વારા હવે એફઆઇઆર દાખલ થઇ ગઇ છે અને અરજદારની દાદ સંતોષાઇ ગઇ છે. તેથી હાઇકોર્ટ કેસનો નિકાલ કરવો જોઇએ. દરમ્યાન જસ્ટિસ સમીર જે.દવેએ સરકારપક્ષને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, હવે ભવિષ્યમાં ફરિયાદ નોંધવા મુદ્દે ધક્કા ના ખવડાવાય અને આટલી ગંભીર બેદરકારી ના રખાય તેનું ધ્યાન રાખજો. જેથી પબ્લીક પ્રોસીકયુટરે હાઇકોર્ટને હૈયાધારણ આપી કે, હાઇકોર્ટ તરફથી કોઇપણ જશે તો તાત્કાલિક કાર્યવાહી કરાશે. જસ્ટિસ સમીર દવેએ કહ્યું કે, માત્ર હાઇકોર્ટ જ નહી પરંતુ સામાન્ય નાગરિક જાય તો પણ તેને ફરિયાદ નોંધવા મુદ્દે પોલીસ દ્વારા ખોટી આનાકાની કે હેરાનગતિ ના થાય. પોલીસ કોઇને ખોટા બિનજરૂરી ધક્કા ના ખવડાવે. પબ્લીક પ્રોસીકયુટરે જણાવ્યું કે, સોલા પોલીસમથકમાં અમે આ અંગે સૂચના આપી દીધી છે તેથી હાઇકોર્ટે જણાવ્યું કે, માત્ર સોલા પોલીસ સ્ટેશન જ નહી, તમામ પોલીસ મથકોમાં આ અંગે જરૂરી સૂચનાઓ જારી કરાવો અને તેનું અસરકારક પાલન કરાવો. તેથી પબ્લીક પ્રોસીકયુટરે આ મામલે તમામ પોલીસમથકોમાં જરૂરી સૂચના જારી કરી દેવાશે તેવી ખાતરી આપી હતી. જેને પગલે હાઇકોર્ટે આ કેસનો નિકાલ કર્યો હતો.